હરિ સંભારવા આગ્રહથી...

હરિ સંભારવા આગ્રહથી...

સોરઠ પ્રદેશમાં માણાવદર ગામે શ્રીસ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત મયારામ ભટ્ટ રહેતા હતા. એક વખત મયારામ ભટ્ટ અને તેમના નાના ભાઈ ગોવિંદરામ નવો વેપાર કરવાની ચર્ચા કરતા હતા. ચર્ચામાં તેમને વાતો થઈ કે, “અનાજનો વ્યાપાર આપણો જાણીતો છે; એટલે તેમાં ઠીક પડશે. ઘી, તેલ વગેરે રસનો વ્યાપાર કરીએ, પણ તે બ્રાહ્મણને માટે નિષિદ્ધ છે. કાપડનો આપણને અનુભવ નથી, તેથી તે અજાણ્યા ધંધામાં આપણને ફાવશે નહીં.”

આ રીતે દરેક ધંધાના ગુણ-દોષની અને નફા-તોટાની ચર્ચા કરતાં સવારના ચાર વાગ્યા અને કૂકડો બોલ્યો, ત્યારે મયારામ ભટ્ટે પૂછ્યું કે, “ગોવિંદરામ આ શું થયું ?” ત્યારે તે કહે, “ભાઈ સવારના ચાર વાગ્યા.”

મયારામ ભટ્ટ કહે, “વ્યાપારની વાત કરવામાં આખી રાત્રી ગઈ ને પ્રભુ ભૂલ્યા, તો પછી માલ ઘરમાં આવશે ત્યારે શું થશે ? અત્યારે જે રીતે ધ્યાન, ભજન ને સેવા થાય છે; તે નહિ થાય ! માટે જેનાથી ભગવાનના અવિનાશી સુખે સુખિયા થઈ જવાય, તેવા પ્રભુનાં ધ્યાન-ભજનમાં હાનિ પહોંચાડે એવો ધંધો શું કામ કરવો ? વળી, જોઈએ તેટલાં અન્ન-વસ્ત્ર તો પ્રભુની દયાથી મળી રહેશે, માટે હવે આપણે બીજી કાંઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં.” આ પ્રમાણે વિચારીને તેમણે જિંદગી પર્યંત વ્યાપાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી.

વહાલા ભક્તો, મયારામ ભટ્ટ અને તેમના ભાઈ ગોવિંદરામ ભટ્ટની આ વાત જાણીને એવું નથી લાગતું કે આપણો અંતસમયનો કૂકડો બોલે તે પહેલાં ભગવાનને પામવા માટે જે કરવાનું હોય તે કરી લેવું. સહેજે દેહનિર્વાહ થતો હોય અને જીવનમાં આવતાં પ્રસંગો ઉકલી જતા હોય, તો ભગવાનનું ભજન કરી લેવું.

હજુ પણ સત્સંગમાં જૂનાગઢના જોગી સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોના પડઘા પડે છે કે ‘કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો.’ પરંતુ મોહ અને અજ્ઞાનરૂપી કચરું કાનમાં એટલું બધું પડ્યું છે કે તે પડઘા પણ સંભળાતા નથી. માટે રોજ કથાવાર્તાના શ્રવણ દ્વારા એ કચરું કાઢતા રહેવું, તો સત્સંગ, સેવા ને ભજન કરવાનું તાન રહે.

આપણા વહાલા ગુરુજી પણ કહે છે કે,

હરિ સંભારવા આગ્રહથી, બીજું સહજ કરાય;
જ્ઞાન જો ઊલટું થાય તો, સમજો ગયા મરાય.

વળી, જે ભગવાનનું ભજન કરે છે, સત્સંગ અને સેવા કરે છે; એનું તો ભગવાન પોતે ધ્યાન રાખે છે, એટલે જ શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન કહે છે કે,

अनन्याश्चिन्तयन्तो मां ये जना: पर्युपासते।
तेषां नित्याभियुक्त्तानां योगक्षेमं वहाम्यहम्।।

જેઓ મારા ભજન વિના જીવી શકે તેમ નથી. અને એટલે જ જેઓ સતત મારું ધ્યાન-ચિંતન કરતા થકા મને સર્વ પ્રકારે સેવે છે. અને આ રીતે મારા સ્વરૂપમાં સદા સંયોગ-વિરામ પામેલા એવા તે સંતો-ભક્તોના યોગ અને ક્ષેમનું હું જ વહન કરું છું.

આમ, શ્રીહરિનું ભજન કરનાર આ લોકમાં સુખી રહે છે અને અંતે શ્રીહરિના ધામને પામી ત્યાં શાશ્વત ને દિવ્ય સુખ માણે છે. તો ચાલો, હવે ભજનમાં લાગી જઈશું ને ?