
સુરતમાં શ્રીહરિના એક અનન્ય ભક્ત આત્મારામ દરજી રહેતા હતા. હરિભક્તો તેમની પાસે શ્રીહરિ માટે વાઘા કરાવતા. હરિભક્તોને જેવો ભાવ હોય તેવું શ્રીહરિ માટે અંગરખું, ડગલી, સુરવાળ વગેરે બનાવી આપતા. શ્રીહરિમાં તેમને એવો પ્રેમ હતો કે જ્યારે જ્યારે મહારાજ માટે વાઘા સીવવાના થાય, ત્યારે તે પ્રભુમય થઈ ખૂબ જ ભાવ અને પ્રેમથી વાઘા સીવતા. ક્યારેય તે હરિભક્તો પાસેથી શ્રીહરિ માટે વાઘા સીવવાનાં પૈસા પણ લેતા નહિ; આવા તેઓ મહિમાવાળા હતા.
એક દિવસ તેમને વિચાર આવ્યો કે, હરિભક્તો પ્રભુજી માટે વાઘા કરાવે છે, તો મારે પણ મારા હરિવર માટે એક સુંદર ડગલી બનાવવી છે; આવું વિચારી તેમણે એક ડગલી બનાવવાનું શરૂ કર્યું. ડગલી સીવતાં સીવતાં અંતરમાં અહોભાવના હિલોળા આવતા કે, આ ડગલી મારા પ્રભુજી પહેરશે, મારા વહાલાને ખૂબ ગમશે. અહો ! કેવા સુંદર લાગશે એ અક્ષરધામના અધિપતિ !!
આવા વિચારો કરતાં કરતાં આંખો ભીની થઈ જતી. ડગલી સીવતાં જાણે પ્રત્યક્ષ પ્રભુનાં દર્શન થતાં હોય એવું અનુભવાતું હતું ! તેમણે ડગલીમાં સુંદર બુટ્ટા, વેલ વગેરે અવનવું ભરતકામ કર્યું.
જ્યારે સુંદર નયનરમ્ય ડગલી તૈયાર થઈ, એટલે તેઓ મહારાજને અર્પણ કરવા ચાલતા થયા. એ વખતે શ્રીજીમહારાજ ભાવનગરમાં બિરાજમાન હતા. આત્મારામે ભાવનગર આવી પ્રેમપૂર્ણ હૃદયે મહારાજને ડગલી અર્પણ કરી. આત્મારામનો પ્રેમ-ભાવ જોઈ મહારાજે ડગલી પહેરી. ડગલી મહારાજને બરાબર બંધ બેસતી થઈ ગઈ. નહિ લાંબી, નહિ ટૂંકી, નહિ પહોળી. જાણે કે માપ લઈને બનાવી હોય ને શું !
મહારાજ ખુશ થઈ ગયા અને કહ્યું : “આત્મારામ ! આ ડગલી તો અદ્ભુત બની છે, અમને તો બહુ જ ગમી. અમે ખૂબ રાજી થયા. માગો માગો, અમે તમને શું આપીએ ?” આત્મારામે હાથ જોડીને કહ્યું : “હે વહાલા ! આપ રાજી થયા હવે મારે બીજું શું જોઈએ ?” આત્મારામની આવી નિષ્કામ પ્રેમભક્તિ જોઈ મહારાજે રાજી થઈ તેમને થાળની પ્રસાદી આપી.
આમ, મહારાજે ડગલીનાં ખૂબ વખાણ કર્યાં, એટલે એક હરિભક્તે આત્મારામને પૂછ્યું : “આત્મારામ, આ ડગલી મહારાજને એકદમ બંધબેસતી થઈ ગઈ, તો એ તો કહો કે આ ડગલીનું માપ તમે ક્યારે લીધું ?” આત્મારામે પ્રેમથી કહ્યું : “ભાઈ, આમ તો માપ નથી લીધું, પણ હું જ્યારે ડગલી સીવતો ત્યારે આંખો મીંચી મહારાજને સંભારું તો અંતરમાં મહારાજની મૂર્તિ દેખાતી ત્યારે માપ લઈ લેતો.”
અહો ! કેવો ભગવાનમાં પ્રેમ !! આવો પ્રેમ જો આપણને થઈ જાય, તો અંતરમાં પ્રભુ અખંડ દેખાય, પછી ભૂલવા હોય તોય ન ભુલાય.
આ બાજુ ભાવનગર નરેશ વજેસિંહજીને કાને આ ડગલીની વાત પહોંચી. એને થયું કે મારે એ ડગલી જોવી છે. એમણે એ ડગલી જોવા મંગાવી. વજેસિંહજી ડગલી જોઈને મુગ્ધ થઈ ગયા ને મનમાં થયું કે, મારે પણ મારા માટે આવી ડગલી કરાવવી છે. પછી તેમણે આત્મારામને બોલાવ્યા અને કહ્યું : “આત્મારામ, આવી ડગલી મારા માટે સીવી આપશો ? મોં માગ્યા પૈસા તમને આપીશ.”
આત્મારામ ઘડીક તો મૂંઝાયા કે શું જવાબ આપવો ? પણ શ્રીહરિને અંતરમાં સંભારી શાંતિથી જવાબ આપ્યો : “મહારાજા ! માફ કરજો, એકલી કારીગરીથી આ કામ નથી થયું. એ તો મેં મારા ઇષ્ટદેવ માટે હેતના ટેભા લઈને બનાવી હતી, બીજા માટે આવી ડગલી સીવવા હેતના ટેભા ક્યાંથી લાવું ?”
રાજા સમજદાર હતા. બધું સમજી ગયા કે, એને એના ઇષ્ટદેવ જેવો પ્રેમ મારા ઉપર ક્યાંથી હોય ? તરત મન વાળી લીધું.
વહાલા ભક્તો ! ભક્ત અને ભગવાનના આ પ્રેમપૂર્ણ પ્રસંગથી આપણે પ્રેરણા લઈએ કે આપણે પણ ભગવાન માટે, સંતો-ભક્તો માટે કાંઈક ને કાંઈક સેવા તો કરતા જ હોઈએ છીએ; પરંતુ આત્મારામ ભગત જેવો પ્રેમભાવ-મહિમાભાવ આપણને કેટલો રહે છે ?
મહારાજે તો વચનામૃત ગઢડા મધ્યના ૪૧માં કહ્યું છે કે, “ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી.” મહારાજનાં આ વચનો યાદ રાખી જો આપણે પણ અહોભાવ, પ્રેમભાવ અને મહિમાભાવથી સેવા કરીએ, તો જેવા આત્મારામ ભગત ઉપર મહારાજ રાજી થયા એવા આપણા ઉપર પણ ચોક્કસ રાજી થાય. સૌને ભાવથી જય સ્વામિનારાયણ...