સર્વ શ્રેષ્ઠ સિદ્ધિ કઈ ?

સર્વ શ્રેષ્ઠ સિદ્ધિ કઈ ?
March 1, 2024

આપણે સહુ શ્રીહરિના આશ્રિત સંતો-ભક્તો છીએ. શિક્ષાપત્રીનું પાલન કરીએ છીએ. કથા-કીર્તન, ધૂન-ભજન અને સેવા વગેરે સાધનો કરતા રહીએ છીએ. આ લોકમાં કરવાં ઘટતાં આપણાં કર્તવ્યો-ફરજો બજાવીએ છીએ; પણ આ બધાના ફળસ્વરૂપે શું મળે તો આપણે સર્વ શ્રેષ્ઠ સફળ થયા ગણાઈએ ?

મેળવવા યોગ્ય મુખ્ય બે બાબતો છે : (૧) સર્વદાતા શ્રીહરિ પ્રભુ પોતે. (૨) શ્રીહરિ સિવાયનું સ્ત્રી, પુત્ર, ધન-ધામ, ખાન-પાન, માન-આબરૂ વગેરે અન્ય સર્વે.

આપણે હાલમાં જેને મેળવવા માટે ઝંખીએ છીએ, જે મળે તો સર્વાધિક ખુશ થઈએ અને ન મળે ત્યાં સુધી ઉદાસ રહીએ કે અપૂર્ણતા માનીએ તે આપણું મુખ્ય લક્ષ્ય છે.

જો શ્રીહરિ સિવાયનું કાંઈ પણ મેળવીને ખુશ ખુશ થઈ જઈશું તો તેમાં બે પ્રોબ્લેમ આવવાના છે : (૧) જે મેળવ્યું તે નાશ થશે ત્યારે અતિ દુ:ખી થઈ જઈશું. (૨) જે મેળવ્યું તેના કરતાં પણ વધુ સારું બીજું કંઈ જોઈશું ત્યારે જીવ બળ્યા કરશે કાં અપૂર્ણતા પીડ્યા કરશે.

હવે એ પ્રશ્ન થયો કે, જે શાશ્વત હોય અને વળી સર્વ શ્રેષ્ઠ પણ હોય એવું શું છે ? તો તેનો સાચો જવાબ છે - પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીહરિ.

ઉપનિષદોમાં કહ્યું છે કે...

एकमेवाद्वितीयं ब्रह्म।
પરબ્રહ્મ પરમાત્મા એક જ અને અજોડ છે.

न तत्समश्चाभ्यधिकश्च दृश्यते।
તેની સમાન કોઈ છે જ નહિ તો અધિક તો હોય જ ક્યાંથી !!

रसौ वै स:। रसं ह्येवायं लब्ध्वा आनन्दी भवति।
તે પુરુષોત્તમનારાયણ દિવ્ય આનંદનો મહાસાગર છે. તે સુખસ્વરૂપ શ્રીહરિને પામીને આત્મા તેના જેવો આનંદી બની જાય છે.

સર્વોપરી શ્રીહરિ પાસેથી આપણે બીજું કાંઈ પણ મેળવીને ખુશ થઈ રહ્યા છીએ ત્યાં સુધી સંપૂર્ણપણે છેતરાઈ રહ્યા છીએ. આપણે ખુદ બીજું મેળવવા ઈચ્છીએ છીએ અથવા મળે તો તેને બહુ મોટી કૃપા માનીએ છીએ એટલે પ્રભુ તેમના સિવાયનું આપીને આપણા સાધનોનું વળતર ચૂકવી દે છે. આમ, અનંત જન્મોથી પુરુષોત્તમને પામ્યા વિનાના ભટકી રહ્યા છીએ. વારંવાર સુખી-દુ:ખી, ખુશ-નાખુશ થયા કરીએ છીએ.

હવે આપણે આ જન્મે પ્રભુને જ પામવું હોય તો શું ઉપાય ?

ઉપનિષદમાં તેનો સચોટ ઉપાય દર્શાવ્યો છે..

यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष
आत्मा विवृणुते तनूं स्वाम् ।

પરબ્રહ્મ પરમાત્મા પોતે જેને વશ થાય તે ભક્ત તેને પામી શકે છે. કારણ કે, પ્રભુ જેને પસંદ કરે તેને તે પોતે પોતાનું સ્વરૂપ અર્પી દે છે.

