સાચી સ્વતંત્રતા...

વેદ વેદાંતનું પરમ સારરૂપ જ્ઞાન એ છે કે, જીવ ક્યારેય સ્વતંત્ર નથી. તે પરમાત્માની વસ્તુ છે. જીવ ગમે તેટલો સમર્થ થાય છતાં તે પરમેશ્વરની માલિકીની બહાર કયારેય જઈ શકતો નથી. માટે આત્માના અસ્તિત્વની સાથે દાસપણું વણાઈ ગયું છે.

दासभूता: स्वत: सर्वे ह्यात्मान: परमात्मन: ।
नान्यथा लक्षणं तेषां बन्धे मोक्षे तथैव च ।।

સર્વે આત્માઓ સ્વરૂપથી જ પરમાત્માના દાસભૂત તત્ત્વ છે. દાસભૂત એટલે કે, આધીન, અસમર્થ અને વ્યાપ્ય એવા શરીરરૂપ તત્ત્વ. જીવાત્માઓ બદ્ધ અવસ્થામાં હોય કે મોક્ષ અવસ્થામાં મુક્ત હોય. પરંતુ પરમાત્માના તો દાસ જ રહે છે. એ સિવાય બીજું લક્ષણ તેનું સંભવતું જ નથી. આ આપણી પરમ વાસ્તવિકતા છે. આ ઉપરાંત, માયા પણ પરમાત્માની માલિકીનું જ તત્ત્વ છે. ટૂંકમાં, સમજાય તેમ વાત કરીયે તો કહી શકાય કે, આપણે કે આપણી આસપાસ જે કાંઈ દેખાય છે કે નથી દેખાતું, તે બધું જ ભગવાનને આધીન છે.

अरु भगवान स्वतंत्र रहेऊ, आत्मा अरु अक्षर जो तेऊ ।
भगवान के रहे आधीना, परतंत्र रहेउ होय दीना ।।

ह.च.सा.२१/६५/१९

શ્રીહરિચરિત્રામૃતસાગરમાં મહારાજ કહે છે કે, જીવથી લઈને અક્ષર સુધીના તમામ એક ભગવાનને આધીન છે. ભગવાન પાસે સાવ દીન અને પરતંત્ર છે અને ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે. આ આપણી વાસ્તવિકતા છે. માટે આપણે જેટલા દાસ રહી શકીએ, તેટલા સ્વતંત્ર છીએ. આ વાત સ્વીકારવી ઘણી કઠણ પડે. કેમ કે, અત્યાર સુધી આપણે એવું સમજતા આવ્યા છીએ કે, ‘સ્વતંત્ર રહેવું એ આઝાદી છે’ તેમાં આપણે છૂટથી બધું જ આપણું મનગમતું કરી શકીએ છીએ. અને કોઈના ગોલા થવામાં તો બંધન છે. તેમાં તો મનધાર્યું કાંઈ ન થાય. પરંતુ, આ અવળું ચડેલ જ્ઞાન છે. ચાલો આ વાતને ગુરુજીના મુખે સાંભળીએ.

ખરેખર જો આપણે આપણી જાતને સ્વતંત્ર સમજીને માયા ભોગવવા લાગીએ તો જરૂર તેમાં બંધાઈ જઈએ. તેથી જ તો આપણા ગુરુજીએ કહ્યું છે કે, “દાસપણું એ જ મુક્તિ છે અને સ્વતંત્ર થવું એ બંધન છે” આ જ પરમ સત્ય છે.

મનમુખી થઈને આઝાદીથી જીવન જીવવા જઈશું, તો જરૂર અંદર રહેલા સ્વભાવ, કુટેવ, વાસના અને અંત:કરણના દોષોની ગુલામી ભોગવવી પડશે. માટે આપણે સાચા અર્થમાં શ્રીહરિ તથા સંતો-ભક્તોને મન કર્મ વચને સોંપાઈને ગોલા થઈને પડયા રહીશું, તો આ માયાની ગુલામી કરવી નહિ પડે.

