સોરી...

સોરી...

સોરી મહારાજ ! આજે હું જમતાં જમતાં આપને ભૂલી ગયો, ઉત્થાપનની માનસી ચૂકી ગયો, આપની આ આજ્ઞા મારાથી લોપાઈ ગઈ, પંચવિષયમાં હું લેવાઈ ગયો, આળસ-ગાફલાઈને લઈને ચાતુર્માસમાં લીધેલ નિયમ ન પાળી શક્યો. મારાથી આપના હૃદયસમા વહાલા સંત-ભકત સામું બોલાઈ ગયું, સ્વભાવવશ તેમને ન ગમતું થઈ ગયું. પ્રભુ પાસે આવી દિલગીરીભરી માફી માગતા રહેવાથી પરમાત્માની આપણા ઉપર મીઠી નજર રહે છે.

આમ તો આજ દિન સુધી પ્રભુએ આપણી ઘણી ઘણી ભૂલો માફ જ કરી છે ને હજુ પણ માફ જ કરવાના છે, પરંતુ આપણા તરફથી જો આપણે પ્રભુને સોરી કહી પોતાની ભૂલ સમજીએ, પકડીએ અને તેને સુધારવાનો પ્રામાણિક પ્રયત્ન કરીએ. વળી, જે તે ભૂલનો દિલથી પશ્ચાતાપ કરીએ, ભૂલ સુધારવા હૃદયથી પ્રાર્થનાનો પોકાર કરીએ અને પ્રભુપ્યારા પાસેથી પાપનું પ્રાયશ્ચિત માંગીને તે કરતા રહીએ તો મહારાજને એ બહુ જ ગમે. પરિણામ એ આવે કે આપણી ભૂલ તત્કાળ સુધરવા લાગે અને પ્રભુનું ન ગમતું આપણાથી છૂટવા લાગે; ગમતું થવા લાગે. કેમ જે, સોરી કહેતા થકા ઉપરોકત ચાર બાબતને ધ્યાનમાં રાખવાથી એ આપણી સાચી દિલગીરી પ્રભુને સ્પર્શી જાય છે. ને પછી તો પ્રભુ જ એવી કૃપા વરસાવે છે કે આપણામાં એક પણ દોષ રહેવા ન પામેં. આવી રીતે સોરી કહેવા નિમિત્તે પણ પ્રભુ સાથે આપણો તાર જોડાયેલો રહેતો હોય તો આ માધ્યમ આપણા માટે શ્રેષ્ઠ કહેવાય.

આપણે જન્મોજન્મ પ્રભુને ખોટા વાયદાઓ જ આપ્યા છે કે, ‘હે પ્રભુ ! જો આપ મને મનુષ્યનો અવતાર આપો તો હું એકમાત્ર આપના ભજન સિવાય બીજું કાંઈ જ નહિ કરું.’ અને જનમ પામીને પાછું ભજન સિવાયનું બીજું જ બધું કર્યું છે. જો આપણી આવી કૃતઘ્નતા બદલ પ્રભુ ન્યાય તોળીને તેનું ફળ આપે તો આપણી કેવી દશા થા્ય ? આવો કોઈ જ ન્યાય તોળ્યા વગર પ્રભુ આપણી ભૂલો ભૂલી જઈને કેવડી મોટી માફી આપી દે છે ! પ્રભુની આ મોટાઈ વિચારીને પણ આપણે માફી આપવાનું અને માફી માગવાનું શીખી લેવું જોઈએ.

