
આધ્યાત્મિક માર્ગમાં આજ સુધી અનેક શ્રદ્ધાળુ ભક્તોને ભગવાનનાં સાક્ષાત્ દર્શન થયાં છે, પણ આ સાક્ષાત્કાર પાછળ તેમણે શું સાધના-આરાધના કરી હતી ? એમણે એવું તો શું કર્યું હતું કે તેમના પર ભગવાન રાજી થયા અને દર્શન દીધાં ? આની પાછળ જો કોઈ કારણ હોય તો તે છે સ્વીકાર.
ખુદ ભગવાન શ્રીસ્વામિનારાયણે પણ આ વાતને પોતાના જીવનમાં સાર્થક કરી બતાવી છે. વન વિચરણ કરીને જ્યારે ભગવાન લોજમાં પધાર્યા પછી ત્યાનાં સંતોના જીવનથી પ્રભાવિત થઈને ત્યાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ સદ્.શ્રીરામાનંદ સ્વામીના શિષ્ય તરીકે આશ્રમમાં રહેવા લાગ્યા. સ્વામીની ખૂબ ભાવથી સેવા કરી તેમને ખૂબ રાજી કર્યા. જ્યારે સ્વામીએ વરદાન માંગવાનું કહ્યું ત્યારે વર્ણીજીએ માંગ્યું કે, “આપની પૂજામાં જેમ ભગવાન દર્શન દે છે તેમ મને પણ દર્શન દે એવી કૃપા કરો.” રામાનંદ સ્વામીએ રાજી થઈને હા પાડી. પછી વર્ણીજીને ભગવાનનાં દર્શન થયાં. પોતે સર્વાવતારી પૂર્ણપુરુષોત્તમ હોવા છતાં તેમણે એ સાબિત કરી બતાવ્યું કે જો ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો કોઈ ને કોઈ સત્પુરુષનો સ્વીકાર કરવો જ પડે. એ સત્પુરુષના અનુગ્રહથી જ ભગવાનનાં દર્શન થાય છે. હા, તે સત્પુરુષ આપણી ગમે તેવી કસોટી લે તેમાં પણ સવળું લઈ તેમના દાસ થઈને રહીએ તો તેમનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે.
આવો જ એક બની ગયેલો પ્રસંગ જોઈએ. થોડા વર્ષ પહેલાંની વાત છે. એક યુવકે MD પાસ કર્યું. ત્યારબાદ રતનગઢમાં ગવર્નમેન્ટ હોસ્પિટલમાં મેડિકલ પ્રેક્ટિસ ચાલું કરી; પરંતુ માતા-પિતાના સંસ્કાર અને પૂર્વની મુમુક્ષુતાને કારણે તેમને ભગવાનનાં દર્શન કરવાની તીવ્ર ઝંખના ઉદય થઈ. તેઓ રતનગઢમાં રહેતા એક કૃષ્ણપ્રેમ નામના સંન્યાસીને મળ્યા. પોતાની આધ્યાત્મિક જિજ્ઞાસા રજૂ કરી.
સંન્યાસીએ તેમને મુમુક્ષુ જાણી અત્યંત હેતથી કહ્યું, ‘ભાઈ ! તમે હનુમાનપ્રસાદ પોદ્દારજી પાસે જાઓ. તેમનાથી તમારી મનોકામના પૂર્ણ થશે. હું પણ તેમની આધ્યાત્મિકતાથી પ્રેરિત છું. તેઓ મારાથી બહુ આગળ છે.’
કૃષ્ણપ્રેમના કહેવાથી તે યુવક હનુમાનપ્રસાદ પોદ્દારજી પાસે ગયો. પોદ્દારજીને પહેલી જ મુલાકાતમાં આ યુવક બહુ સારો વિશ્વાસપાત્ર લાગ્યો. તેથી પોદ્દારજીએ તે યુવકને આજ્ઞા કરી કે, ‘તમે અહીં જ રહો અને આ બાજુના વિસ્તારમાં રહેતા ભગવદ્ભક્તોની સેવા કરો. તેમના ફેમિલી ડોક્ટર બનીને તેમની ટ્રીટમેન્ટ કરજો.’
પોદ્દારજીની આજ્ઞાને શીરે ચડાવી તેણે સેવા કરવાની ચાલું કરી. પોદ્દારજીના શ્રોતા હોય તેમને પણ પોદ્દારજીએ આજ્ઞા કરી કે, ‘આ તમારો ફેમિલી ડોક્ટર છે, તે કહે તેમ તમે બધા કરજો.’ આમ ને આમ સેવા કરતાં કરતાં થોડાં વર્ષો ગયાં. ડોક્ટરની નિ:સ્વાર્થ સેવાથી તે પ્રાંતમાં તેની લોક ચાહના ખૂબ વધી ગઈ.
