સ્વભાવ નહિ સંબંધ જુઓ...

સ્વભાવ નહિ સંબંધ જુઓ...

વહાલા ભક્તો ! આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વાવતારી શ્રીહરિજી મહારાજે આપણને શિક્ષાપત્રીના ૫૯મા શ્લોકમાં કહ્યું છે કે,

प्रोक्तास्ते निर्गुणा भक्ता निरगुणस्य हरेर्यत:।
सम्बन्धात्तत्क्रिया: सर्वा भवन्त्येव हि निर्गुणा:।।५९।।

અને નિર્ગુણ કહેતાં માયાના જે સત્ત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે, તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. ।।૫૯।।

શ્રીહરિના આ વિધાન મુજબ શ્રીહરિ માયાના ત્રણ ગુણથી પર હોવાથી તેમના સંબંધમાં આવેલ હરકોઈ નિર્ગુણ થઈ જાય છે. અર્થાત્ માયાના ત્રણ ગુણોથી રહિત થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. આ દૃષ્ટિએ જોતાં જે કોઈ સંતો-ભક્તો શ્રીહરિના આશ્રિત થઈને તેમની આજ્ઞા-ઉપાસના પરાયણ જીવન જીવે છે તે સર્વે માયાથી રહિત ને મુક્ત છે. આવી આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રીહરિજી મહારાજની સમજણ છે. જો આપણે ખરેખર શ્રીહરિના ઉપાસક હોઈએ તો તેમની ઉપાસનાએ કરીને આપણી સમજણ પણ તેમના જેવી થવી જોઈએ.

શ્રીહરિચરિત્ર ચિંતામણિ ભાગ-૨માં આ વાતને અનુરૂપ એક સરસ ચરિત્ર છે.

ચરિત્ર

એકવાર ગઢડામાંથી દાદાખાચરના ચારસો રૂપિયા લઈને એક ડોશી ભાગી. તેની દરબારમાં સૌને ખબર પડી ને એ ડોશીને શોધવા માંડી પણ ક્યાંઈ જડી નહીં. ને તે ડોશી ગઢડાના સીમાડા સુધી ગઈ. પછી એકેય દિશા દેખે નહિ ને એક ગઢડું દેખે એટલે તે ક્યાંઈ ગઈ નહિ ને દાદાખાચરના દરબારમાં પાછી આવી ને રૂપિયાની કોથળી મેલીને “સ્વામિનારાયણ...સ્વામિનારાયણ” એમ ભજન કરવા લાગી. ત્યારે એ ડોશીને દેખીને મહારાજે દાદાખાચરને કહ્યું જે, “આ ડોશીએ બહુ ભૂંડું ચોરીનું કામ કર્યું માટે એને મારો.” ત્યારે દાદોખાચર કહે, “અરે મહારાજ ! આ ડોશી તો “સ્વામિનારાયણ...સ્વામિનારાયણ” એમ તમારું ભજન કરે છે તેને મારાથી કેમ મરાય !”

ત્યારે મહારાજ કહે,
“તમે તો મૂરખ દેખાઓ છો, તમારા દરબારમાં તો આવાં ઘણાં માણસો ભેગાં થયાં છે તે એવાને શિક્ષા નહિ કરો તો તમારું કાંઈ રહેવા દેશે નહીં. માટે અમારું વચન માનીને આને પાંચ સાત કોરડા મારો.”

ત્યારે દાદોખાચર બોલ્યા જે, આ ડોશીએ તો રૂપિયા જ લીધા છે પણ મારો દીકરો માર્યો હોય કે મારું માથું કાપવા માંડયું હોય ને તે જો તમારા નામનું ઉચ્ચારણ કરે તો તેને મારવાનો મારે સંકલ્પ પણ થાય નહિ. અને આ ડોશી તો તમારું ભજન કરે છે તેથી મારો હાથ એને મારવા ઊંચો થાય નહિ ને હું તો એને પગે લાગીશ.  એવું દાદાખાચરનું વચન સાંભળી શ્રીજીમહારાજે પોતાની કોટમાં પુષ્પનો હાર હતો તે કાઢીને દાદાખાચરની કોટમાં નાખ્યો ને બહુ રાજી થયા ને ઘણી પ્રશંસા કરી. ।।૮૧

વહાલા ભક્તો ! જો આપણે પણ દાદાખાચરની જેમ શ્રીહરિનો અને તેમના સંબંધવાળાનો આવો મહિમા સમજતા હોઈએ તો કદાચ સંતો-ભક્તોમાં કાંઈક ખોટ, ખામી, ઉણપ, સ્વભાવ કે દોષાદિ હોય છતાં તેનો અભાવ તો ન જ આવે, ઊલટાનો તેમના અર્થે પોતાનું સર્વસ્વ હોમી દેવાનો ભાવ રહ્યા કરે.

