
“કરમશીભાઈ ! બે-પાંચ વાસણ ભેગાં થાય અને ખખડે નહિ એવું તો ન બને, પણ આપણે તેને એ રીતે ગોઠવવાનાં હોય જેથી અવાજ ઓછામાં ઓછો આવે.”
કરમશીભાઈએ આજુબાજુ નજર નાખી. પછી ધીમેથી કહ્યું, “મારો નાનો દીકરો બહુ જ કહ્યાગરો. કોઈ પણ કામ તરત કરી આપે, પણ ઘણી વાર થાય છે એવું કે તેની કાર્યશૈલી મોટાને બિલકુલ સેટ નથી થાતી. પછી તે કાંઈ જ રસ ન લે. પછી તે તેની બહેન કે ‘મા’ની આગળ જ્યારે ઊભરો ઠાલવે ત્યારે ઘરનું બધું વાતાવરણ બગડી જાય છે.”
“તો કરમશીભાઈ ! તમે તે કાર્ય મોટાને જ સોંપો તો ?” “તો એવું થાય કે તે મોટેભાગે ના જ પાડે. કારણ કે, તેને તેમાં શું શું તકલીફ પડે એ જ વધુ દેખાય. જો હા પાડે અને કામ સંભાળે તો પછી તેમાં કાંઈક ટકોર કરવા જેવું હોવા છતાં કોઈથી કહેવાય નહીં. કારણ કે, તેને દુ:ખ બહુ લાગી જાય છે.”
“તમારા ઘરનાં(પત્ની) આમાં કાંઈ ઉપયોગી ન થાય ?” “એ બહુ લાગણીવાળી ને ભોળી ભગત છે. એટલે મેં તેને આમાં માથું મારવાની જ ના પાડી છે. છતાં જો કાંઈક બોલે તો પછી હું બરાબરનો ખીજાઉં, ક્યારેક તો આંટીય દઉં.”
ભગવાને આ સૃષ્ટિ બનાવી છે તેમાં ચાહીને એવી વિવિધતા રાખી છે. કેમ જે, જીવનમાં તે બધાની જરૂર પડે છે. આપણે તેની જરૂરિયાત સમજી તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર હોય છે. વિવિધતા એટલે જુદાં-જુદાં વ્યક્તિત્વ, ભિન્ન-ભિન્ન સ્વભાવ અને અલગ-અલગ પાત્રતા. માનવજીવનને સુખી અને સુરક્ષિત રાખવા તે બધાની જરૂર છે. પરિવારમાં અમુક વ્યક્તિનું પોઝિટિવ વલણ હોય. એને કારણે તે દરેક બાબતના ફાયદા કે સદગુણ જેવી સારી સાઇડ વિશેષ પકડી શકે; એટલે તેને પહેલી હા આવે.
જ્યારે અમુક સભ્યનું નેગેટિવ વલણ હોય, એટલે તેને કોઈ પણ બાબતનું નુકસાન કે નબળાઈ જેવી નેગેટિવ સાઇડ પહેલી દેખાય. એટલે તેને પહેલી ના આવે. જીવનમાં એ બંનેની જરૂર છે. કેમ જે, પરિવારના તમામ સભ્યો પોઝિટિવ વલણવાળા જ હોય તો છેતરાઈ કે ફસાઈ જવાની સંભાવના વધી જાય છે. જો બધા નેગેટિવ વલણવાળા જ હોય તો બધું ન કરવા જેવું જ લાગે. બધાની નબળાઈ જોઈ-જોઈને કોઈ સાથે સંબંધ જ ન રહે. વળી, અંદરો-અંદર પણ અસુખ બહુ થાય. એટલે પ્રભુએ મનુષ્યોમાં પોઝિટિવ અને નેગેટિવનો સમન્વય કર્યો છે. બંનેને એકબીજાના પૂરક બનાવ્યા છે. સૃષ્ટિના આ નિયમનો સ્વીકાર કરી બંનેએ એકબીજાનો લાભ લેવો જોઈએ; અથવા તો જે મોટા કે મુખ્ય વ્યક્તિ હોય તેણે બંનેની વિચારધારાનો સમન્વય કરી ફાયદા કે નુકસાન શું વધારે છે ? તે તપાસી નિર્ણય લેવો જોઈએ.
એમ જ ઘરમાં મા અને બાપ બંનેની જરૂર છે. મા લાગણીપ્રધાન હોય છે. પિતા કર્તવ્યપ્રધાન હોય છે. બાપ કડકપણે કર્તવ્યનું પાલન કરે અને કરાવે. મા બધાને પ્રેમરૂપી પાણી સિંચીને પાળે-પોષે અને લાગણીથી ભેળા રાખે છે. માની લાગણીને લીધે ગાફલાઈ આવે ત્યારે પિતાજીની કડકાઈ જોઈએ. પિતાજીનું પ્રેશર વધી જાય ત્યારે માતાનો પ્રેમ પણ જોઈએ.
કરમશીભાઈ ! અમારા સુખનું કારણ હું નથી. મારે પણ પહેલાં બહુ જ ભૂલો થાતી હતી. હું તમારા કરતાંય વધુ ક્રોધ કરતો. આખું ઘર ફફડયા જ કરતું હતું, પણ પૂ.ગુરુજીએ કૃપા કરી માથે મોટા ભક્તો રાખવાની ટકોર કરી. એને લઈને આ બધું સરખું થયું છે. હું પણ પહેલાં એમ જ માનતો કે આ બધા કાંઈ માનતા અને સમજતા નથી, એટલે મારે ગુસ્સો કરવો પડે છે; પણ પૂ.ગુરુજીની કથા સાંભળતાં અને મોટાને રિપોર્ટ આપતાં મને મારી ભૂલ પકડાણી. પછી ઘરમાં કેળવણીનું પ્રેશર અને પ્રેમ-લાગણીનું પ્રોત્સાહન; એ બંનેનું બેલેન્સ કર્યું એટલે બધું સરખું ચાલે છે.
આપણી ભારતીય પરંપરામાં એટલે જ સંયુક્ત પરિવારની બહુ ગરિમા ગવાય છે. ત્રણેય પેઢીના સભ્યો સંપીને ભેળા રહેતા હોય તો પરિવારના મુખિયાને પણ જવાબદારીના દબાણમાં કે સફળતાના છકમાં કાંઈ ભૂલ થાય તો બા-દાદા પ્રેમથી વાત કરી બચાવી લે. પરિવારના સભ્યોને પણ મુખ્ય જવાબદારની કેવી પરિસ્થિતિ હોય તે પ્રેમથી સમજાવી તેનો સ્વીકાર કરાવતા રહે. આમ અનુભવી વડીલોના પ્રતાપે બધું સરખું ચાલે.