સ્મરણ માહાત્મ્ય

સ્મરણ માહાત્મ્ય

માનવીમાત્રનો એ સહજ સ્વભાવ છે કે જેમાં માલ મનાય, સુખ સમજાય કે ફાયદો દેખાય; તે કામ કરવા તરત તત્પર થાય. તેવું કાર્ય કરવામાં ભીંસ ન પડે.

ભગવાનની અખંડસ્મૃતિ એ સૌથી મોટી પ્રાપ્તિ છે. શ્રીહરિ સૌથી શ્રેષ્ઠ અને શાશ્વત સુખનો સાગર છે; તેવા શ્રીજીનું જે સતત સ્મરણ કરે છે, તેને જે જોઈતું હોય તે બધું જ મળી જાય છે. તેના સર્વે સંકલ્પો સિદ્ધ થાય છે. કારણ કે, શ્રીહરિ દિવ્ય સાકાર ચિંતામણિ છે. તેમનું સ્મરણ કરવાથી અશક્યનું શક્ય બને છે.

શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ભગવાન વેદ વ્યાસજીએ ભગવત્સ્મરણનો આવો મહિમા કહ્યો છે.

यन्नामधेयश्रवणानुकीर्तनाद्यत्प्रह्वणाद्यत्स्मरणादपि क्वचित् ।
श्वादोऽपि सद्य: सवनाय कल्पते कथं पुनस्ते भगवन्नु दर्शनात् ।।

-ભાગવત ૩/૩૩/૬૭

હે પ્રભુ ! આપના નામમંત્રનું ક્યારેક પણ શ્રવણ કે ઉચ્ચારણ કરવાથી ચાંડાળ જેવો નીચ હોય તે પણ તત્કાળ યજ્ઞ કરવા યોગ્ય પવિત્ર બની જાય છે, તો તમારાં સાક્ષાત્ દર્શન કરનાર ધન્ય થઈ જાય, એમાં તો કહેવું જ શું !!

વહાલા ભકતો ! ક્યારેક-ક્યારેક ભગવાનનું નામસ્મરણ કરે તેનુંય આટલું મોટું ફળ મળતું હોય, તો મહિમા કે પ્રેમથી વારંવાર સ્મરણ કરે તે ભક્ત મહારાજનો મહામુક્ત બની જાય એમાં શું નવાઈ !

સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરવાથી આપણામાં જે કાંઈ દોષ, સ્વભાવ કે પાપ છે તે તમામ બળી જાય અને સર્વે સદ્ગુણો ઘેર બેઠા મળી જાય, એવો એ મંત્ર મહાપ્રતાપી છે; માટે વધુમાં વધુ તેનું સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ.

अहो बत श्वपचोऽतो गरीयान् यज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यम् ।
तेपुस्तपस्ते जुहुवु: सस्नुरार्या ब्रह्मानूचुर्नाम गृणन्ति ये ते ।।

-ભાગવત ૩/૩૩/૬૭

અરે ! આ તો બહુ મોટું આશ્ચર્ય છે કે, હે હરિ ! જેની જીભમાં તમારું નામ રટાયા કરે છે, તે ચાંડાળ જેવો નીચ જીવ હોય તોપણ અતિ શ્રેષ્ઠ બની જાય છે. કારણ કે, જે કોઈ તમારું નામ-સ્મરણ કર્યા કરે છે, તેણે સર્વે પ્રકારનાં તપ કરી લીધાં છે. તેણે સર્વે પ્રકારના યજ્ઞો યોજી લીધા ગણાય. તેણે સર્વે તીર્થોમાં સ્નાન કરી લીધું અને તેણે સર્વે વેદો ભણી લીધા છે. કેમ જે, ભગવાનનું સ્મરણ કરનાર એવા પરમ પવિત્ર શ્રેષ્ઠ બની ગયા હોય છે.

વહાલા ભક્તો ! આપણે એક એકાદશી જેવો ઉપવાસ કરીએ ત્યાં સાવ ઢીલા પડી જઈએ છીએ, તો સર્વે પ્રકારનાં તપ તો ક્યાંથી કરી શકવાના ? સર્વે યજ્ઞો કેમ કરી શકીશું ? અને ગુજરાતી ભાષાનું વચનામૃત નથી સમજાતું તો પછી વેદોમાં તો આપણી ચાંચ ખૂંતે જ ક્યાંથી ? પણ જો સ્વામિનારાયણ....સ્વામિનારાયણ આ ભગવાનના નામનું સ્મરણ કરતા રહીશું, તો સર્વે સાધનો પરિપૂર્ણ થઈ જાશે માટે સતત શ્રીહરિનું સ્મરણ શ્રદ્ધાપૂર્વક કરતા જ રહેવું.

જૂનાગઢધામવાળા પ.પૂ.સદ્.શ્રીકૃષ્ણચરણદાસજી સ્વામીએ એક વાત બહુ સુંદર કરી છે.

