જય સદ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી,
સહજાનંદ દયાળુ (૨) બળવંત બહુનામી...જય૦૧
ચરણ સરોજ તમારાં વંદું કર જોડી (૨)
ચરણે ચિત્ત ધર્યાથી (૨) દુ:ખ નાખ્યાં તોડી...જય૦૨
નારાયણ નરભ્રાતા, દ્વિજકુળ તનુધારી (૨)
પામર પતિત ઉદ્ધાર્યાં (૨) અગણિત નરનારી...જય૦૩
નિત્ય-નિત્ય નૌતમ લીલા, કરતાં અવિનાશી (૨)
અડસઠ તીરથ ચરણે (૨) કોટિ ગયા કાશી...જય૦૪
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે (૨)
કાળ કર્મથી છૂટી (૨) કુટુંબ સહિત તરશે...જય૦૫
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી (૨)
મુક્તાનંદ કહે મુક્તિ (૨) સુગમ કરી સીધી...જય૦૬