
વહાલા ભક્તો ! ઈમામ શાહ નામે એક મુસ્લિમ કવિ થઈ ગયા, એને એક વાત બહુ સરસ લખી છે...
અમી પીધે વિષ ઉતરે, જળ પીધે તરસ બુઝાય રે;
ભોજન લીધે જેમ ક્ષુધા ભાંગે, તેમ હરિનામે પાતક જાય રે.
અમૃત પીએ તો ઝેર ઊતરી જાય, પાણી પીએ તો તરસ જાય, ભોજન લ્યો તો ભૂખ મટે; તેમ હરિનામે પાતક જાય, જાય ને જાય જ; માટે ભજન કરો.
વહાલા ભક્તો ! હરિદાસ ઠાકોર નામના એક સંત થઈ ગયા. એમનો જન્મ ઈ.સ.૧૪૫૧માં બાંગ્લાદેશમાં ખુલાના જિલ્લાના બુરોન ગામમાં થયો. પૂર્વના સંસ્કારવશાત્ એમને બાળપણથી જ હરિનામમાં બહુ અનુરાગ હતો. હિંદુ ધર્મ, હિંદુ ધર્મનાં શાસ્ત્રો એમને બહુ ગમતાં. ભગવાન રામ, કૃષ્ણની કથા બહુ ગમતી હતી. પ્રભુમાં બહુ પ્રેમ હતો. ભગવન્નામ-સ્મરણમાં હરિદાસને બહુ જ તાન જાગ્યું. છેવટે તેઓ ઘરમાં રહી શક્યા નહિ અને ઘર છોડી જંગલમાં એક ઝૂંપડી બાંધી હરિનામ-સ્મરણ કરવા લાગ્યા. વસ્તીમાં જઈ એક વાર ભિક્ષા માગી લાવતા.
કુટિયાની બહાર એમણે એક તુલસીનો છોડ વાવ્યો અને તુલસીની સામે દરરોજ ત્રણ લાખ કૃષ્ણ મંત્ર જપતા. એ જપ પૂરા થાય પછી જ સૂવું; આવો નિયમ લીધેલો. રાત-દિવસ મંત્રોચ્ચાર કર્યા જ કરે. એમના ભજનથી કેટલાક લોકોને બહુ મોટું આકર્ષણ થયું. ત્યાંની વસ્તીમાં એમના ભજનનાં વખાણ થવા માંડ્યાં.
આ જિલ્લાનો રાજા હતો : રામચંદ્રખા. એને આ ઠાકોરની ઈર્ષ્યા થઈ. એ હરિદાસની ખ્યાતિ સહન ન કરી શક્યો. એને એમ થયું કે, એ બાવાનાં વખાણ ! આમ ને આમ જો એ અહીં જપ કરતો રહેશે તો ઝાઝી પબ્લિક એને વશ થઈ જશે, માટે આને ભ્રષ્ટ કરી બદનામ કરવો જોઈએ, જેથી લોકો એમાંથી પાછા વળે. પછી તેણે હરિદાસને આબરૂ રહિત કરવાનો પ્લાન કર્યો.
તેણે એક વેશ્યાને બોલાવીને કહ્યું , ‘તારે મારું એક કામ કરવાનું છે. જંગલમાં એક હરિદાસ ઠાકોર નામનો ભગત રહે છે. તેને તેના ધર્મમાંથી તારે ભ્રષ્ટ કરવાનો છે. જો તું એને બદનામ કર, તો તને મોં માગ્યા રૂપિયા આપીશ.’ વેશ્યાએ હા પાડી, ત્યારે રામચંદ્રખાએ કહ્યું, ‘તો સાંભળ, હું મારા સિપાઈને તારી સાથે મોકલીશ અને જ્યારે એ હરિદાસ ઠાકોરને તારી સાથે અયોગ્ય રીતે જોશે ત્યારે તે તરત જ તેની ધરપકડ કરશે.’
