હરિસ્મૃતિના વિક્ષેપકો

હરિસ્મૃતિના વિક્ષેપકો

યુવાવૃંદની પરસ્પરની જામેલી ગોષ્ઠીમાં એક ટોપિક ખૂબ સરસ રીત ચર્ચાયો. ટોપિક હતો – “હરિસ્મૃતિના વિક્ષેપકો.” આ વિશદ ચર્ચામાં ભગવાન ભૂલી જવાની સંભાવના ક્યાં ક્યાં છે ? આપણે ક્યાં ક્યાં વધુ સાવધાન થવું જોઈએ ? આ અંગેનાં યુવકોનાં મંતવ્યો અને અનુભવો લેવાયાં. વધુમાં ભગવાન ભુલાવાનાં સ્થળો, પરિસ્થિતિઓ, કારણો, નુકસાનો વગેરે બાબતોની ચર્ચામાં પણ યુવકોને ખૂબ આનંદ આવ્યો. ચર્ચાને અંતે તેનું સારરૂપ સંકલન તૈયાર કરવામાં આવ્યું. તેમાં જે તે યુવકોએ રજૂ કરેલ પોતાના અનુભવોનો ટૂંકો સારાંશ લખવામાં આવ્યો. બીજે દિવસે સંતોની આજ્ઞાથી શ્રીહરિની સમીપે લઈ જનારી આ બધી અદ્ભુત સામગ્રી યુવા સંચાલક દ્વારા તમામ યુવકોને વોટ્સએપના માધ્યમે ગૃપમાં મોકલવામાં આવી. ગોષ્ઠીમાં ગેરહાજર મિહિર પોતાના મોબાઇલમાં આ સામગ્રીનો લાભ પામી ખૂબ ખુશ થયો. હવે તે એમાં રહેલ લખાણ વાંચી રહ્યો છે. તો ચાલો, આ પ્રસંગે આપણે પણ મિહિરના મિત્ર બનીને તેની બાજુમાં બેસી જઈએ ને એ અદ્ભુત વાતોથી લાભાન્વિત થઈએ.

પ્રીત : મેં સાંભળ્યું છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચેય વિષયોની એવી ભયંકરતા છે કે એ ભગવાન ભૂલવાડે જ છે. અરે, એકાદ વિષયમાં આપણી વૃત્તિઓ લોભાય જાય-ખૂંતી જાય તોપણ એ બહુ જ માઠું પરિણામ લાવે છે. આ અંગે મારા માટે ભગવાન ભુલાવનારો મુખ્ય વિષય કહું તો એ છે - રસાસ્વાદ. જે દિવસે મારું ભાવતું મેનુ હોય તે દિવસે સવારથી જ મારી વૃત્તિઓ એમાં ખર્ચાવા લાગે છે. પીરસેલ થાળી સામે આવે ત્યારે તો તેમાં એટલા રસબસ થઈ જવાય છે કે કોળિયે કોળિયે મહારાજ સંભારવાનો મારો ઠરાવ ભાંગીને ભૂકો થઈ જાય છે; માટે મને લાગે છે કે અહીં સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર છે.

સાગર : મને મારો એવો અનુભવ છે કે જ્યાં સુધી આપણાં મનમાં ‘બીજા મને કેવો માનતા હશે ? મારે વિશે શું વિચારતા હશે ?’ એમ રહે ત્યાં સુધી એ દેહભાવના વિચારોમાં આપણા મનની વૃત્તિ પ્રવૃત્ત રહેતાં ભગવાન ભુલાય છે. આપણી વૃત્તિ આવા દૈહિક ભૂમિકાના વિચારોમાં એક વાર એંગેજ થઈ ગઈ પછી કોઈ કાળે ભગવાનમાં રહેતી જ નથી. માટે જો સ્મૃતિની કન્ટીન્યુઇટી જાળવવી હોય તો પોતાને અને સામાને દેહથી અલગ આત્મા માન્યા વગર છૂટકો જ નથી.

