હૃદય સુધી પહોંચીએ…

હૃદય સુધી પહોંચીએ…

શાંતિકાકાનું ઘર મારા ઘરથી એકદમ નજીક. બે ઘર મૂકો એટલે ત્રીજું તેમનું ઘર આવે. આખો દિવસ તેમનો લાઉડલી અવાજ મારા ઘેર બેકગ્રાઉન્ડમાં સંભળાયા કરે. પહેલા તો મને આ બાબતે તેમને વિવેક શીખવવાનું ઘણું મન થતું, પરંતુ મનને સમજાવતાં થોડા દિવસમાં મને પણ એ બધું સેટ થઈ ગયું.

શાંતિકાકા બહુ મજાના મળવા જેવા માણસ. અત્યંત લાગણીશીલ, પ્રેમાળ અને માવડિયો સ્વભાવ. પહાડી અવાજ, અહંશૂન્ય એવું વ્યક્તિત્વ કે બધા તેમની ઠેકડી-મશ્કરી કરી શકે. કોઈ તેમનું અપમાન કરે તોપણ તેમને એનું કાંઈ નહી. હા, જરૂર પડે ત્યારે થોડી આંખ લાલ કરે પરંતુ બીજી જ ક્ષણે તેમના મુખ પરના સ્મિતથી તેમની લાલ આંખમાં પણ સૌને અત્યંત વહાલની અનુભૂતિ થાય. લાખો માણસોમાં આવા એકાદ વ્યક્તિ મળે કે ન પણ મળે...!

કાકા કોઈને દુ:ખી જોઈ ન શકે. રસ્તામાં જતા ક્યાંક ફૂલ-છોડ સુકાતાં જોઈ જાય તો તેને પાણી પાયા વગર રહી ન શકે… કબૂતરને ચણ નાખવાનો રોજનો તેમનો નિયમ. નાના બાળકો માટે ચોકલેટ ખિસ્સામાં જ રાખે. બેટા, બેટા કરી સૌને એવો પ્રેમ આપે કે ન પૂછો વાત. શેરીનાં કૂતરાં પણ તેમના ઇશારા માત્રથી દોડતા આવે. અરે, કામકાજ કરનારા મજૂરો પણ શાંતિકાકાને સારી રીતે ઓળખે. શાંતિકાકાના આ બધા સદ્દગુણો મને પણ તેમની સાથેના કેટલાક પ્રસંગ પછી જ સ્પર્શવા લાગ્યા. બાકી તો હું તેમના વિષે એવું જ માનતો કે તેઓ એક રૂઢિચુસ્ત, બોલકા, ફ્રી ઓફ ચાર્જ સલાહકાર છે.

શાંતિકાકા થોડું ડોશી વૈદું જાણે. તેમને એવું સંભળાય કે કોઈ વ્યક્તિ બીમાર છે એટલે તરત થોડી પડીકીઓ લઈ તેના ઘેર પહોંચી જાય. “બેટા ! કાંઈ ચિંતા કરીશ નહિ હોં...! આ દવાનો સવાર-સાંજ ઉકાળો લઈ આરામ કરજે. પ્રભુનું સ્મરણ કર્યા કરજે.” કાકાની આટલી વાત દર્દીને બહુ મોટી સાંત્વના આપી જતી. દર્દીની સેવામાં શાંતિકાકા પોતાની લાગણી અને ભાવનાઓની ક્ષિતિજ ક્યારે વટાવી જતા તેની તેમને ખુદને પણ ખબર નહોતી રહેતી. આવા સમયે જે તે ફિલ્ડના અનુભવીને પણ તેમની વાત માનવી પડતી.

એકવાર એવું બન્યું... મને તાવ આવ્યો એટલે હું ડોક્ટર પાસેથી ટીકડી લઈ જમીને સૂઈ ગયો. એટલામાં શાંતિકાકા આવ્યા… “બેટા હર્ષિત ! શું થઈ ગયું તને !” “કાકા તાવ આવ્યો છે.” આટલું સાંભળતાં તેઓ તરત પોતાને ઘેર ગયા ને થોડી પડીકીઓ તથા ગરમા ગરમ ઢોકળાં લઈ આવ્યા. મેં કહ્યું, “કાકા, મેં ટીકડી લીધી છે. વળી, ડોક્ટરે શક્ય એટલું ફ્રૂટ જમવા કહ્યું છે...” હું આગળ બોલું એ પહેલા જ કાકાએ મારા મોઢામાં એક ઢોકળું મૂકી દીધું. “ડોક્ટરને શું ખબર પડે ! મારાં બનાવેલાં આ ઢોકળાં ખા અને આ પડીકી લે... તાવ ઊભી પૂંછડિયે ન ભાગે તો કહેજે.” છેવટે મારે કાકાના ભાવભર્યા આગ્રહને વશ થઈ મૂંગે મોંઢે ઢોકળાં ખાઈ લેવા પડ્યાં. ભગવાનને કરવું હશે તે બે દિવસની તેમની દુવા અને દવા લેવાથી હું ઊભો થઈ ગયો. ડોક્ટરે આપેલ ટેબલેટ બસ એમની એમ જ પડી રહી.