એકવાર તે ડોક્ટર સંન્યાસી કૃષ્ણપ્રેમને મળ્યો. દિલ ખોલીને સંન્યાસીજીને પોતાની વાત કરતાં કહ્યું, ‘પોદ્દારજીએ મારા પર અપાર વિશ્વાસ મૂક્યો છે, પરંતુ મારી નબળાઈ છે તે હું આપને કહું છું. જ્યારે હું ભક્ત બહેનોને જોવા જાવ છું, ત્યારે મને તેમના પ્રત્યે સહેજ કુભાવ થાય છે.’ આવી રીતે નિખાલસપણે તેમણે પોતાની હકીકત સંન્યાસી કૃષ્ણપ્રેમને જણાવી.
સંન્યાસીએ પ્રેમથી કહ્યું, ‘ભાઈ ! તું પોદ્દારજીની આજ્ઞાથી આ સેવામાં જોડાયો છો. તેમણે તારા પર વિશ્વાસ મૂક્યો છે, માટે તારે એક વાર તેમને આ જણાવવું જોઈએ. તેમને ખબર હોય કે ન હોય..! પરંતુ આપણે તેમને જાણ કરવી એ આપણી ફરજ છે.’
આ સાંભળી યુવક થોડી વાર માટે વિચારવા લાગ્યો કે, ‘જેમણે મારા પર અપાર વિશ્વાસ મૂકીને મને આ સેવા આપી છે, તે જો આ વાત જાણશે તો તેમને કેવો આઘાત લાગશે ? તેઓ મને વિશ્વાસઘાતી માનશે. મને કાઢી મૂકશે. મારા પર કોપ થશે, મને ભગવાન નહિ મળે તો ? આવા વિચારોમાં તે ડૂબી ગયો અને પોદ્દારજી પાસે જવાની તે હિંમત કરી શક્યો નહીં.
સમયસૂચકતા વાપરી કૃષ્ણપ્રેમે તે ડોક્ટરને બળ આપતાં કહ્યું, ‘તું ડરીશ નહિ, પોદ્દારજી તો ગૃહસ્થમાં હોવા છતાં બહુ મોટા સંત છે. તું મારો વિશ્વાસ રાખ, તેઓ જે કરશે તેમાં તારું સારું જ થશે.’ આમ ખૂબ બળ આપી તેને પોદ્દારજી પાસે મોકલ્યો.
પોદ્દારજીના ચરણમાં મસ્તક મૂકી પ્રણામ કર્યાં અને કહ્યું કે, ‘મારે આપને એકાંતમાં મળવું છે.’ એકાંતમાં ડોક્ટરે નિખાલસપણે બધી વાત કરી અને કહ્યું, ‘મને માફ કરજો, તમે મને જે સેવા આપી છે, તેમાં બેન-દીકરીને અડું છું ત્યારે મારા અંતરમાં શુદ્ધભાવ નથી રહેતો વગેરે પરિસ્થિતિ કહી.’
જેવી ડોક્ટરે વાત કરી એ જ વખતે પોદ્દારજીએ ખૂબ ક્રોધિત થઈને કહ્યું, ‘અરે..! વિશ્વાસઘાતી, તારા પર વિશ્વાસ મૂક્યો ને તું આવા કુભાવ કરે છો..! ભાગ... અહીંથી...! હવે પછી તારે મેં જેની ભલામણ કરી હતી તે કોઈની ટ્રીટમેન્ટ કરવી નહીં. તારે જ્યાં જાવું હોય ત્યાં જા..! હવે અહીં આવીશ નહીં.’
આમ કહી પોદ્દારજીએ તે ડોક્ટરને કાઢી તો મૂક્યો, પણ તે યુવકે છેલ્લે જતાંં જતાં પોદ્દારજીને દંડવત્ કરી ગળગળા હૃદયે માફી માગી લીધી કે, ‘માફ કરજો મહાત્માજી ! મારો ગુહ્નો માફ કરજો..!’ આમ માફી માગતા તે દરવાજા પાસે પહોંચ્યો, ત્યાં પોદ્દારજીએ તેને પાછો બોલાવ્યો અને કહ્યું, ‘બેટા ! તું મને માફ કરજે. મારો એવો સ્વભાવ છે. હું આવો અધર્મ સાંભળું તે મારાથી સહન કરી શકાતો નથી. મેં તારા પર વિશ્વાસ મૂક્યો હતો. તેં મને વચ્ચે કોઈ દિવસ કહ્યું નહીં. તેથી મારાથી ગુસ્સો થઈ ગયો. આજે હું થોડો વ્યસ્ત છું, માટે તું મને કાલે ફરી મળવા આવજે.’ આમ કહીને તે યુવકને રજા આપી.
