સુખી થવાનું સાચું સ્ટેન્ડ શું ?

સુખી થવાનું સાચું સ્ટેન્ડ શું ?

સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સંત શ્રીગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે - જીવપ્રાણીમાત્ર કોઈ ને કોઈ આધાર વડે સુખી રહે છે. કોઈ માન-મોટાઈના આધારે સુખી અને કોઈ સારા ખાન-પાનને કારણે સુખી રહે છે.

જે ભગવાનના ખરેખરા ભક્ત છે તેને તો ભગવાન જ સાચો આધાર મનાય છે; એટલે સાચા સંતો-ભક્તો શ્રીહરિના આધારે જ સુખી રહે છે.

વહાલા ભક્તો ! આપણું કેમ છે ? આપણે પહેલા કયા આધારે સુખી રહેતા ? હાલ કયા કારણે આપણને સુખી માનીએ છીએ ? આ જગતમાં ઘણા માણસો ધન વડે તે સુખી હોય એવું ફીલ કરે છે. ઘણા ઘરનું ઘર, ઘરનું માણસ અને બાલ બચ્ચાને કારણે તેને સુખી સમજે છે. અમુક લોકો તેમની પાસે કાંઈક સત્તા, પોસ્ટ કે પ્રસિદ્ધિ હોય તો સુખી રહેવાય એવું માને છે. આમાં પરમ સત્ય શું ?

Every living being needs a stand which produces happiness or proud for it.

હા, જીવનમાં એવું કાંઈક જરૂરી છે, જેને કારણે આપણે અંતરથી ગૌરવ અનુભવી શકીએ. પોતાને ભાગ્યશાળી કે પરમ સુખી માની કેફમાં રહી શકીએ; પરંતુ એવું એ કયું સ્ટેન્ડ છે કે જેના આધારે કાયમી કેફમાં રહી શકાય, સદા સુખી થઈ શકાય ?

જો ધન એવું માધ્યમ હોય તો જેની જેની પાસે ધન હોય તે બધા સુખી હોવા જોઈએ, પણ એવું છે નહીં. કારણ કે, ધન તો બિલાડીના ટોપ જેવી એવી તુચ્છ વસ્તુ છે કે તે ક્યારે નાશ થઈ જાય તેનું કાંઈ જ નક્કી નથી. હોય ત્યાં સુધી પણ તે ધન ફક્ત તન-મનને જ રંજન કરી શકે એવી તુચ્છ સામગ્રીઓ આપી શકે છે. આત્માને આનંદ આપવાની યોગ્યતા ધનમાં છે જ નહીં. દેહાભિમાનને કારણે જે કોઈ જીવ ધન વડે તેને સુખી સમજવા લાગે તો તે ધન તેની વાસના વધારે છે. વિષય, વ્યસન અને ફેલફતૂરમાંં ફસાવે છે. દુર્યોધનની જેમ અહં - મમત્વ અને અભિમાન વધારી છેવટે અધોગતિ જ કરાવે છે. માટે આવા ધનને આધારે કોઈ કાયમી સુખી કેવી રીતે થઈ શકે ?

માન-મોટાઈ અને પ્રસિદ્ધિ પણ જીવને પાગલ બનાવી દે છે. જો ધન, સંપત્તિ અને પ્રસિદ્ધિમાં સુખ-શાંતિ હોય તો કોઈ સેલિબ્રિટી સ્યુસાઇડ શું કામ કરે ? તેમના જીવનમાં ટેન્શન કે ડિપ્રેશન ક્યાંથી હોય ? માટે માન-મોટાઈમાં સુખ સમજવું તે બહુ મોટી ભૂલ છે.

વિશ્વફેમસ ગાયિકા લતા મંગેશકરજીને કોઈએ પૂછ્યું, “આપ દુસરે જન્મ મેં લતા મંગેશકર બનના ચાહોગી ?” “કભી નહીં.” આમ તેમણે ચોખ્ખી ના પાડી. એનો અર્થ એ કે, પૈસો અને પ્રસિદ્ધિ માણસને અંતરથી સુખી અને સંતોષી બનાવી શકતાં નથી.

