
શિક્ષાપત્રીનાં એક એક વચન શિક્ષાપત્રીરૂપ શ્રીહરિ મહારાજ છે. આપણે જેટલી ભગવાનની આજ્ઞાઓ પાળીએ તેટલા આ લોકમાં સુખી રહી શકીએ ને અંતે ભગવાનના ધામને પામી શકીએ. ભગવાન શ્રીહરિએ અતિ કરુણા કરીને આવું કલ્યાણકારી શાસ્ત્ર આપણને પોતાના હાથે લખીને આપ્યું છે, માટે તેનો ઉપયોગ કરી આપણું કલ્યાણ સાધી લઈએ. બીજું, મહારાજ આપણા પર કેટલા રાજી છે તેનો માપદંડ એટલે શિક્ષાપત્રી. શિક્ષાપત્રીમાં મહારાજે કરેલી નાની-મોટી આજ્ઞાઓમાંથી જેટલી આજ્ઞા પળે એટલા મહારાજ રાજી અને એમને આપણો વિશ્વાસ આવે.
વહાલા ભક્તો! શ્રીહરિનાં હિતકારી વચનોમાં શિક્ષાપત્રીના ૧૬માં શ્લોકમાં મહારાજે આજ્ઞા કરી છે કે,
अकार्याचरणे क्वापि जाते स्वस्य परस्य वा।
अङ्गच्छेदो न कर्तव्य: शस्त्राद्श्चयै क्रुधापि वा।।१६।।
અર્થાત્, “ક્યારેક પોતાવતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું.”
પોતાનું કે પારકું અંગ કાપવાનું મોટું પાપ શાસ્ત્રમાં કહેલું છે. તેનાથી આપણામાં નિર્દયતા આવે છે. આવું કરવાથી ભગવાન કુરાજી થાય છે. જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી પોતા પર ને બીજા પર દયા રાખવી જોઈએ. સારા માણસનું પ્રથમ લક્ષણ દયા છે.
दया धरम का मूल है, पाप मूल अभिमान ।
तुलसी दया न छोडीए, जब लग घटमें प्रान ।।
ઘણી વાર શાસ્ત્રોમાંથી એવાં દૃષ્ટાંતો સાંભળવા મળે કે, કોઈ ભક્તે પ્રાયશ્ચિતના રૂપમાં પોતાનું કે બીજાના અંગનું છેદન કર્યું. ઘણી વાર મુમુક્ષુ પ્રમાદવશાત્ ભૂલનું પ્રાયશ્ચિત લેવાની જગ્યાએ રીસમાં અંગછેદનનું પગલું ભરે છે, પણ શ્રીજીમહારાજ આ વાત સાથે સહમત નથી. કારણકે અંગનું છેદન કરવું એ એક પ્રકારની હિંસા છે. આ રીતે પોતાનાં કે બીજાનાં અંગો કાપવાથી પ્રાયશ્ચિત થવાને બદલે ઊલ્ટાનું પાપ લાગે છે.
दया कौन पर कीजीए, का पर निर्दय होय।
सांई(भगवान) के सब जीव है, कीडी कुंजर दोय।।
આપણે નિર્દય થવાની કોઈ જરૂર નથી. જેમ કીડીને ભગવાને બનાવી છે તેમ હાથીને પણ ભગવાને જ બનાવ્યો છે. એ રીતે આપણ સહુને પણ ભગવાને જ બનાવ્યા છે. માટે ભગવાનના ભક્તો એ ખાસ ધ્યાન રાખવું કે, આ જગતમાં રહેલાં હરકોઈ જીવ-પ્રાણી માત્રનું સર્જન કરનાર એકમાત્ર મહારાજ જ છે, માટે સહુના માલિક મહારાજ જ છે. માટે ક્રોધે કરીને અથવા પ્રાયશ્ચિતના રૂપમાં કોઈપણના અંગનું છેદન કરવું કે કોઈને દુઃખ પહોંચાડવું તેમાં આપણો કોઈ અધિકાર નથી. તેવું કરવાથી આપણા પુણ્યનો નાશ થઈ જાય છે.
दानं व्रतं च नियमा ज्ञानं ध्यानं हुतं जपः ।
यत्नेनापि कृतं सर्वं क्रोधितस्य वृथा भवेत् ।।
સ.જી.3/33/33
ક્રોધ કરનારને પોતે કરેલાં દાન, વ્રત, તપ, નિયમ, ધ્યાન, જપ, યજ્ઞ કે જ્ઞાન સંપાદન કર્યું હોય તે સર્વે વૃથા થઈ જાય છે. માટે આપણે ભગવાનના ભક્તોએ પોતા પરને બીજા પર ક્ષમા રાખવી, દયા રાખવી. મહારાજના નાના એવા વચનનો પણ લોપ ન થાય તેની કાળજી રાખીશું તો મહારાજ આપણા ઉપર ખૂબ રાજી થશે.