પછી તે ડોક્ટર સંન્યાસી કૃષ્ણપ્રેમ પાસે પાછો ગયો અને રડવા લાગ્યો, રડતાં રડતાં કહેવા લાગ્યો કે, ‘મને જે બીક હતી તે જ થયું. આવો શાપ મળી ગયો, આટલો કુરાજીપો મળી ગયો.’
ત્યારે કૃષ્ણપ્રેમે સમજાવતાં કહ્યું કે, ‘તેં જે પાપ કર્યું હતું તે પાપને પોદ્દારજીએ ગુસ્સો કરીને બાળી દીધું, માટે મૂંઝાઈશ નહિ. તેમણે જે પ્રમાણે કહ્યું તેમ જ કરજે. ‘તું કાલે ટાઈમે પહોંચી જજે.’ તે છોકરાએ ફરી જવાની ના પાડી.
કૃષ્ણપ્રેમે તેને સમજાવ્યો કે, ‘તને મારો વિશ્વાસ નથી ? એ તને ગમે તે કરે તેમાં તારું હિત જ થશે. એ સત્પુરુષ છે, તેમને કોઈ સ્વાર્થ ન હોય. તે આપણાં પાપ બાળે-સ્વભાવ ટાળે, માટે તું કાલે સમય પર ત્યાં જજે.’
બીજે દિવસે સમયસર તે યુવક આવ્યો. કૃષ્ણપ્રેમને વંદન કરી પોદ્દારજીના રૂમમાં પ્રવેશ કર્યો. તે સમયે હનુમાનપ્રસાદ પોદ્દારજી કંઈક લખી રહ્યા હતા. યુવકને તો મનમાં એમ થતું કે, ‘ખબર નહિ આજે શું સજા મળશે ?
થોડીવાર થઈ ત્યાં પોદ્દારજીની સામે મોરપીંછ, પીળું પીતાંબર ધરી લાલો બેઠો બેઠો પોદ્દારજીના લખાણને વાંચી રહ્યો હતો; યુવકને વિશ્વાસ ન આવ્યો તેણે આજુબાજુ જોયું, આંખો પટપટાવી; પરંતુ એવું ને એવું જ દેખાય.
જેમ સૂરદાસજીની સામે કૃષ્ણ ભગવાન ભજન સાંભળવા બેઠા હોય તેમ પોદ્દારજીની સમક્ષ લાલો બેઠો હતો, તે બહાર જઈ પાણીથી આંખો ધોઈ પાછો આવ્યો, છતાં એવાં ને એવાં જ દર્શન થયાં. હવે તે ડોક્ટરનું હૃદય ગળી ગયું. સંન્યાસી પાસે આવીને રડવા લાગ્યો. અને કહેવા લાગ્યો કે ‘હું ન્યાલ થઈ ગયો, મને ભગવાનના દર્શન થઈ ગયા.’
તેવામાં ત્યાં પોદ્દારજી આવ્યા તરત જ તે યુવક પોદ્દારજીના ચરણોમાં પડી રડવા લાગ્યો અને માફી માંગવા લાગ્યો. મને માફ કરજો; હું તમને ઓળખી ન શક્યો, તમે સદૈવ મારું સારું જ કર્યું, પરંતુ હું તમારી ભાવનાને સમજી ન શક્યો.’
પોદ્દારજીએ તેને ખૂબ વહાલથી માથે હાથ ફેરવતા સાંત્વના આપી અને કહ્યું કે, કાલે જે ના પાડી હતી તે બધું જ માફ..! તું પહેલાંની જેમ જ સેવા કરજે. ત્યારથી પાંચ વર્ષ સુધી તે ડોક્ટરને એક પણ વાર વિકાર ન થયો. પાંચ વર્ષ પછી ખૂદ પોદ્દારજીએ જ તેના લગ્ન કરાવ્યા. આમ તે યુવકનું જીવન આનંદથી ભરાઈ ગયું.
વહાલા ભક્તો ! આપણે પણ જો ભગવાનનાં સાક્ષાત્ દર્શન કરવાં હોય તો ન્યાય-અન્યાય કે સાચું-ખોટું જોયા વગર એવા એક સત્પુરુષને સોંપાઈને તેમની કસોટીમાંથી પસાર થવું પડે. જો એક વાર તેમને એમ થઈ ગયું કે આ ખરેખર પાત્ર છે, તો ભગવદ્દદર્શન થતાં કાંઈ વાર નથી. નહીંતર જન્મોના જન્મો જાય તોપણ ભગવાનનાં દર્શન થાય નહીં.