થોડાં વર્ષો પહેલાં હિન્દી ફિલ્મના યુવા હીરો સુશાંત સિંહે આપઘાત કરી લીધો. આજે વિશ્વમાં એવા કરોડો લોકો છે કે, જેમની પાસે ધન-સંપત્તિ કે કીર્તિ-પ્રસિદ્ધિ જરૂર કરતાં વધુ હોવા છતાં તે અંતરથી નાખુશ છે. તેમના જીવનમાં કજિયા, કંકાસ અને અશાંતિનો પાર નથી. આનો અર્થ એ કે માનવજીવનમાં ધન, માન, ખાન-પાન વગેરે ભૌતિક સ્ટેન્ડથી જ જીવ કાયમી સુખી કદી ન જ બની શકે; જ્યારે એનાથી ઊલટું એ પણ જોવા મળે છે કે ધન-માન-ગાડી-બંગલા વગેરે સુવિધા ઓછી હોવા છતાં ઘણા ભક્તો વધુ સુખી જીવન જીવતા હોય છે.

જૂનાગઢના નવાબ કરતાં નરસિંહ મહેતા અંતરથી ઘણા વધુ સુખી રહેતા હતા. વડોદરાના સયાજીરાવ સરકારની અપેક્ષાએ ગઢડાના દાદા ખાચર સર્વ રીતે ઘણા વધુ આનંદમાં જીવન જીવતા હતા. વિશ્વના સર્વશ્રેષ્ઠ ધનવાન બની ચૂકેલ બિલ ગેટ્સ અને એલોન મસ્કની અપેક્ષાએ આણંદદાદા કુંડળધામમાં સમર્પિત થઈને અનંત ગણો વધુ આનંદ માણતા હતા. એથી વિશેષ વિચારીએ તો જગતના જીવો મર્યા પછી જમપુરી અને લખચોરાશીની ભયંકર પીડા પામે છે; જ્યારે ભગવાનના ભક્તો દેહ છોડયા પછી દિવ્ય દેહ ધારીને ભગવાનના ધામમાં શ્રીહરિ જેવા શાશ્વત સુખી બની જાય છે. માટે એ વાત સિદ્ધ થાય છે કે સદા સુખી રહેવાનું સાચું સ્ટેન્ડ તો શ્રીહરિ અને સત્પુરુષની પ્રાપ્તિનો કેફ જ છે.

કોઈ એવો કેફ રાખે કે હું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું. વળી તે પ્રભુના પ્યારા સદગુરુનો  શિષ્ય છું. મને આવા મોટા મહારાજ અને મોટા પુરુષ મળ્યા છે એટલે હું ધન્ય ધન્ય થઈ ગયો છું; આવો કેફ સર્વ રીતે સુખદાયી અને પરમ કલ્યાણકારી છે. કેમ જે, તેના કેન્દ્રમાં ભગવાન અને સત્પુરુષ છે. તેના યોગે જીવની ઊર્ધ્વગતિ થાય છે. અજ્ઞાન-આસક્તિ ટળે છે અને આત્યંતિક મોક્ષ મળે છે.

વચનામૃત પ્રથમના ૭૮માં આપણા ઇષ્ટદેવે આ બાબતને આમ સમજાવી છે — “જે ભક્ત એમ સમજે જે, ‘આ ભગવાન ને સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે. તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે, અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે.’ એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે.”

વહાલા ભક્તો ! માનવજીવનમાં સારી રીતે જીવવા માટે અમુક ચીજવસ્તુ અને સમાજમાં ગૌરવ જરૂરી છે, પણ એનું બંધન અને અભિમાન હાનિકારક છે; જ્યારે ભગવાન શ્રીહરિ તથા સંતપુરુષનો આશરો, કેફ અને રાજીપો આત્માને આ લોક તથા પરલોકમાં અવિનાશી આનંદ આપે છે. માટે આપણે એ આધારે જ આનંદમાં રહેવું જોઈએ.