સૂચનો આવકાર્ય છે...

સૂચનો આવકાર્ય છે...
February 1, 2025

આજ સુધી મેં આશિષભાઈના જીવનમાં કદી કોઈ પણ પ્રકારની નેગેટિવિટી જોઈ નથી. વિરોધ કરનારા સાથે પણ તેમનો અઘટિત વર્તાવ જોવા ન મળે. તેમની વાણી કે વિચારોમાં પણ કોઈના પ્રત્યે હલકો ભાવ ન જણાય. પાર્ટનર હોય કે કસ્ટમર; મજૂર હોય કે ફેમિલી મેમ્બર; સહુકોઈની સાથે તેમનો વ્યવહાર અને સંબંધ ખૂબ જ નિરાળો. તેમની વર્તણૂક એટલી બધી મેનર્સવાળી કે ન પૂછો વાત. ઠંડા કલેજાથી વિનમ્રપણે એવી પ્રેમભરી વાત કરે કે સામાનો ગુસ્સો સો ગાઉ દૂર ચાલ્યો જાય. સામાજિક દૃષ્ટિએ તેઓ મોટા હોવા છતાં સંતો-હરિભક્તો પાસે તો હંમેશાં પોતાને ઝરો દર્શાવ્યા કરે.

મારામાં તેમનાથી સાવ ઊલટું. વાતની વાતે મારી ઊગ્રતા બોર્ડર વટાવી જાય. બોલીનો તો હું એવો કોબાડ કે મારા વાક્બાણથી ભલભલા વીંધાઈ જાય. મારી ફોઈએ મારું નામ આદર રાખ્યું છે, પણ મને નથી સમજાતું કે આવું નામ પાડવામાં એણે કેવા પ્રકારના ગ્રહો અને રાશિઓ મેળવ્યા હશે ! કેમ જે, અન્યને આદર આપવા બાબતે હું મીંડું છું. મારાં વેધક વાણી-વર્તનને લઈને સૌ મારાથી છેટા ભાગે છે ને મારી સાથે પ્રસંગો પાડવાનું ટાળે છે, ત્યાં સુધી કે ઘરના સભ્યો પણ મારી સાથે માથાકૂટ ન કરવાનું પસંદ કરે છે. હમણાંથી સત્સંગ થતાં મારા સ્વભાવમાં જે કાંઈ સુધારો થયો છે એને તો હું ચમત્કાર જ માનું છું. મારા આ બદલાવના પાયામાં જવાબદાર છે - આશિષભાઈની વર્તનસભર વાતો.

એક દિવસ સવારની કથા સાંભળતાં મને મારા અજ્ઞાનની જોરદાર અસર આવી. એ કથાએ મને આશિષભાઈની ઓફિસે પહોંચાડી દીધો. અસર કરેલ કથાનું અનુસંધાન કહી હું મારી ખામીઓ ટાળવાના ઉપાયો પૂછવા લાગ્યો. વળી, આ પ્રસંગે તેમના આવા નિરાળા જીવન અંગેનું રહસ્ય જાણવાની પણ મેં કોશિશ કરી; પરંતુ આ સમયે આશિષભાઈ તો સ્વને ભૂલી પરમાં ખોવાયેલા હતા. તેથી જાણે કે મારી વાત ધ્યાનમાં જ ન હોય એમ તેઓ પોતાના પાર્ટનર વિકાસભાઈ વિશે બોલવા માંડ્યા. વાત કરતાં કરતાં પોણો કલાક કેમ વીતી ગયો તેની ખબર ન રહી. આ બધી વાતોમાં મારા ઘણાક પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ ગયા. કેટલાક પ્રસંગોએ તો મને વિચારતો કરી દીધો.

મને થયું કે વ્યવહારમાર્ગમાં પરસ્પર મતભેદ કે મનભેદ થયા વગર ભાગ્યે જ રહે. જ્યારે આશિષભાઈ અને વિકાસભાઈ તો લગભગ ૧૨ વર્ષથી પાર્ટનર તરીકે ભેગા છે, પરંતુ આજ સુધી એ બંનેને જરા જેટલીય ટસલ થઈ નથી. વળી, એમાંના વિકાસભાઈના રફ વ્યક્તિત્વમાંથી પણ સદ્ગુણો ખોળી કાઢવા અને આટલા પ્રભાવિત થઈને પોણો કલાક સુધી તેમના ગુણો ગાવા - આ બધું મારે મન તો બહુ અઘરું છતાં અનુકરણીય લાગ્યું. એમની વાતોથી મને મારી ઘણીક ભૂલો ઓળખાઈ.