વિશાલ : મેં ભગવાન ભુલાવાના મારા બે ઠેકાણાં માર્ક કર્યાં છે તે કહું… એક તો ઘરમાં રહેલો અરીસો. પહેલાં તો હું જતાં-આવતાં અનેક વાર મોઢું જોયા કરતો. દિવસમાં ૧૦ વાર વાળ ઓળીને સરખા કર્યા કરતો. ગાલ પર રહેલ ફોલ્લીઓ જોઈને દુ:ખી થતો, પરંતુ પ્રીતેશભાઈની કૃપા; એમણે મને આમાંથી બારો કાઢી નાંખ્યો. બીજી બાબત… ફોટો-વિડિયો. આમ તો આ ફોટો-વિડિયો મને સવારની કથામાં જાગતો રાખે છે, પણ અંદરથી જગાડી દેનાર સરને ખૂબ થેંકયૂ. સરે મને આ બાબતે ટકોર કરી. પહેલાં તો મારી બાજુમાંથી પસાર થનાર ફોટોગ્રાફર મારી વૃત્તિઓ તાણી લેતા. વળી, મારા તરફ વિડિયો આવે કે તરત હું સીધો થઈ જતો; પરંતુ દેહભાવ દૃઢ કરાવી ભગવાન ભુલાડનાર આ પરિબળ ઓળખાતાં હવે તેમાં ઘણો સુધારો થયો છે.

પ્રિયાંશ : શાકમાર્કેટથી પસાર થતાં મારી વૃત્તિ રોજ ચૂંથાઈ જતી. એ ઘોંઘાટના વાતાવરણમાં ભગવાન ભૂલાઈ જતા. પરંતુ મિત્ર સાથેના સ્મૃતિ રાખવાના ઠરાવથી અને તેની મદદથી એક ટ્રીક ફાવી ગઈ. હવે હું ક્યારેક મહારાજને મારી બાઇકમાં પાછળ બેસાડી લઉં ને ક્યારેક તો એમને જ ડ્રાઇવિંગ સોંપી દઈને હું પ્રભુની પાછળ બેસી જાઉં. આ અભ્યાસના અનુસંધાને હવે વાંધો નથી આવતો; સ્મૃતિ રાખવામાં આગળ વધાય છે. આ અનુભવને આધારે તો અમે કેટલાક મિત્રોએ સ્મૃતિવર્ધક એક કોષ્ટક પણ બનાવી લીધું છે. જેમાં કઈ ક્રિયામાં, કેવી રીતે, કેટલી વાર ભગવાન સંભારી લેવા એ નક્કી કર્યું છે; ખૂબ જ ફાયદો થાય છે.

હર્ષ : મેં મારામાં જોયું તો એવું લાગ્યું કે મોટાભાગનો મારો સમય ‘હું સાચો છું.’ ‘મારો વાંક નથી.’ - આવો તેવો પોતાનો બચાવ કરવામાં તેમજ મારી આવડત, ગુણો કે કાર્યના પ્રદર્શનમાં જ જતો હોય છે. વળી, માન કે આબરૂ જવાનો ભય આવી પડે ત્યારે તો એ ભય એટલો બધો હાવી થઈ જતો હોય છે કે તે ભગવત્સ્મૃતિને દાબી દે છે. આમ, અહંરક્ષણ અને અહંવિસ્તરણ મારા માટે હરિવરની સ્મૃતિમાં આડા ગઢરૂપ છે. સંતસમાગમ કરી સાચી સમજણ કેળવવાની કોશિશ કરું છું. તમે બધા મારા માટે પ્રભુને પ્રાર્થના કરજો કે આ મારી ખોટ જલ્દી ટળી જાય; મારો બધો સમય બચી જાય ને ભગવાનમાં જોડાયેલા રહેવાય.

આકાશ : આ બાબતે મારો પણ અનુભવ કહું… કોઈએ મારું અપમાન કર્યું હોય ત્યારપછીના મારા ઘણાક કલાકો બગડે છે. મારા અહંને સ્પર્શતી વાત અને વ્યક્તિઓના વિચારોમાં હું એટલો બધો ખૂંતી જાઉં છું કે એના સંકલ્પોમાં મનની વૃત્તિ પ્રવૃત્ત રહેતાં કલાકો સુધી ભગવાન ભુલાય છે. ઇવન ત્યાં સુધી કે ક્યારેક તો સવારની પૂજા કે માનસીપૂજા પણ બગડે છે. છેવટે આ બાબતે સંતો-ભક્તોની મદદથી એટલું સ્પષ્ટ થયું છે કે સૂક્ષ્મ શરીરથી છૂટા પડ્યા વિના - શબ્દોને આકાશનો ભાગ માન્યા વિના ભગવાનમાં જોડાયેલા નહિ રહી શકાય.