આ પ્રસંગ બાદ હવે તેમના પ્રત્યેની મારી ધારણા બદલાવા લાગી. જ્યાં સુધી મને સમજાયું ન હતું ત્યાં સુધી તો મને એમ થતું કે કાકાનું નામ શાંતિ કોણે રાખ્યું હશે ! ખરેખર અશાંતિકાકા હોવું જોઈએ. કેમજે, ગમે ત્યાં હોય આખો દિવસ જરૂર હોય-ન હોય બોલ બોલ બોલ જ કરે. એના કરતાં કાકા શાંતિથી પ્રભુનું સ્મરણ કરે તો કેવું સારું ! એકની એક વાત બે-ત્રણ વાર કહે... વગર માંગી સલાહ દીધા જ કરે... “કેમ જીવણ, વાડીએ ઘઉં વાવ્યા છે કે ? જોજે…પાણી પૂરતું પાઈશ તો જ મોલ સારો થશે; તારા દીકરાએ કઈ લાઇન લીધી છે ? જોજે પાછો, એને સાયન્સ રખાવજે.” આવું તો ઘણું ઘણું... આ બધી બાબતોમાં મને એવું લાગતું કે કાકા આવી પારકી પંચાતમાં શું કામ પડતા હશે ?

પણ... જ્યારે મારો એંગલ બદલાયો ત્યારે મને ખબર પડી ગઈ કે એ તો ભગવાનના માણસ છે. તેમના જેવું કોઈથી જીવાય નહિ; બીજાના દુ:ખે દુ:ખી અને સુખે સુખી થવું એ સામાન્ય માણસનું કામ નથી. આમ મારે ને એમને કોઈ જ પ્રકારનો સંબંધ નહિ છતાં મારા માટે પણ તેઓ આવો ભાવ રાખતા હોય તો એમની આ ઊંચાઈ પાછળ કોઈક બહુ ઊંચું પ્રેરકબળ કામ કરતું હશે. માટે મારે એમના વિષે બીજું-ત્રીજું ન વિચારાય !

જ્યારે મારા વિચારોને આવો વળાંક મળવા લાગ્યો ત્યારે હવે તેમનાં બાહ્ય સ્વભાવ-વર્તન કે બોલી તરફ વૃત્તિ ન રહેતાં હું તેમના હૃદય સુધી પહોંચવા લાગ્યો. હવે મને શાંતિકાકાનો બોલકો અને સલાહ દેવાનો એનો એ જ સ્વભાવ દોષરૂપ નહિ લાગતા ગુણ તરીકે દેખાવા લાગ્યો. તેમના હૃદયના શુધ્ધભાવ તરફ દૃષ્ટિ થતાં મારું પોતાનું હૃદય દ્રવી જવા માંડ્યું. મને લાગ્યું કે હું ઊંધા માથે થઈ અનેક જન્મો તપ-જપ કરું તોય એમના જેવા ગુણો નહિ કેળવી શકું...

શાંતિકાકાનો નિઃસ્વાર્થભાવ અને નિર્માની સ્વભાવ સૌ કોઈને આકર્ષતો હતો. બીજા માટે જીવવાનો અને બીજાને રાજી કરવાનો તેમનો ગુણ અજોડ હતો. ઘેર એકલા એકલા પ્રભુને પ્રત્યક્ષ માની તેમની સાથે વાતો કરતા હોય. અનેક વખતનાં આવાં અનેક દૃશ્યો જોયા બાદ મેં તેમને આધ્યાત્મિક માર્ગના મારા આદર્શ પાત્ર બનાવી લીધા. શાંતિકાકાની કેટલીક બાબતો મારા દૂરથી લીધેલ તેમના વાઇડ ફોટામાં કેપ્ચર ન થઈ, પરંતુ જ્યારે હું એમની તસ્વીર એકદમ નજીકથી ખેંચવા લાગ્યો ત્યારે મને આ બધી તેમની ઊંચાઈ જોવામાં આવી. મારો કેમેરો બરાબર તેમના ઉપર મંડાયેલો હતો ને વિચારોનો પ્રવાહ પણ સવળો ચાલતો હતો એ અરસામાં એકવાર મને એક દૃશ્ય જાેવા મળ્યું.

