સવળું લેવાનો લાભ..

સવળું લેવાનો લાભ..

આપણે અનેક વાર સાંભળ્યું છે કે મીરાંબાઈ, નરસિંહ મહેતા વગેરેને ભગવાન વશ હતા. તેઓ જ્યારે પ્રભુને યાદ કરે ત્યારે સ્વયં શ્રીહરિ તેમની આગળ હાજર થઈ જતા અને તેમને આનંદથી ભરી દેતા. અરે ! ગોપીઓને તો સર્વત્ર કાનાનાં જ દર્શન થતાં હતાં. આવી ઉચ્ચતમ સ્થિતિ પામવા માટે તેમણે જગંલમાં જઈને એકાંતમાં સાધના નહોતી કરી. બધાની વચ્ચે રહીને જ તેઓએ ભગવાનની આવી કૃપા પ્રાપ્ત કરી હતી. તેઓને પ્રાપ્ત થયેલ આ કૃપાનું રહસ્ય જાણવા જેવું છે. તેમણે એવું તે શું કર્યું હતું કે તેઓ ભગવાનને આવા વહાલા લાગ્યા અને ભગવાને તેમને પોતાનું દાન આપી દીધું ?

તો આ બધા જ ભગવદ્ભક્તો એ પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓથી ભાંગી કે ભાગી જવાને બદલે તે દુ:ખને પ્રભુનો પ્રસાદ સમજીને હસતા મોઢે સહન કરી લીધું હતું. તેમના પર આવેલા દરેક સંકટમાં તેઓએ ફરિયાદ કરવાને બદલે સવળી સમજણ રાખી સહન કરી લીધું હતું. તેમણે પોતાના મનને મારીને અહંથી ઉપર ઊઠીને ભગવાનની મરજીમાં ભળવાનો જ પ્રયાસ કર્યો; આવી તેમની પરાભક્તિને કારણે ભગવાન તેમના પર રાજી થયા અને તેમને વશ થઈ ગયા.

આવી ઉચ્ચતમ પ્રાપ્તિ આપતાં પહેલાં ભગવાન આપણી કસોટી કરે છે. આ કસોટીના ભાગરૂપે ભગવાન આપણને કોઈને કોઈ પ્રકારે કસણીમાં લેતા હોય છે, અને આપણા અંતરમાં રહીને તે આપણી ધીરજ જુએ છે. મહારાજે વચ.ગ.પ્ર.૬૧માં બળિરાજાના નિમિત્તે વાત કરી છે કે, “એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય, તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે.

જમે વામનજીએ બળિરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ચૌદ લોકનાં બે પગલાં કર્યાં અને ત્રીજા પગલા સારું તે બળિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો, તોપણ ભક્તિ થકી પડ્યો નહિ; ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળિ ના બંધનમાં આવતા હવા. અને ભગવાને તો બળિરાજાને ક્ષણમાત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળિને દરવાજે ઊભા છે અને બળિરાજાની દૃષ્ટિ થકી પળમાત્ર પણ ભગવાન છેટે થતા નથી.”

बलि ताकू तावे बहु रीता, तोउ वामन की अरुचि न करीता।
ज्युं ज्युं तावे त्युं  गन हि लीनाु , आपमें अवगुन बहुत चीना ।।
बलि जब पेले वामन ताके, बंधन में तेहि आये वाके ।
पीछे तब हि वामन भगवाना, बलि के बंधन में सुजाना ।।

આમ પ્રભુએ આવી આકરી પરીક્ષા લીધી છતાં પણ બળિરાજાએ સદાય સવળું જ લીધું તો ભગવાન તેની આવી સમજણ જોઈને વશ થઈ ગયા. જો આપણે પણ ભગવાનનો આવો રાજીપો મેળવવો હોય તો સમજણની દૃઢતા કરવી જોઈશે.

વળી, મહારાજે વચ.ગ.અં.૧૧માં આવો જ એક સીતાજીનો પ્રસંગ યાદ કર્યો છે કે, “જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો, ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યાં જે, ‘હું મારા દુ:ખ સારુ નથી રોતી, હું તો રામચદ્રંજીના દુ:ખ સારુ રોઉં છું. શા માટે જે, રઘુનાથજી અતિ કૃપાળુ છે, તે લોકાપવાદ સારુ મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે જે, ‘સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે.’ એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુ:ખ પામતા હશે. માટે રામચંદ્રજીને કહેજ્યો જે, ‘સીતાને તો કાંઈ દુ:ખ નથી ને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે. માટે તમે સીતાને દુ:ખે કરીને કાંઈ દુ:ખ પામશો મા.’ એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં.”