અંતે છૂટા પડતી વેળાએ યાદ આવતાં મને એક વસ્તુ પૂછવા જેવી લાગી, તે મેં પૂછી લીધી. આશિષભાઈ ! તમારી ઓફિસ બહાર પેટી ઉપર એક વાક્ય લખેલું છે. - “સૂચનો આવકાર્ય છે...” એ શા માટે ? એનાથી તો... મારા પ્રત્યુત્તરમાં આશિષભાઈએ બોલવા માંડ્યું, “અરે ભાઈ આદર ! આ આશિષને સૂચનોએ જ ઘડી ઘડીને સૌનો આશિષપાત્ર બનાવ્યો છે. ચાહે વ્યાવહારિક માર્ગ હોય કે પછી આધ્યાત્મિક માર્ગ; મારા પરમ હિતેચ્છુઓના સૂચનોએ જ મને સુધાર્યો છે, આગળ વધાર્યો છે, ખરેખર બહુ જ ફાયદો થયો છે. આદર ! કોઈનું સૂચન ભલે નાનું હોય કે મોટું; નામી હોય કે અનામી; સાચું જણાતું હોય કે ખોટું; પરંતુ ક્યારેક એ જ આપણી ભાગ્યરેખા બદલી નાંખતું હોય છે. તેથી કેટલાક સુખદ અનુભવોને અંતે મેં એવું નક્કી રાખ્યું છે કે કોઈના સૂચન-વચનને કદી પણ નકારવું નહીં; ને એટલે જ મેં સૂચનપેટી મૂકી તેના પર લખ્યું છે કે, “સૂચનો આવકાર્ય છે.”

થોડા દિવસ પહેલા મેં એ પેટી ખોલી, તો તેમાં સાત સૂચનો હતાં. તેમાંનાં બે સૂચનોથી તો મને ઘણું બધું શીખવા મળ્યું. કેવા કેવા વ્યક્તિઓ મારી પ્રગતિ અને મારું સુખ ઇચ્છે છે એની મને પહેલી વાર ફીલિંગ આવી. વળી, ત્રણ સૂચનો દ્વારા લોકોની જરૂરિયાત જાણવા મળી. એક અનામી સૂચનને હું નહિ ભૂલી શકું ! તેણે મને ધંધાની કેટલીક ફોર્મ્યુલા અંગે ડ્રોઇંગ કરી નવી તકો બતાવી. બીજું એક અનામી સૂચન ઈર્ષ્યાથી લખાયેલ હતું, પરંતુ તે પણ મને ઘણો સાવધાન કરી ગયું. આમ દરેક સૂચને મને કાંઈક ને કાંઈક નવું શીખવ્યું છે.

આદર ! મને વિચાર આવતા હતા કે આમ સૂચનપેટી દ્વારા કોઈ આપણું હિત કરે, એના કરતાં મુખોન્મુખ આપણી ભૂલ કે પ્રગતિનો ઉપાય બતાવીને આપણું ભલું કરી શકે, તો એ કેટલું બધું સારું કહેવાય ! પણ ખેર, કદાચ આપણી પાત્રતામાં રહેલી ખામીને લઈને જ લોકોને સૂચનપેટીનો સહારો લેવો પડતો હશે ને ! ઘણી વાર આપણે જ એવા કઠોર અનુભવો આપ્યા હોય એટલે તેઓ આપણને કહી શકવાની હિંમત ન કરતા હોય; એમાં એમનો બિચારાનો શો વાંક ! મને લાગે છે કે આપણને સૂચન કરી શકે, વઢી-ટોકીને પણ આપણું ભલું કરી શકે એવા કેટલાક હિતેચ્છુઓ તો હોવા જ જોઈએ.