જુઓને, સર્વોપરી પરાત્પર પ્રભુએ પોતે નિર્માની થવામાં ક્યાં કાંઈ ખામી રાખી છે ? એકવાર પંચાળાના ઝીણાભાઈના છોકરાની ભૂલ નિમિત્તે પ્રભુએ ઉપાશ્રયમાં જઈને કેવું નીર્માંનીપણું દાખવ્યું હતું ! અહો, પ્રભુએ આટલા ઊંચા સ્થાને રહીને પણ આપણને શીખવવા કેવું કેવું કરી બતાવ્યું છે ! તો ભલા આપણે પોતાની ભૂલ બદલ સોરી કેમ નથી કહી શકતા ? પોતાની ભૂલની દિલગીરી માટે દાસત્વ દાખવવાનું અધરું કેમ પડે છે ? ખરેખર તો જે જેટલા મોટા હોય તે તેટલા સહજતાથી માફી માંગી પણ શકે અને માફી આપી પણ શકે. બાકીના આપણા જેવાને તો એમ જ થાય કે, ‘પણ, એમાં મેં ખોટું શું કર્યું ?’ કોઈની માફી માંગવાનું કામ તો આપણા માટે જાણે ગીરનાર ચઢવાનો હોય એવું અધરું લાગે છે.

સ્મરણ વર્ષમાં જો પ્રભુનું ખૂબ સ્મરણ કરવું હોય તો પોતાના  હૃદયમાં પ્રથમ એ ચેક કરી લઈએ કે... મેં અહંને વશ થઈ કોઈ વ્યક્તિ પાસે સોરી બોલવાનું-માફી માંગવાનું-ભૂલ સ્વીકારવાનું  ટાણું જતું કર્યું છે ? એ કામ હજુ એમ જ પેન્ડિંગ પડયું છે ? જો કોઈ ચહેરો સ્ફુરતો હોય તો હજુ કાંઈ મોડું નથી થઈ ગયું. હિંમત કરીને પણ તેમની માફી માંગી લઈએ. કેમ જે, માફી ન માગવારૂપ એ આપણં અહં જ આપણને પ્રભુસમરણમાં ખલેલ પહોંચાડે છે; અંત:કરણમાં અપવિત્રતા પ્રસરાવે છે. વળી, એમ પણ વિચારી લઈએ કે આપણે જેની માફી માંગવાની છે એ વ્યક્તિ અથવા તો આપણે પોતે અચાનક મૃત્યુ પામી જઈશું તો ! પછી કાંઈ આપણા હાથમાં બાજી રહેવાની નથી; પસ્તાવા સિવાય બીજું કાંઈ જ નહિ રહે. માટે રખે આપણા માટે એવાં કોઈ પાત્ર રહી જવાં ન જોઈએ કે તેમની માફી માંગવાનું રહી જાય ને એમ જ આપણું આયુષ્ય પસ્તાવા સાથે પૂરું થાય.

મછિયાવના ફઈબા મહારાજના કહેવા છતાં આ કામ ન કરી શક્યા, તો પ્રભુ અને સંતો તેમના ઘેરથી જમ્યા વગર જ નીકળી ગયા. મહેમદાવાદના દુર્લભરામ મહારાજના કહેવા છતાં માન મૂકીને બેચર ભટ્ટ પાસે માફી ન માંગી શક્યા, તો પ્રભુના હૃદયસ્થ ન થઈ શક્યા. માટે પ્રભુને રાજી કરવા-રાખવા હોય તો પ્રભુ અને પ્રભુપ્યારા પાસે નાની-નાની બાબતે માફી માગ્યા કરો. માફી માંગી લેવી એ બાબતને પોતાની ભૂલ સુધારવાનો અને સામાના હૃદયમાં સ્થાન પામવાનો સોનેરી અવસર સમજો. આ તકને કદી પણ જતી ન કરો. જયારે માન-મોટાઈ, પદ, સત્તા કે કોઈ અધિકાર મળે ત્યારે તો આ બાબતે સૂક્ષ્મતાપૂર્વક સાવધાન રહો કે એના પાશમાં રખે સોરી બોલવાનું સંતાઈ-ખોવાઈ-વિસરાઈ કે બંધ ન થઈ જાય; આશ્રિત વર્ગનો અપરાધ ન થઈ જાય. આપણા અહંનું પડ પાતળું કરવાના આ ઉપાય કરવામાં વિલંબ કરવો એ ઘરમાં દારૂગોળો સંઘરવા જેવું કામ છે.