આવી સીતાજીની અદ્ભુત સમજણ જોઈ મહારાજ ખૂબ રાજી થયા અને આપણને પણ આવી સમજણ શીખવાની ભલામણ કરી છે.

વહાલા ભક્તો ! આપણી સાથે રહેલા પૂ.ભજનપ્રકાશ​ સ્વામીને પણ મહારાજે રાજી થઈને કાયમ માટે પોતાની સાથે રાખ્યા તેનું રહસ્ય પણ આ જ છે. તેઓ હંમેશા વગર વાંકે આવી પડેલી કસોટીને પણ પ્રેમથી સ્વીકારી સવળું જ લેતા.

એકવાર ભજનસ્વામી પૂ.ગુરુજીની સેવામાં હતા. તેમણે પૂ.ગુરુજીના લાલજી-ટપુ મહારાજને જળપાન કરાવી વ્યવસ્થિત પોઢાડ્યા. પૂ.ગુરુજી સવારે ઠાકોરજીને જગાડવા ગયા ત્યારે લાલજીને ઓઢાડેલ વસ્ત્ર તથા ઓશિકું ખસી ગયેલ હતું. પૂ.ગુરુજી પોતાના ઠકોરજીની સેવામાં બેદરકારી થયેલી જોઈને પૂ.ભજનપ્રકાશ સ્વામી ઉપર ખૂબ નારાજ થયા અને વઢ્યા, “ઠાકોરજીની સેવામાં આવા ધાંધિયા, ઠાકોરજીને રૂમાલ કેમ ન ઓઢાડયો ? તમે ગોદડા ઓઢીને સૂઈ જાઓ છો અને ઠાકોરજીને એમ ને એમ સુવાડવાના ? તમે બીજી સેવામાં બહુ તત્પર રહો છો તો ઠાકોરજીની સેવામાં કેમ તત્પર નહીં ? તેમાં પ્રગટભાવ કેમ નહીં ? તે સાક્ષાત્ ભગવાન છે. ભગવાનની મૂર્તિને સાક્ષાત્ માની સેવા કરવી જોઈએ.”

આવો પોતાના ગુરુનો હ્રદયવેધક ઠપકો સાંભળી પૂ.ભજનસ્વામી એવા પસ્તાયા કે કલાકો સુધી રોયા. પછી પૂ.ગુરુજી જ્યારે મળ્યા ત્યારે બહુ દીનભાવે માફી માંગી અને કહ્યું કે, “હવે હું શ્રીહરિની મૂર્તિને વિષે સાક્ષાત્ પ્રગટભાવ રાખી સેવામાં જરા પણ ગાફલાઈ રાખીશ નહીં.”

હકીકત તો એ હતી કે આ પ્રસંગમાં પૂ.ભજનપ્રકાશ સ્વામીની કાંઈ ભૂલ જ ન હતી. કોઈ સંત રાત્રે ત્યાંથી પસાર થતા તેમનો પગ જેના ઉપર ઠાકોરજી પોઢાડ્યા હતા તે બોક્સને અડી ગયેલો. તેથી ઓઢાડેલ વસ્ત્ર તથા ઓશિકું  ખસી ગયું હતું. જ્યારે પૂ.ભજનપ્રકાશ સ્વામીને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તે સંતને એકાંતમાં બોલાવી પોતાના સમ દીધા કે, “જો હવે તમે આ વાત કોઈને કહો તો તમને મારા સમ છે. તમે આ વાતને સાવ ભૂલી જાવ. કેમ જે, મહારાજે આ પ્રસંગથી મારું સારું જ કર્યું છે.”

વહાલા ભક્તો ! પ્રભુને પ્રસન્ન કરવા માટે આવું સવળું લેવાની જમેને હોંશ હોય તેને મહારાજ કેમ વશ ન થાય ? જો આપણે પણ ભગવાનને રાજી કરવા હોય તો આ રીતે સવળું જ લેવાની સમજણ શીખવા સો ટકા તૈયારી રાખવી જોઈશે. ભગવાન પોતાના ભક્તને ખૂબ જ કસોટી લીધા પછી મળે છે. અને એ કસોટીમાં પાસ થવાની પાત્રતા એટલે આપણું અહમ્ મકૂવાની સંપૂર્ણ તૈયારી. ગમે તેવી પરિ​​સ્થિિતમાં વાંક હોય કે ન હોય પણ પોતાનો જ વાંક લઈને સવળું લેવાની ક્ષમતા એ પ્રભુને પામવાની સાચી પાત્રતા છે. હે પ્રભુ ! મને એવો પાત્ર બનાવવા આપ કૃપા કરશોજી...