લાઠી પાસેના દાડમા ગામે એક નથુભાઈ નામે સત્સંગી થઈ ગયા. તે બ્રાહ્મણ અને વળી વિદ્વાન હતા. તેમને છેલ્લી ઉંમરે માંદગીની પીડા થવા લાગી. પછી શાંતિ મેળવવા માટે બાજુના આંબા ગામમાં રહેતા લુહાર જ્ઞાતિના દેવશીભગતને કહ્યું, તમે મને ભગવાનની કાંઈક વાતો કરો. તેમણે સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં ચરિત્રો સંભળાવ્યાં. તેમાં તેમણે પોતાના અનુભવની એક વાત કરી કે, ‘નથુ દાદા ! મહારાજ તો મહાકૃપાળુ છે, ભક્તવત્સલ છે. આપણે પ્રેમથી તેમને સંભારીએ તો તરત જ ભાવ પૂરા કરે છે.

એકવાર મારી પત્નીને સૂતક હોવાથી મેં શીરો બનાવ્યો. પછી પ્રભુને થાળ જમવાની મેં પ્રાર્થના કરી, તે તરત પધારી શીરો જમી ગયા; આવા પરમ કૃપાળુ પ્રભુ છે.’

આ વાત સાંભળતાં જ નથુભાઈ ખિજાયા. તેણે દેવશીભગતનું અપમાન કરી કહ્યું, ‘સૂતકમાં શ્રીહરિ કદી જમે જ નહીં. તું ખોટું બોલે છે; માટે ભાગ અહીંથી.’ દેવશીભગત તો સાધુતા રાખી સંપૂર્ણ સવળું લઈ કાંઈ જ બોલ્યા વિના જતા રહ્યા, પણ નથુરામભાઈને અસહ્યપીડા ઊપડી.

પછી આંકડિયા ગામેથી બ્રાહ્મણ અને વિદ્વાન સત્સંગી વૈજનાથભાઈને તેડાવ્યા. તેને કાંઈ સારી વાતો કરવા કહ્યું. તેમાં દેવશીભગતની પણ વાત કરી. ત્યારે વૈજનાથભાઈએ કહ્યું, ‘ભગવાન તો ભાવ જુએ છે. દેવશીભગત જેવા મુક્તરાજનો સાચો પ્રેમ હોય તો પ્રભુ શીરો જમે જ, એમાં ખોટું શું ?’ આટલું સાંભળતાં જ વળી નથુરામભાઈ લાલઘૂમ થઈ ગયા. તેણે કહ્યું, ‘મારે એમ કે તું ભાગવતનો ભણેલો અને વક્તા છે તે ડાહ્યો હઈશ, પણ તેંય થૂંકી બગાડ્યું. શું સૂતકમાં ભગવાન જમે ?

વૈજનાથભાઈએ જરા પણ દબાયા વિના નક્કર અવાજે કહ્યું, ‘નિયમ માત્ર મનુષ્યો માટે છે, મહારાજ માટે નહીં. આપણે ધર્મ-નિયમ પાળવા જોઈએ, પણ પ્રભુને તે નિયમો લાગુ પડતા નથી. એટલે તો શ્રીરામે શબરીનાં ચાખેલાં બોર ખાધાં. શ્રીકૃષ્ણ પ્રભુએ ગોપ-ગોપીઓનું એઠું પણ ખાઈ લીધું !’ પછી વૈજનાથભાઈએ છેવટે કડક શબ્દોમાં કહ્યું, ‘નથુરામભાઈ તમને પીડા વધી ગઈ, એ દેવશીભગતના અપરાધનું જ માઠું પરિણામ છે. હવે જો આમાંથી છૂટવું હોય તો તેને બોલાવી માફી માગી રાજી કરો, નહિ તો હું ગમે તે સંભળાવું પણ તમારું દુ:ખ ટળવાનું નથી, દેવશીભગત તો અખંડ ભજન-સ્મરણ અને સંત સમાગમના પ્રતાપે માન-અપમાન વગેરે દ્વંદ્વોથી મુક્ત થઈ ગયા છે.’

પછી છેવટે નથુરામ વિપ્ર માન્યા અને દેવશીભગતની દિવ્યતા સ્વીકારી માફી માગી તો તરત શાંતિ થઈ ગઈ...!

વહાલા ભકતો ! આમ અખંડ ભજન સ્મરણ જીવને બ્રહ્મરૂપ-મુક્ત બનાવી દે છે. પ્રેમપૂર્વક સ્મરણથી શ્રીહરિ વશ થઈ જાય છે. માટે બીજાં બધાં તાન- માન પડ્યાં મૂકી હવે આપણે સતત શ્રીહરિનું સ્મરણ વધારી દઈએ તો આપણે પણ પ્રભુના પ્રાણપ્યારા મુક્ત બની જઈશું.

હે મહારાજ ! હે હરિ ! મારાથી પણ હવે વધુમાં વધુ ભજન-સ્મરણ થાય અને તેનું જ તાન ચડતું રહે એવી કૃપા કરજો.