
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૧૨/૨૦૨૨ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન...
વહાલા ભક્તો ! કેટલાક આત્માઓ પરમાત્માની ભક્તિ કરીને મોટી પ્રાપ્તિ પામ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્યના પંઢરપુરમાં એક જનાબાઈ નામે પ્રભુભક્તિમાં રંગાયેલ શ્રેષ્ઠ ભક્ત હતાં. ધૂન-ભજન અને કીર્તન થતાં હોય તો એમને અંદરથી મૂર્તિ સ્ફૂરી આવે અને ભગવાનના સ્વરૂપનો સ્વાદ સતત ચાલુ થઈ જાય. હાથમાં રામસાગર લઈ પ્રભુનાં ભજન ગાયા જ કરે. ભગવાનનું નામ સતત જપ્યા કરે, ભૂલે જ નહિ અને બીજી વાત ગમે જ નહીં.
એ ધૂન-ભજન, કથા-કીર્તન કર્યા કરે; એમાં એની એક પાડોશણ બાઈ કંટાળે ! જનાબાઈએ એનું કાંઈ બગાડયું નહોતું, છતાં એને જનાબાઈ ઉપર બહુ દાઝ ચડે, અકારણ અણગમો પેદા થાય; એટલે જેમ-તેમ બડબડયા કરે કે, ‘આ ભક્તાણીએ તો હદ કરવા માંડી છે. રાત્રેય સૂતી નથી અને સૂવા દેતી પણ નથી.’
એક દિવસ તો જનાબાઈને એવો રંગ લાગ્યો કે, સાંજનાં ધૂન-કીર્તન-ભજનમાં બેસી ગયાં તે બીજા દિવસનું પ્રભાત થયું ! ત્યારે આ પાડોશણ બાઈ આવીને કહે, ‘જના, હવે તારાં આ ભજનિયાં બંધ કર. સાંભળી સાંભળીને અમારા કાન પાકી ગયા છે.’
જનાબાઈ બિચારાં હાથ જોડીને કહે, ‘મને ભજનમાં બહુ સુખ આવે છે, મજા આવે છે; એટલે ગાઉં છું.’
‘તને સુખ આવે છે પણ અમારા કાન પાકી ગયા છે, માટે બંધ કર.’ પાડોશણ તો જેમ તેમ બોલવા લાગી.
તમાશાને તેડું ન હોય. શું થાય છે ? એ જોવા માટે જોત જોતામાં લોકોનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું. એમાં વળી એક સજ્જન કહે,‘ કેવાં સુંદર ભજન ગાય છે ?’ તે સાંભળી પેલી પાડોશણ ઊલળી, ‘બહુ સુંદર ભજન ગાય છે, તો લઈ જા તારા પાડોશમાં !’ ત્યારે એકત્રિત થયેલા લોકોને એવું લાગ્યું કે, આ પાડોશણ ખોટેખોટી ઈર્ષ્યાવાળી છે. જનાબાઈને અમથે અમથી પરેશાન કરે છે. આ પાડોશણનો જ વાંક છે, જનાબાઈનો નથી.
બધાએ જનાબાઈનો પક્ષ લીધો એટલે પાડોશણનું કાંઈ ચાલ્યું નહિ એટલે બહુ ધૂંધવાઈ અને ખીજાઈને ઘરે જતી રહી. પછી મનમાં ઠરાવ કર્યો કે, ‘બધાં માણસ એના પક્ષમાં ભળી ગયા છે પણ એને કાંઈક એવી વાંકમાં લઉં ને જુઠ્ઠી પાડું કે બધું ભજન ભૂલી જાય.
જનાબાઈ તો બહુ ભગત હતાં. પંઢરપુરના દેવનો એમને બહુ મહિમા ! વિઠ્ઠલ...વિઠ્ઠલ...વિઠ્ઠલા…હરિ ૐ વિઠ્ઠલા... એમ અખંડ સ્મરણ કરે અને છાણાં થાપે. છાણાં થાપી થાપીને મંદિરમાં આપે. કોઈ સંતો આવ્યા હોય તો તેમને રસોઈ બનાવવા માટે આપે. કેવળ પરોપકાર કરતાં હતાં.
એકવાર જનાબાઈએ પોતાની જગ્યામાં છાણાં થાપેલાં, તેને કોઈક ચોરી ગયું; એટલે જનાબાઈએ ગામના રાજાને ફરિયાદ નોંધાવી કે, ‘મારાં છાણાં કોઈક ચોરી ગયું છે, તે મને પાછાં અપાવો.’ રાજદરબારમાંથી ફોજદાર આવ્યા. તપાસ કરી પણ છાણાંનો કાંઈ પત્તો લાગ્યો નહીં.