આ અંગેના ઘણાક અનુભવોને અંતે મને પાકું થઈ ગયું છે કે જો આગળ વધવું હોય, આપણી શુદ્ધિ-વૃદ્ધિ કરવી હોય તો સદ્.શ્રીગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે તેમ પોતાની ભૂલ ઓળખાવે એવા સંતો-ભક્તો સાથે જીવ બાંધવો જ રહ્યો, ને તેમને સામેથી મળતા રહી કહેવું જે, “હુંમાં જે જે વાતની ખોટ હોય તે દયા કરીને તમે કહેશો ? એમ રોજ કહેવું. કાં આઠ દિવસે, કાં મહિને તો જરૂર કહેવું.” સ્વામીએ કરેલ આ વાત મુજબ જે સંતો-ભક્તોના સૂચનને ધ્યાનમાં લઈ પોતાની ભૂલ સુધારતો જાય તે ટૂંક સમયમાં મહારાજનું ગમતું પાત્ર બની જાય.

પ્રભુનું ગમતું પાત્ર બનવા માટે સૂચન અને સૂચન કરનારા અંદરથી ગમવા જોઈએ; હિતકારી મનાવા જોઈએ. આ અંગે હંમેશાં સવળું લેવું જોઈએ. કદાચ કોઈક સૂચન આપણને કડવું લાગે એવું હોય, તોપણ આપણા સુખ માટેનું હોય તો એને વધાવવું જ રહ્યું. બની શકે કોઈનાં ૧૦ સૂચનોમાં કદાચ એક-બે સૂચન ખોટાં પણ હોય, આપણા માટે કામનાં ન હોય, માત્ર રાગ-દ્વેષમાંથી જન્મેલાં હોય; પરંતુ બાકીનાં બધાં તો આપણને ઉપયોગી હોય; માટે સૂચનને સ્નેહથી સ્વીકારતા શીખવું જોઈએ.

જે વ્યક્તિ અન્યના સૂચનને પોતાના વ્યક્તિત્વની પૂર્તિ કરવાનું માધ્યમ સમજી તેને વધાવતા શીખી જાય, તેને મહાન બનતા કોઈ રોકી ન શકે. આમાં બની શકે કોઈની સૂચન કરવાની રીત આપણે ઇચ્છીએ એવી ન પણ હોય, પરંતુ જો એમાં આપણું હિત કરવાની ભાવના સમાહિત હોય, તો આપણે એ ભાવનાને જ જોવી જોઈએ; નહિ કે તેમની બોલી, શૈલી કે સ્વાભાવિક પ્રકૃતિ. વળી, આ અંગે તેમને થેંક્યુ કહી હૃદયપૂર્વક તેમના આભારી પણ બનવું જોઈએ. કેમ જે, આપણને મળનાર પ્રગતિ, સફળતા અને પ્રાપ્તિ તેમનાં સૂચનોને આભારી છે.”

આશિષભાઈની આ બધી અનુભવની વાતો સાંભળી હું મનોમન વિચારી રહ્યો હતો કે આજ સુધી મેં સૂચન અને સૂચન કરનારાને મારા દુશ્મન માની તેમનામાં રાગ-દ્વેષ કે ઈર્ષ્યા કલ્પ્યાં છે. તેમને અનેક વાર ઠુકરાવ્યા છે. અરે, કેટલીક વાર તો પાઠ પણ ભણાવી દીધા છે. પણ હવેથી આશિષભાઈના કહ્યા મુજબના રસ્તે ચાલી મારે મારી ભૂલો સુધારી લેવી છે. સૌનો સ્વીકાર કરવો છે. મારો અહંકારી સ્વભાવ છોડવો છે. સામાને સાંભળવાનું-સમજવાનું કામ પહેલું કરવું છે. સૌને સુખરૂપ થવું છે. આવા વિચારો તથા ઠરાવો સાથે તેમને થેંક્યુ કહીને હું છૂટો પડ્યો.

વહાલા વાચકો ! સૂચનનો સ્વીકાર કરવાની આશિષભાઈની વાતો મારા માટે તો ખૂબ અસરકારક રહી. મને વિશ્વાસ છે કે આ વાતો મારા જીવનમાં હજુ પણ ઘણોક બદલાવ લાવશે. કદાચ થોડી ઘણી તમને પણ ઉપયોગી નીવડે...