પરંતુ પ્રાય: આપણને આપણા ઈષ્ટદેવ શ્રીહરિનો જ એટલો મહિમાએ સહિત સ્વીકાર હોતો નથી, તેથી તેમના સંબંધવાળાને પણ માયાના ગુણે રહિત-નિર્ગુણ કે મુક્ત માની-સ્વીકારી શકતા નથી. આપણે પોતે જ દેહાભિમાનાદિ દોષોથી અવરાયેલા હોવાથી શ્રીહરિના સંબંધવાળા સંતો-ભક્તોને પણ એવી દેહાભિમાને યુક્ત મતિથી એવા જ દોષે યુક્ત જોઈએ-માનીએ છીએ.

જો માયિક દૃષ્ટિથી જોવામાં આવે તો તો પરમેશ્વરના અવતારો કે સ્વયં અવતારી પુરુષોત્તમનારાયણમાં પણ સ્વભાવ, દોષ, ખોટ વગેરે દેખાઈ આવે. જ્યારે ભગવાનના અવતારો કે અવતારી શ્રીહરિ આ પૃથ્વી ઉપર પ્રગટપણે વિચરતા હતા ત્યારે દોષના જોનારાએ તેમનામાં પણ દોષો જોયા હતા અને કહ્યા હતા. તે અવતારોના ભક્તોને પણ આસુરીમતિવાળાએ દોષી ઠરાવ્યા હતા.

અરે ! સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્.ગોપાળાનંદ સ્વામી આદિ પરમ સાધુતા સંપન્ન મહામુક્તોમાં પણ માયાના જીવોએ માયિક દૃષ્ટિ કરી હતી, પરંતુ માયિક દૃષ્ટિવાળાની માયિક મતિને કારણે તેઓ માયિક થઈ જતા નથી. ઊલટાના તે માયિક મતિવાળા જ માયામાં વધુ ને વધુ અવરાતા જાય છે. જો આપણે આ પ્રગટ સંતો-ભક્તોને ભગવાનના સંબંધે માયાથી રહિત કે મુક્ત નહિ માનીએ કે નહિ સ્વીકારીએ તો તેને કારણે તેમની મુક્તિમાં કે તેમની પ્રાપ્તિમાં કોઈ ફેર પડી જવાનો નથી. ઊલટાનું તેમનામાં માયિક મતિ કરવારૂપ આપણા તે દોષને કારણે આપણામાં જ માયાનો પ્રભાવ રહેશે અને આપણી મુક્તિમાં કે પ્રાપ્તિમાં ફેર પડશે. માટે આપણે જ આપણી માયિક મતિનો ત્યાગ કરી શ્રીહરિની સમજણ મુજબ શ્રીહરિના સંબંધવાળાને માયાના ગુણોથી રહિત માનવા જોઈએ.

હા, તે સંતો-ભક્તોએ હાલ માયિક શરીર ધારણ કર્યું હોવાથી તેઓ જે પ્રાંતમાં, જે કુળમાં કે જેવા સંસ્કારવાળા વાતાવરણમાં જન્મ્યા હોય અને મોટા થયા હોય તેવાં તેમનાં વાણી-વર્તનાદિક હોય ખરાં, પરંતુ તેનો અર્થ એ થતો નથી કે તેઓ માયાના બંધનમાં અવરાયેલા છે. ખરેખર તો જે શ્રીહરિની આજ્ઞા-ઉપાસના પરાયણ જીવતા હોય તે સર્વે શ્રીહરિના સંબંધને પ્રતાપે માયાથી રહિત મુક્ત થઈ જ જાય છે. માટે આપણે પણ તેમને માયાથી રહિત માનવા-સ્વીકારવા જોઈએ.

હે વહાલા મહારાજ ! અમારી માયિક મતિને કારણે અમે ઘણી વાર આપના સંબંધમાં આવેલ આપની આજ્ઞા-ઉપાસના પરાયણ સંતો-ભક્તોને વિશે પણ માયિક ભાવ પરઠીએ છીએ, તેથી અમે જ માયામાં અવરાયેલા રહીએ

છીએ અને માયાનો માર ખાઈએ છીએ.
આપ જ કૃપા કરીને સંતો-ભક્તોમાં રહીને એવી સમજણની દૃઢતા કરાવશો અને અંતરમાં રહીને તેનો સ્વીકાર કરાવશો..