મનોજ : હું મોટેભાગે વ્યાવહારિક ગૂંચવણ અને સાંસારિક જવાબદારીના બોજમાં ભગવાન ભૂલી જતો, પણ હમણાંથી સંતોને મળીને મેં વ્યાવહારિક પરિસ્થિતિની અસરમાં ન આવતાં સમજણના સહારે સ્વસ્થ રહેવાનો અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસથી ફાયદો થયો છે. વળી, આ સિવાય આવેગાત્મક ક્રિયા કરવામાં, ખોટી ઉતાવળમાં અને લોહવાટમાં ભગવાન ભુલાય છે. એમાં પણ જ્યારે ધીરજ અને સ્થિરતા ચુકાય છે ત્યારે તો મારે અવશ્ય ભગવાન ભુલાય જ જાય છે. પૂ.ગુરુજીની એક વાતથી આ બાબતની મારી કસર મને સ્પષ્ટપણે દેખાઈ આવી છે કે, જો ખરેખર મારા ધ્યેયમાં ભગવાન જ હોય તો દરેક ક્રિયા કરતી વખતે એક વૃત્તિ મહારાજમાં રહે જ; રહેવી જ જોઈએ. આ વાતથી મને સમજાય છે કે, મારે ભગવાન ભુલાવાનું મુખ્ય કારણ ધ્યેયશુદ્ધિ નથી એ જ છે.

દીપ : એક વાત મને બહુ જ સ્પર્શી છે. આ માર્ગમાં પોતાના ગુણો તેમજ કાર્યોના ફળરૂપે મળનાર કીર્તિ-પ્રશંસા એટલે કે વખાણ સ્લો એન્ડ સ્વીટ પોઇઝન છે. તેનો યશ ભોગવી લેવામાં દાળિયાએ ઘર ઘાલ્યા જેવું થાય છે. અરે, ભવિષ્યમાં મળનાર યશ વાગોળવામાં પણ એટલું જ ઝેર ચડી જાય છે. એક વાર યશનું સુખ ભોગવાઈ ગયું પછી ભગવાનનું સુખ નથી આવતું. માટે મને તો શ્રીહરિની વિસ્મૃતિ કરાવનાર મોટું પરિબળ ભગવાન સિવાયના સુખો ભોગવી લેવા એ જ જણાય છે.

મિહિરભાઈનો ઉપસંહાર : આ ચર્ચામાં તમામ યુવકોએ ખુલ્લા દિલે ભાગ લઈ ખૂબ જ નિખાલસપણે પોતાના અનુભવો રજૂ કર્યા છે. સ્મૃતિમાં વિક્ષેપ કરનાર બાબતો હાઇલાઇટ થવાથી આ અંગેની ઘણી ઘણી સાવધાની મળી છે. આવો ટોપિક આપવા બદલ પૂ.સ્વામીને ખૂબ ખૂબ થેંકયૂ. આમાંથી શીખ લઈ હવે આપણે સ્મૃતિનો અભ્યાસ વધારીને મહારાજને રાજી કરીશું.

વહાલા ભક્તો ! આ બધી વાતો તો યુવાવંદના સ્વાનુભવની છે; તે આપણને થોડી ઘણી તો કામ લાગશે જ; પરંતુ આ અંગે આપણો પોતાનો કેવો સ્વાનુભવ છે ? આપણી પાસે પણ આવું કાંઈક આપણું પોતાનું લિસ્ટ હોવું જોઈએ કે જેનાથી આપણને હરિસ્મૃતિમાંથી તોડનાર પરિબળો કે પરિસ્થિતિ સામે આવતાં આપણે વધુ સાવધાન થઈ જઈએ. એવી જ રીતે ભગવત્સ્મૃતિ કરાવનારી કેટલીક ટેક્નિકો પણ શોધી લેવી જોઈએ કે જેના દ્વારા આપણે પોતાના અભ્યાસમાં આગળ વધી શકીએ. આ જ જન્મે ભગવાન પામી જવાના આપણા ઠરાવમાં સફળતા મેળવી શકીએ…