આ બાબતને પ્રભુએ જ વચનામૃતમાં બતાવી છે. “જેને આવી સમજણ તો આવી શકે નહિ, ને જો તે સંતના સમાગમમાં પડયો રહે ને તે સંત નિત્ય પાંચ ખાસડાં મારે તોપણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહિ; જમે અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહિ; તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે, તેવી જ જે સંતસમાગમમાં પડયો રહે છે તેને પણ થાય છે.” (વચ.સા.૧૦)

પણ જો આવું દાસપણું ન રહે તો અહંકાર આવે અને અંહકારના મદમાં કોઈનો દ્રોહ પણ થઈ જાય આવા દ્રોહનું ફળ શું આવે તે એક વિડીયો કલ્પિ દ્વારા જાણીએ.

સ્વતંત્ર થવામાં આવા દુ:ખ છે. એટલે જ સદ્. શ્રીઆધારાનંદ સ્વામીએ સાગરમાં કહ્યું છે,

भगवान कोप करत जेहि वारी,
स्वतंत्र ताकु करत तेहि वारी ।
भगवान बि न ओर चाय जेसा,
स्वतंत्र तेहि अति होवे तेसा ।।

ह.च.सा. २०/५९/१७

જેના પર ભગવાન કોપ કરે તેને તેઓ સ્વતંત્રતા આપે છે. એથી ઉલ્ટુ જેના પર રાજી થાય તેની સ્વતંત્રતા લઈ લે છે કેમકે, ભગવાનને આપણી વાસ્તવિકતાની ખબર છે. જીવને કેમ સુખ થાય અને કેમ દુ:ખ થાય તે સારી રીતે જાણે છે. એટલે જ તે પોતાના વહાલા ભક્તને પોતાને આધીન રાખે છે. કેમ જે આધીનપણું એ જ આપણો મૂળ ધર્મ છે.

स्वधर्मे निधनं श्रेय : परधर्मो भयावह ।

પરંતુ આપણો આત્મા આ ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણને આધીન બની ગયો છે. શરીરને ‘હું’ ને શરીરના સંબંધીને ‘મારા’ માનનારો આ જીવ દેહાદિકને આધીન થઈને ભ્રમમાં જીવી રહ્યો છે. ન જાને કેટલા જન્મે, કેટલા યુગે આ જીવ સ્વતંત્ર થશે ! બસ, એક વાર માયામાંથી છૂટા પડી આપણે આપણા રૂપે થઈ જઈએ, પછી તો પ્રાણપ્રીતમ પરમાત્માને આપણા સ્વરૂપમાં ધારણ કરીને એનો દિવ્યાનંદ માણવા મંડીએ.

વહાલા ભક્તો ! પહેલા તો આ દેહરૂપી જેલમાંથી બહાર નીકળી બ્રહ્મરૂપ થવાની જરૂર છે. કેમ જે, પછી જ આત્મા પરમાત્માની સેવા કરી શકશે. દેહરૂપી ગંધારા કાદવમાં પડયાં પડયાં ભગવાનની સેવા ન થાય. આત્મભાવમાં, બ્રહ્મભાવમાં ધામી એવા પુરુષોત્તમનારાયણનો આનંદ લૂંટી શકાય છે. દેહની પરાધીનતામાંથી મુક્ત થઈ, બ્રહ્મરૂપ બની પુરુષોત્તમનારાયણના દાસ થાવું; એ આપણી વાસ્તવિકતા છે.

ભારતીય ઋષિમુનિઓએ, આપણાં વેદો-શાસ્ત્રોએ આપણને ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ પમાડે એવી સંસ્કૃતિ આપી છે, અદ્ભુત જ્ઞાનપરંપરા આપી છે; એનું ગૌરવ લઈને આપણું જીવન ભગવાનને ગમે એવું બનાવીએ. આપણે આ લોક અને પરલોકમાં સુખી થઈએ તે માટે મહારાજે નિયમો બનાવ્યા છે, આજ્ઞાઓ કરી છે. માટે ભક્ત તરીકે આપણી પવિત્ર ફરજ એ છે કે, શ્રીજીમહારાજની આજ્ઞા શિર સાટે મક્કમ ઠેરાવ કરીને પાળીએ...