હીરો

હીરો
September 1, 2025

એક વાવ પાસે એક સુરદાસ રહેતો. તે હંમેશાં રાડ્યું પાડે, “હું ભૂખ્યો છું મને અન્ન આપો.” ત્યાં એક તેનો મિત્ર રહેતો. તે લાકડાં કાપીને શહેરમાં વેચે. તેમાંથી ખાવાનું લાવીને તે સુરદાસ પાસે જાય અને બન્ને ખાય.

એકવાર એક દાનેશ્વરી શેઠ ઘોડાગાડીમાં બેસીને નીકળ્યા. તેઓ જે વસ્તુ ખીસ્સામાંથી નીકળે તે ગરીબને આપતા. રાડ્યું સાંભળીને શેઠે પૂછ્યું, “કોણ રાડ્યું નાંખે છે ?” કોચમૅન કહે, “વાવ ઉપર એક સુરદાસ રાડ્યું નાંખે છે.”

શેઠે ત્યાં જઈને પૂછ્યું, “શું તકલીફ છે ?” સુરદાસ કહે, “હું ભૂખ્યો છું, કાંઈક ખાવા આપો.” શેઠે ખીસ્સામાં હાથ નાંખ્યો તો હીરો હાથમાં આવ્યો. હીરો સુરદાસને આપતાં શેઠ કહે, “એક લાખનો હીરો તને આપું છું. આખી જિંદગી ખૂટશે નહીં.” સુરદાસ રાજી થઈ ગયો.

તેટલામાં લાકડા વેચવા ગયેલો તેનો મિત્ર આવીને બોલ્યો, “કેમ, આટલો આનંદમાં છો ?” સુરદાસે હીરો બતાવતાં કહ્યું, “આજે એક શેઠે મને લાખ રૂપિયાનો હીરો આપ્યો.” મિત્ર કહે, “શેઠ કોઈ દિવસ હીરો ન દે. તેમણે ઝેરનો કટકો આપ્યો હશે.”

સુરદાસ કહે, “મને ઝેર શા માટે આપે ?” મિત્ર કહે, “તારા જેવા આંધળા પાર પડી જાય માટે.” એમ કહી તે ગોળ લાવેલો તે તેને ચખાડ્યો. તે ગોળ ગળ્યો લાગ્ પછી હીરો ચટાડ્યો, તો કાંઈ સ્વાદ ન આવ્યો. પછી તેનો મિત્ર કહે, “જો બે પૈસાનો ગોળ ગળ્યો લાગે છે, તો લાખ રૂપિયાનો હીરો કેટલો ગળ્યો લાગવો જોઈએ ? માટે આ તો ઝેર છે.” સુરદાસ કહે, “તો હવે શું કરું ?” મિત્ર કહે, “વાવમાં નાંખી દે.” આમ હીરો વાવમાં નંખાવી દીધો.

થોડા સમય બાદ તે શેઠ ફરી ત્યાંથી નીકળ્યા, ત્યારે સુરદાસને બરાડા પાડતો જોતાં પૂછ્યું, “તેં હીરાનું શું કર્યું ?” સુરદાસ કહે, “મને ઝેર આપી મારવાથી તમને શું લાભ હતો ? સારું થયું કે, મારા મિત્રએ મને જીવતો રાખ્યો. તેણે મને ગોળ ચખાડ્યો, ગોળ ગળ્યો લાગ્યો, પછી હીરો ચટાડ્યો, તેમાં કાંઈ સ્વાદ ન આવ્યો.”

શેઠ કહે, “તેં હીરો ક્યાં નાખ્યો ?” સુરદાસ બોલ્યો, “આ વાવમાં.” પછી તો શેઠે બાજુના ગામમાંં જઈને ગામલોકોને કહ્યું, “ભલે પચીસ હજાર રૂપિયા થાય પણ, અમારે વાવ ગળાવવી છે.” વાત સાંભળીને ગામલોકો તો રાજી થયા. શેઠે કહ્યું, “જે કોસ જોડશે તેને બસો રૂપિયા આપીશું.” થોડા દિવસ કોસ હાંક્યા ત્યારે પાણી ઊતર્યું. પછી ગાળ કાઢવા મંડ્યા. શેઠ ગાળ ઉપર નજર રાખે, છેવટે એક તગારામાં હીરો આવ્યો એટલે શેઠે તેને ખીસ્સામાં મૂકી દીધો. કોસ બંધ કરાવ્યા. ગામલોકો રાજી થયા અને શેઠ હીરો લઈને ગયા.

વહાલા ભક્તો ! આ મનુષ્યદેહ છે તે હીરાની જગ્યાએ મળ્યો છે; પણ કુસંગીઓ સત્સંગનો અભાવ ઘાલી માયામાં સુખ મનાવી દે, મોટાપુરુષમાં જોડાવા ન દે. મનુષ્યદેહને વાવમાં નંખાવી; લખચોરાશી ને જમપુરીમાં ભટકાવે, અને ફરી ખબર નહિ ક્યારે મનુષ્યદેહ મળે. માટે સત્પુરુષને ઓળખી કુસંગ ત્યાગી સત્સંગ કરજો, નહિતર મનુષ્યદેહ એળે ગુમાવી દેશો.