ત્યારે રાજાએ કહ્યું કે, ગામમાં ઢંઢેરો પીટાવો કે,‘જેને ઘેરે જેટલાં છાણાં હોય તે ટોપલામાં ભરીને રાજદરબારમાં લાવે. જો કોઈ છાણાં સંઘરી રાખશે અને રાજદરબારમાં નહિ લાવે તો તેને ફાંસીએ ચડાવવામાં આવશે.’
રાજાનો હુકમ થયો એટલે સૌ છાણાંના ટોપલા ભરીને હાજર થયાં. ત્યારે રાજાએ જનાબાઈને કહ્યું કે, ‘જનાબાઈ તમારા છાણામાં કાંઈ નિશાની છે ? નિશાની હોય તો ખ્યાલ આવે કે, આ તમારાં છાણાં છે.’ જનાબાઈ કહે, ‘હે રાજન ! હું છાણાં થાપતી વખતે ભગવાનનું સ્મરણ કરું છું, તેનાથી છાણામાં ભગવાનનો મંત્ર પેસી ગયો હોય; એવું હું ચોક્કસ માનું છું. તમે છાણું કાન આગળ અડાડો. જે છાણું વિઠ્ઠલ...વિઠ્ઠલ... બોલતું હશે તે છાણું મારું હશે. આ મારા છાણાની નિશાની.’
રાજા ટોપલામાંથી એક પછી એક છાણું લઈને કાને રાખે, અને વિઠ્ઠલ...વિઠ્ઠલ... સંભળાય નહિ એટલે પાછું મૂકી દે. તપાસ કરતાં કરતાં એક બાઈના ટોપલામાંથી છાણું રાજાએ લીધું અને જેવું કાને રાખ્યું કે, એમાંથી ‘ વિઠ્ઠલ…વિઠ્ઠલ...વિઠ્ઠલા…હરિ ૐ વિઠ્ઠલા...’ અવાજ આવવા લાગ્યો. રાજાને બહુ આશ્ચર્ય થયું ! રાજાએ જનાબાઈનાં ખૂબ વખાણ કર્યાં.
જે ટોપલામાંથી છાણાં ‘વિઠ્ઠલ...વિઠ્ઠલ...’ બોલતાં હતાં, તે છાણાંનો ટોપલો લઈને પેલી ભજનની ના પાડનાર દ્વેષી પાડોશણ બાઈ જ આવી હતી. એ જ જનાબાઈનાં છાણાં ચોરી જનારી ચોર હતી. પછી રાજાએ તે છાણાં જનાબાઈને આપ્યાં અને છાણાં ચોરનારી પાડોશણ બાઈને રાજાએ દંડ કર્યો.
જનાબાઈને ભગવાનમાં કેવો પ્રેમ હશે..! કેવી એમની ભક્તિ હશે…! કેવું ગજબનું નામ-સ્મરણ હશે..! કે જેનું થાપેલું છાણું પણ ‘વિઠ્ઠલ...વિઠ્ઠલ...’ બોલે..!
ણું તો મોઢું પણ અખંડ ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ’ બોલતું નથી ! સુરતમાં એક કાકા કેળાં વેચતા હતા. તે ચોવીસ કલાક મોઢામાં કિમામવાળું પાન રાખે ને એને અખંડ રસ આવે ! જો એ કાકા ચોવીસેય કલાક પાનનો રસ લેતા હોય, તો આપણે નામનો રસ કેમ ન લેવો !!!! એને પાનમાં જેટલી શ્રદ્ધા અને જેટલું સુખ મનાયું છે એટલું કદાચ આપણને નામમાં નહિ મનાયું હોય, નહિતર આપણેય એવું અખંડ સ્મરણ કરીએ જ.
ભજનમાં કેટલી તાકાત છે ! ભજનથી તો જીવ નિર્વાસનિક બની જાય છે. ભજનથી અંત:કરણમાં અપાર બળ આવે છે. મહારાજે વચ.ગ.પ્ર.૨૧, ૨૨ અને ૨૩માં કહ્યું છે કે, ખાતાં-પીતાં, હાલતાં-ચાલતાં, ન્હાતાં-ધોતાં ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કર્યા કરવું. આનાથી બીજો પ્રયાસ વગરનો કલ્યાણનો કોઈ ઉપાય નથી.