વેશ્યાએ કહ્યું, ‘મારે માટે આ આખી યોજના સાવ નવી છે. મેં એમને કોઈ દિવસ જોયા નથી, જાણ્યા નથી અને હું સિપાઈને લઈને ત્યાં જાઉં તો સંભવ છે કે હું ફેઈલ પણ થાઉં, માટે એક વાર હું એકલી એમને મળવા જાઉં. પછી મારી સાથે તમે સિપાઈને જરૂર મોકલી શકો છો.’ રામચંદ્રખા કહે કાંઈ વાંધો નહીં.
પછી આ વેશ્યા જંગલમાં જ્યાં હરિદાસજી હરિસ્મરણ કરે છે ત્યાં પહોંચી. તેણે પોતાના હાવભાવથી હરિદાસને આકર્ષવાનું શરૂ કર્યું.
હરિદાસ તો ભગવાનનું સ્મરણ કરે છે. જ્યારે એમણે કાંઈ ધ્યાન આપ્યું નહીં, ત્યારે એ વેશ્યા મધુર વાણીમાં કહેવા લાગી, ‘અરે ઓ મારા પ્રિય ! તમે ખૂબ સુંદર છો, તમે મને બહુ વહાલા લાગો છો. તમે મારા હૃદયસમ્રાટ છો. ખરેખર મારું મન તમારામાં લોભાઈ ગયું છે. આપ મારો સ્વીકાર કરો.’
ત્યારે હરિદાસ ઠાકોરે એને જવાબ આપ્યો, “એ માટે પહેલાં તારે મારી એક શરત માનવી પડશે.” તો કહે, ‘બોલો ને.’ હરિદાસ કહે, “મારે અમુક સંખ્યામાં રોજે રોજ ભગવાનના નામ જપ કરવાનો નિયમ છે. એ નિયમ પૂરો થાય ત્યાં સુધી તું અહીં બેઠી બેઠી મંત્ર સાંભળ. પછી આપણે આગળ વિચારીશું.” વેશ્યા કહે, ‘મંજૂર.’ આમ કહીને બેઠી.
સાંજે પૂગેલી અને સવાર સુધી એણે હરિનામ સ્મરણ જપ સાંભળ્યા. જ્યારે સવાર થયું ત્યારે હરિદાસે એને કહ્યું કે, “મારો નામ જપનો નિયમ હજુ પૂરો નથી થયો, માટે તું આજે સાંજે ફરીને આવજે. પછી તે વેશ્યા ઊભી થઈને જતી રહી.”
સાંજે તે વેશ્યા ફરી આવી. હરિદાસે આજે પણ મંત્રજાપનો નિયમ શરૂ કર્યો અને માંડ્યા ભજન કરવા. આ રાત્રે પણ વેશ્યાએ આખી રાત હરિદાસના મુખમાં બોલાતા પરમાત્માનાં પવિત્ર નામને સાંભળ્યાં. સવારે હરિદાસ ઠાકોરે કહ્યું, “હે નારી ! મેં આ મહિને કૃષ્ણના દસ કરોડ નામ જપવાનો નિયમ લીધો છે, તે આજે પૂર્ણ થઈ જશે; માટે આજે સાંજે તું ફરીને આવજે.” ત્રીજે દિવસે પણ વેશ્યા આવી ગઈ અને નામ સાંભળવા બેસી ગઈ.
