
એકવાર અતિ વૈરાગી અને મહા પ્રભુપ્રેમી સંત પ.પૂ.સદ્.શ્રીનિષ્કુળાનંદ સ્વામી ધોલેરાથી ગઢપુર આવ્યા. ત્યારે સદ્.શ્રીગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ‘નિષ્કુળાનંદ સ્વામી, હાલ મૂળીમાં સદ્.શ્રીબ્રહ્માનંદ સ્વામી અતિ બિમાર છે, પણ ચોમાસાને કારણે મારાથી ત્યાં જઈ શકાય એમ નથી; તો મારા વતી તમે સંતો સાથે જલ્દી મૂળી જાવ અને બ્રહ્માનંદ સ્વામીના ખબરઅંતર પૂછી આવો.’
પછી નિષ્કુળાનંદ સ્વામી મૂળી જવા નીકળ્યા. ચોમાસાની ઋતુ હતી. રસ્તામાં સ્વામીએ સ્વરચિત પ્રભુવિરહનાં કીર્તનો ગાવાનું શરૂ કર્યું. તેમાં સ્વામી એટલા પ્રેમવિહ્વળ થઈ ગયા કે, બેભાન થઈને પૃથ્વી પર પડી ગયા. તે વખતે તરત જ પ્રભુ શ્રીહરિ ત્યાં પ્રગટ થયા. સ્વામીને સભાન કરી આશ્વાસન આપ્યું.
વહાલા ભક્તો ! એ નિષ્કુળાનંદ સ્વામી કેવા મહાપ્રભુપ્રેમી હશે ! તેમણે વહાલાને કેવા વશ કર્યા હશે ! મહારાજ તેમના પર કેટલા બધા રાજી હશે !
આ બધાનું કારણ શું ? ઘણાં કારણોમાંથી મુખ્ય કારણો સમજવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ પોતે રચેલ આ એક પદ આપણા માટે અતિ પ્રેરણાદાયી છે -
સ્વામિનારાયણ નામ રે...
વાલું લાગે સ્વામિનારાયણ નામ..
સદ્.શ્રીનિષ્કુળાનંદ સ્વામી ને સ્વામિનારાયણ મહામંત્ર કેટલો વહાલો હતો ! તે તેમની જ આગળની પંક્તિ ઉપરથી જાણી શકાય છે.
રાત દિવસ મારા હૃદયાની ભીતર,
જપીશ આઠું જામ રે... વાલું લાગે
વહાલા ભક્તો ! નિષ્કુળાનંદ સ્વામી ૨૪ કલાક સ્વામિનારાયણ મહામંત્ર તેમના હૃદયમાં જપવાની વાત કરે છે. આપણે ? ૨૪ મિનિટ સતત જપીએ છીએ ? જો આપણે પણ સ્વામિનારાયણ મહામંત્રને એવો વહાલો કરીએ તો અખંડ એનો જાપ કરી શકીએ. જો અખંડ સ્વામિનારાયણ મહામંત્રનું સ્મરણ-ભજન થાય તો વાલમજી આપણને પણ વશ થાય.
એક નિયમ છે કે, જેનો મહિમા સમજાય, જેમાં બહુ મોટો લાભ કે સુખ મનાય, તો તેમાં અતિ પ્રેમ થાય, પછી તેના માટે આપણે જે કરવું પડે તે બધું જ કરી શકીએ. સ્વામિનારાયણ ભગવાનનો અને તેના મહામંત્રનો નિષ્કુળાનંદ સ્વામીને કેવો મહિમા સમજાયો છે ?
ભવજળ તરવા પાર ઊતરવા,
ઠરવાનું છે મારે ઠામ રે...
સર્વોપરી શ્યામ છે નરવીર નામ,
સુંદર સુખડાનું ધામ રે...
સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સુપ્રીમ સત્તા છે. અતિ સુંદર છે. સુખમાત્રનું ધામ છે. તે પ્રભુ અને તેમનો મહામંત્ર સંસારસાગર તરી પાર ઉતરવાનું અને કાયમ માટે સુખી થવાનું સર્વ શ્રેષ્ઠ ઠામ છે.