આપણાથી અજાણપણે કોઈને દુઃખ પહોંચ્યું હોય તોપણ હૃદયની ફીલિંગ સાથે આપણે તેમને સોરી કહેવું જોઈએ. જો આ વિવેક ચૂકી જઈએ તો આપણે ડઠ્ઠર છીએ; અહંકારી છીએ. આપણાથી કોઈને દુઃખ થયું હોય તેમ છતાં આપણને એનું કોઈ જ દુઃખ કે પશ્ચાતાપ ન હોય; સામાને આપણા મુખ પર દિલગીરીનો કોઈ જ ભાવ ન જણાય, તો આપણે તેમના હૃદયમાંથી ઊતરતા જવાના. વળી, સોરી કહી દઈને જે તે ભૂલનું રિપીટેશન ચાલુ રાખવું ને ફરી પાછા સોરી કહ્યા કરવું એમાં આપણી ભકતતા તો નથી; માનવતા પણ નથી. સોરી બોલતી વખતે દિલગીરીનો એવો ઊંડો ભાવ ઊઠવો જોઈએ કે જેનાથી એ ભૂલનું ચક્ર વહેલી તકે બંધ થઈ જાય. જો આવું ન થાય તો એ માત્ર ઉપલક બાહ્ય મેનર્સ કે અભિનય છે; સાચી દિલગીરી નથી. કોઈ વ્યક્તિએ આપણને આર્થિક મદદ કરી હોય અને જે તે સમયે આપણે રસ્તો બદલી નાંખીએ તો એ કેવું કહેવાય ! આર્થિક નહિ તો કોઈક બીજી બાબતે પ્રભુ કે પ્રભુપ્યારાઓ સાથે ક્યાંક આપણે આવો કૃતઘ્નતાભર્યો વ્યવહાર તો નથી કરતા ને !

સોરી બોલવામાં, માન મૂકીને માફી માંગવામાં નિર્માનીપણાનો ભાવ ભરેલો છે. આ ભાવ બાબતે આપણે જેટલા વધુ ચોખ્ખા હોઈશું એટલું કામ વધુ સારું થવાનું... આપણાથી કોઈને દુઃખ થયું હોય ને એ બદલ આપણે નેક દિલથી સોરી કહીને માફી માંગી લઈએ તો એમના હૃદયમાંથી જે તે બાબત નીકળી જાય છે. આપણું બેલેન્સ ઘટી જતું નથી. ઊલટાનો પ્રેમભર્યો દિલાસો અને મદદ મળે છે. આ બે જ અક્ષરનો શબ્દ આવડી ગયો, માનો આપણા જીવનમાં શુદ્ધિ-વૃદ્ધિનું કામ તીવ્ર ગતિથી થવા લાગશે. ઘણી વાર આ બે અક્ષરનો શબ્દ આપણાથી બોલવો હોય છતાં નથી બોલી શકાતો. પોતાની ભૂલ અંતરમાં સપષ્ટપણે સમજાઈ ગઈ હોય છતાં કોઈની આગળ સવીકારી નથી શકાતી. ને એ જ તો આપણું અહં છે.

વહાલા ભકતો ! પ્રભુ અને પ્રભુપ્યારા સંતો-ભકતો પાસે આપણને સોરી બોલવાનું, માફી માંગવાનું, ભૂલ કબૂલવાનું, અહં ઓગાળવાનું આવડી ગયું, તો સમજો અક્ષરધામનું દ્વાર પ્રભુ આપણા માટે ખોલી નાંખવાના. અરે, એ જ સેકંડે સુખથી ભરી દેવાના. જો આપણે અહંકારથી ઉપરવટ જઈને હૃદયથી સોરી બોલવાનો અભ્યાસ કરીશું તો કલ્યાણ થશે. અને જો આબરૂના ઉપાસક રહીશું તો જનમ બગડી જશે. તો ચાલો ઝડપ કરો... અંતરમાં ડોકિયું કરી શોધી કાઢો કે મારે કોની પાસે કઈ બાબતનું માન મૂકી સોરી કહેવાની જરૂર છે ? સત્વગુણનો સાથ છે, મહારાજને ગમતી વાત છે. જો વાર કરીશું તો અપાર દુઃખી થઈશું, અને તત્કાળ કરીશું તો તરી જઈશું...