સતત ત્રણ રાત્રી ભગવાનનું નામ સાંભળતાં, હરિદાસનાં પવિત્ર દર્શન કરતાં અને એમની નિર્મળતાની ઝાંખીમાં આભી બનેલી આ વેશ્યાનું અંત:કરણ ચોથી સવારે શુદ્ધ થઈ ગયું ! એનો કામ બળી ગયો. ભજનની તાકાત, સ્મરણની તાકાત, સંયમી જીવનની તાકાત, ભગવદ્આશ્રયની તાકાત ! વેશ્યા મટીને એ સતી બની ગઈ અને એના હૃદયમાં પસ્તાવાનો અગ્નિ પ્રજ્વલિત થયો. એ પોક મૂકીને રડવા લાગી. હરિદાસ ઠાકોર કહે, “કેમ રડે છે ?” વેશ્યા કહે, ‘માફ કરજો. આપ જેવા મહાન ભગવદ્ભક્તને હું ધર્મભ્રષ્ટ કરવા આવી હતી. આ ષડયંત્રની રચના રામચંદ્રખાએ કરી છે.’
હરિદાસ ઠાકોર કહે, ‘તું ચિંતા કર મા, હું રામચંદ્રખાના કાવતરા વિશે બધું પહેલેથી જ જાણું છું. એ અજ્ઞાની છે તેથી તેની પ્રવૃત્તિઓ મને દુ:ખી કરી શકતી નથી !’
જો આપણે જ્ઞાની હોઈએ તો અજ્ઞાનીની પ્રવૃત્તિઓ આપણને દુ:ખી ન કરી શકે. અજ્ઞાનીની પ્રવૃત્તિ અજ્ઞાનીને જ દુ:ખી કરે. જ્ઞાની એટલી બધી ઊંચાઈએ હોય છે કે અજ્ઞાનીએ ઉછાળેલો કાદવ ત્યાં સુધી કદી પહોંચતો નથી.
હું બધું જાણતો હોવા છતાં પ્રભુનું પવિત્ર નામ તને સંભળાવીને તારી બુદ્ધિ શુદ્ધ કરવા, તારા ઉદ્ધાર માટે જ હું અહીં રોકાયો હતો.” ત્યારે વેશ્યાની આંખમાંથી આંસુડાની ધાર થઈ. એક પવિત્ર ભગવદ્ભક્તની કેટલી ઊંચાઈ હોય છે ! એનો એ વેશ્યાને આજે અનુભવ થઈ ગયો અને રડતી રડતી કહે, ‘ઠાકોર ! કૃપા કરીને આપ મારા આધ્યાત્મિક ગુરુ બનો. મને મોક્ષનો ઉપાય બતાવો.’
ઠાકોરે કહ્યું, “એક કામ કર. તું ઘરે જા અને તારી પાપમાંથી કમાયેલી તમામ મિલ્કતને દાનમાં દઈ દે. બધું બ્રાહ્મણોને વહેંચી દે અને પછી આ કુટીરમાં પાછી આવી હંમેશાં કૃષ્ણનું ભજન કર.”
પછી તરત જ વેશ્યાએ એના ગુરુની આજ્ઞા મુજબ બધી સંપત્તિ બ્રાહ્મણોને વહેંચી દીધી, માથું મુંડાવી નાખ્યું અને જંગલમાં આવી પોતાના ગુરુની પ્રસાદીભૂત ઝૂંપડીમાં આવીને રહી. ગુરુ તો ત્યાંથી જતા રહ્યા. એણે ગુરુને પગલે ચાલીને દરરોજ ‘હરે કૃષ્ણ...હરે કૃષ્ણ’ નામના ત્રણ લાખ મંત્ર જપવાનો નિયમ શરૂ કરી દીધો. આ વેશ્યા પણ પરમ પવિત્ર ભક્ત બની ગઈ, પરમાત્માને પામી ગઈ.
વહાલા ભક્તો ! જો એક વેશ્યા ભગવદ્ નામ-સ્મરણથી પોતાના આત્માનું કલ્યાણ કરી શકતી હોય, તો આપણે ભગવાનનો મહિમા સમજીને જો સ્મરણ કરવા માંડીએ તો આપણું કલ્યાણ કેમ ન થાય ? આપણને ભગવાન કેમ ન મળે ? મળે જ, પણ એટલી તીવ્ર શ્રદ્ધા જોઈએ.