જો આપણે પણ આવો મહિમા જીવમાં દૃઢ કરીએ તો અખંડ નામ-સ્મરણ થાય. તેની જ લગની લાગી જાય. ભગવાન ભૂલ્યા ન ભૂલાય. કેમ જે, જેને જે અતિ વહાલું લાગે, જે અતિ સુખદાયી અને અતિ મહત્ત્વનું મનાય તે કદી ન જ ભૂલાય.
જુઓને ! દેહાભિમાની કામી માણસને વગર કર્યું અખંડ સ્ત્રી-પુરુષનું ચિંતન થાય છે, લોભીને ધન માટે કાંઈ પણ કરવું કઠણ પડતું નથી. મમતાળી મા બાળકને પોતાનું સર્વ સુખ આપીને સુખ અનુભવે છે અને જો તેમાં કોઈ આડા અવરોધરૂપ બને તો તેનો તરત ત્યાગ કરી દે છે.
તેમ જ ભગવાનના ભક્તને ભગવાન સૌથી વધુ વહાલા, સૌથી વધુ સુખાળા અને સૌથી વધુ મહત્ત્વના મનાઈ જાય ત્યારે તે ભગવાન માટે જીવે ને મરે છે. ભગવાનને અખંડ સંભારી શકે છે. જો તેમાં કાંઈ પણ આડું આવે તો તેનો ત્યાગ કરી શકે છે. નિષ્કુળાનંદ સ્વામીની છેલ્લી પંક્તિ જુઓ...
નિષ્કુળાનંદના નાથને ભજતાં,
રે તેનું નહીં કામ રે...
આપણને અખંડ ભજન કરવામાં કોણ કોણ નડે છે ? દેહ, વિષયો, ધન, કુટુંબ-પરિવાર કે મન અને માન; આવા જે જે કોઈ અવરોધરૂપ થાય છે તેનો ત્યાગ કરીએ છીએ કે ભજન છોડી તેને જ વહાલાં રાખીએ છીએ ? આ માટે આપણે સૌથી વધુ વિચારવા અને સુધારવા જેવું છે. વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ આ વિષે સ્વયં શ્રીહરિને જ પ્રશ્ન પૂછ્યો છે જે,
ભગવાનને વિશે દૃઢ આસક્તિ શા થકી થાય છે ? તે માટે પ્રભુએ પોતે આવો જવાબ આપ્યો છે.-
સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દૃઢ પ્રીતિ થવાનું કારણ છે.
પૂર્વજન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય અથવા જે સંતને ભગવાનને વિશે એવી દૃઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે, એ બેયે કરીને જ ભગવાનને વિશે દૃઢ આસક્તિ થાય છે પણ એ વિના બીજો ઉપાય નથી.
આ માટે આપણે પ્રભુપ્યારા સાચા સંતો-ભક્તોનો સમાગમ, સેવા અને કથા-વાર્તાનો કાયમી યોગ રાખવો જરૂરી છે. તેનું મનન-ચિંતન કરી અભ્યાસ કરવો આવશ્યક છે.
જો ભજનાનંદી અને ભગવાનના મહિમાવાળા સાચા સંતો-ભક્તોની સેવા અને પ્રસંગ દ્વારા રાજીપો રળીએ તો પ્રભુમાં પૂર્ણ પ્રેમ પ્રગટે. જો પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થાય તો શ્રીહરિ સતત સાંભરે. માટે હવે એવા સંતની સેવા અને પ્રસંગ-દિલથી સમાગમ ખરો ખપ રાખી સર્વના ભોગે કરતા રહીએ તો સતત શ્રીહરિસ્મરણ કરવાનું કામ જલ્દી સિદ્ધ થઈ જશે.
હે પ્રભુ ! મને હવે આપનો મહિમા જલ્દી દૃઢ થાય એવી મારા પર કૃપા કરશો. તે માટે આપના પ્યારા સંતો-ભક્તોનો સમાગમ તથા સેવા મન, કર્મ અને વચને કરવાની શ્રદ્ધા પ્રાપ્ત થાય એવા આશિષ આપશો. જેના સેવા અને પ્રસંગ દ્વારા મને આપનો મહિમા દૃઢ થાય અને આપમાં પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થાય, એવા સંતમાં મને હેત, વિશ્વાસ અને હિતકારીભાવ મારા જીવમાં જડાઈ જાય એવી સુમતિ સદૈવ આપતા રહેશો; એવી મારી પ્રાર્થના છે.