હું કશાક કામ માટે તેમના ઘેર જઈ ચડ્યો. જોયું તો શાંતિકાકા ઘરમંદિરમાં એકલા બેસી આંસુ લૂંછી રહ્યા હતા. મેં પૂછ્યું, ‘શું કાકા !’ ‘કાંઈ નહિ બેટા…’ ‘કાકા ! કહો તો ખરા... કાંઈ તકલીફ કે મુશ્કેલી છે ?’ કાકાએ ઘેરા સ્વરે કહ્યું, ‘હા, મુશ્કેલી તો છે પણ મારે નહિ; પેલા અંકિતને…’ ‘શું મુશ્કેલી છે ?‘એને બિચારાને અવારનવાર ભક્તોના બાહ્ય સ્વભાવ જોઈને અવગુણ આવી જાય છે, એટલે પ્રભુને પ્રાર્થના કરતો હતો કે, ‘પ્રભુ ! એને સરખું સમજાવે.’ આમ કહી તેઓ મને ઉદ્દેશીને બોલવા લાગ્યા…

‘બેટા હર્ષિત ! આ દુનિયામાં અભાવ લેવા જેવા ક્યાં કોઈ છે ? ખુદ પ્રભુએ જેમનું સર્જન કર્યું હોય એનો આપણે અભાવ લેવાય ? ગુણ લેવા જેવું ઘણુંય હોય તેને ન જોઈને જરા જેટલી બાહ્ય બાબત પર ધ્યાન દઈએ તો પ્રભુને કેવું લાગે ! જાે એના હૃદય સુધી ન પહોંચીએ તો એને ઓળખવામાં બહુ ફેર રહી જાય... હર્ષિત, બહુ જ ફેર રહી જાય. મેં એને સમજાવ્યો તો છે પણ…’ આમ કહેતાં કાકાની આંખમાંથી ફરી બે અશ્રુબિંદુ ખરી પડ્યાં. આ પ્રસંગે શાંતિકાકાના લાગણીભર્યા હૃદયપ્રવાહો સાંભળી હું વિચારે ચડી ગયો. મને થયું કે, આધ્યાત્મિક માર્ગમાં આ બધા સદ્દગુણો અને આવો સ્વભાવ વ્યક્તિને પોતાને કેટલો બધો ભીનો રાખે છે ! ભગવાનમય રહેવાનું કેવું સુંદર ફાઉન્ડેશન પૂરું પાડે છે ! આવા વિચારો સાથે કાકાને મનોમન વંદન કરી મેં વિદાય લીધી.

વહાલા ભક્તો ! આ સત્સંગમાં રહેલા શાંતિકાકા જેવા ભક્તોને ઓળખવામાં આપણાથી તો કોઈ ભૂલ નથી થતી ને ! આપણે ઉપલક દૃષ્ટિથી જાેઈ કોઈનામાં ગૌણભાવ તો નથી કરતા ને ! જાે સવળું સમજીને તેમના હૃદય સુધી નહિ પહોંચ્યા હોઈએ તો અંતે પસ્તાવું પડશે કે, “હું એમને ઓળખી ન શક્યો...” હા, પોતાની જ વાત હોય તો આવા સ્વભાવમાં થોડો વિવેક અને સાવધાની જરૂરી છે કે જેથી પ્રભુને પામવાના આપણા ધ્યેય બારું કાઈં થવા ન લાગે. પ્રભુ અને પ્રભુ પ્યારા માટે જ જીવવાને બદલે અન્યને માટે પણ આપણો સમય ખર્ચાવા ન લાગે. લાગણી-પ્રેમ વગેરે રાખતાં ક્યાંય મોહ કે બંધન ન થઈ જાય. આ બધું સ્વસંશોધન કરી પોતાના દોષ ટાળવા જરૂરી છે, પરંતુ અન્યના ગુણોમાં તો આપણને કદાપિ દોષ દર્શન ન જ થવું જોઈએ.