
એક દાદા એમના વફાદાર કૂતરા સાથે ફરવા નીકળ્યા. અચાનક જ ટ્રક સાથે અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યાં. આ બધું ઝાંખું-ઝાંખું યાદ હોવા છતાં દાદાને લાગ્યું કે પોતે અને કૂતરો હજુ ચાલ્યા જ જાય છે. ચાલતાં ચાલતાં બંને એક વિશાળ દરવાજા પાસે પહોંચ્યા. દરવાજો હીરા લગાવેલો અને સોનાથી મઢેલો હતો. દરવાજો બંધ હતો, પરંતુ બાજુની એક બારી ખૂલ્લી હતી. એમાં એક માણસ બેઠો હતો.
દાદાએ એ માણસને પૂછ્યું, ‘ભાઈ ! આ કઈ જગ્યા છે ?
પેલા માણસે કહ્યું, ‘આ સ્વર્ગ છે !’
‘એમ ? મને ખૂબ આનંદ થયો !’ પછી દાદાએ કહ્યું, ‘ભાઈ ! અમને તરસ લાગી છે. પાણી મળી શકે ?
‘હા હા અંદર આવો. હું હમણાં જ તમારા માટે પાણી લાવું છું.’ આમ કહેતાની સાથે જ દરવાજો ખૂલ્યો.
‘હું આ મારા સાથીદાર કૂતરાને અંદર લાવી શકીશ ને ?’ દાદાએ કૂતરા સામે આંગળી ચીંધતાં પૂછ્યું.
‘ના ! કૂતરાને તમારે બહાર જ છોડી દેવો પડશે.’ પેલા માણસે જવાબ આપ્યો.
દાદાએ ઘડીક વિચાર કર્યો. પછી રસ્તા ઉપર પોતાના કૂતરાની સાથે ચાલવાનું શરૂ કરી દીધું. ઘણું ચાલ્યા પછી એક લીલુંછમ ખેતર આવ્યું. દાદાએ અંદર ડોકિયું કર્યું. એક માણસ ઝાડના છાંયડે બેઠો હતો.
‘આપની પાસેથી પીવાનું પાણી મળી શકશે ?’ દાદાએ પેલા માણસને પૂછ્યું.
‘ચોક્કસ મળી શકશે. આવો, અંદર આવી જાઓ. સામે એક હેન્ડપંપ છે. તમારી જાતે જ પાણી પી લો.’ એ માણસે જવાબ આપ્યો. પછી હસતાં હસતાં બોલ્યો, ‘અને જો અહીં જ રહેવું હોય તોપણ મને કશો જ વાંધો નથી.’
‘પરંતુ આ મારો મિત્ર અંદર આવી શકશે ?’ કૂતરા સામે આંગળી ચીંધતાં દાદાએ પૂછ્યું.
‘હા, જરૂર આવી શકશે. અહીંયાં કોઈ જાતના ભેદભાવ નથી.’ એ માણસ ખૂબ જ પ્રેમથી બોલતો હતો અને સતત મંદમંદ હાસ્ય વેરતો હતો.
દાદાએ અને એના કૂતરાએ પાણી પીધું. પછી પેલા માણસની બાજુમાં ગયા.
‘તમારો ખૂબ આભાર ભાઈ ! પરંતુ હું પૂછી શકું કે આ કઈ જગ્યા છે ?’ દાદાએ પૂછ્યું.
‘આ સ્વર્ગ છે !’ પેલા માણસે જવાબ આપ્યો.
‘પરંતુ થોડીવાર પહેલાં રસ્તા પર એક જગ્યાએ અમને એક માણસ મળેલો. એ પણ એની જગ્યાને સ્વર્ગ કહેતો હતો.’
‘કઈ જગ્યા ? પેલા હીરા જડેલા સોનાના દરવાજાવાળી ?’ દાઢીવાળા માણસે પૂછ્યું. પછી કહ્યું, ‘ના ભાઈ ના ! એ સ્વર્ગ નથી, એ તો નર્ક છે.’
‘તો પછી તમે એ લોકોનું જૂઠું કેમ ચલાવી લો છો ?’ દાદાએ પૂછ્યું.
‘અમે એના ખોટા બોલવાથી ખુશ છીએ ! એ લોકો અમારા માટે ફાયદારૂપ છે. એમના કારણે એવા માણસો ત્યાં જ રોકાઈ જાય છે, જે પોતાના મિત્રો કે સગાંના ભોગે પોતે એકલા જ સગવડતા ભોગવવા માગતા હોય; એવા લોકોનું અમારે અહીંયાં કાંઈ કામ નથી હોતું.’
વહાલા ભક્તો ! આપણું તપાસીએ કે આપણે કેટલા સ્વાર્થી છીએ ? માત્ર આપણી સુખ-સગવડતા જ ધ્યાનમાં લઈએ છીએ કે આપણા સાથીઓની પણ. બીજાના સુખનો વિચાર કરે છે તે જ ભક્તિવાન બની શકે છે.