સર્વોપરી શ્રીહરિ કોને વશ થાય છે ? આ પ્રશ્નનો જવાબ તેમણે પોતે મધ્ય પ્રકરણના ૫૪મા વચનામૃતમાં આપ્યો છે - ભગવાનના સંત-ભક્તને વિશે આત્મબુદ્ધિરૂપી સાચો સત્સંગ કરવાથી ભગવાન વશ થાય છે.

સાચા સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય એટલે તેમનો કદી અભાવ ન જ આવે. તેમનો પ્રસંગ અને સેવા અત્યંત ગમે. તેના ફળસ્વરૂપે પ્રભુમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે. એ પરાભક્તિને કારણે પરબ્રહ્મ પોતે ભક્તને વશ થઈ જાય છે.

શ્રીમદ્ ભાગવતજીમાં ભગવાને કહ્યું છે,

मयि निर्बद्धहृदया: साधव: समदर्शना:।
वशे कुर्वन्ति मां भक्त्या सत्स्त्रिय: सत्पतिं यथा ।।

।।९/४/६६।।

જેમને મારામાં જ પ્રેમ છે. જે મારા સિવાયનું સારું કે મોળું બધું એકસરખું તુચ્છ જાણે છે; એવા સંતો મને ભક્તિએ કરીને વશ કરી લે છે. જેમ સતી નારી તેના સદાચારી પતિને પતિવ્રતાની ટેકને કારણે વશ કરે છે; તેમ તે સાધુઓ અનન્ય ભક્તિથી મને વશ કરે છે.

જેને ભગવાન વશ થાય તે ભક્તના ગુણો પણ પ્રભુએ પોતે આ રીતે દર્શાવ્યા છે -

निरपेक्षं मुनिं शान्तं निर्वैरं समदर्शनम् ।
अनुव्रजाम्यहं नित्यं पूयेतेत्यङ्घ्रिरेणुभि: ।।

।।११/१४/१६।।

જે પ્રેમી ભક્તને મારી પાસેથી કાંઈ જ અપેક્ષા ન હોય, એટલે એક મારા જ મનન-ચિંતન પરાયણ રહેતા હોય, જેનાં ઈન્દ્રિયો-અંત:કરણ સદા શાંત રહેતાં હોય, તેનું ભૂંડું કરનારની સાથે પણ જે વૈરબુદ્ધિ ન કરતા હોય, સહુમાં એક મારાં જ દર્શન કરતા હોય; એવા મારા ભક્તને વશ થઈને હું તેની પાછળ-પાછળ ફર્યા કરું છું. એટલું જ નહિ, પણ તેની ચરણરજ મારા ઉપર પડે તો હું પાવન થઈ જાવ એવો મને તેના ઉપર ભાવ રહ્યા કરે છે.

જો આપણે આવા સંત-ભક્ત બનીએ તો આપણા ઈષ્ટદેવ શ્રીહરિ આપણને વશ થઈ જાય. જેમ દાદાખાચર અને તેમના બહેનોને ભગવાન શ્રીહરિ અતિ વહાલા હતા. તેઓ શ્રીહરિ તથા સંતો-ભક્તો માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેતાં અને તેના બદલામાં એક રાજીપા સિવાય બીજી કોઈ જ અપેક્ષા રાખતાં ન હતાં. તેમનું જીવનભર ભૂંડું કરનાર વિરોધી સાથે તેઓ ક્યારેય વેર રાખતાં ન હતાં. તેમાં પણ શ્રીહરિને જ કર્તા-હર્તાપણે માનતાં હતાં, તો શ્રીસ્વામિનારાયણ ભગવાન તેમને જીવનભર વશ થઈને રહ્યા.

જેમ અંબરીષ રાજાનો ભયંકર દ્રોહ કરનાર દુર્વાસા ઋષિ જ્યારે ભગવાનને શરણે ગયા, ત્યારે પ્રભુએ તેને કહ્યું,

अहं भक्तपराधीनो ह्यस्वतंत्र इव द्विज।
साधुभिर्ग्रस्तहृदयो भक्तैर्भक्तजनप्रिय:।।

હે દુર્વાસા ! હું તો મારા ભક્તને સર્વ પ્રકારે આધીન છું. હું સ્વતંત્ર હોવા છતાં જાણે પરતંત્ર હોઉં એમ મારા ભક્ત પાસે વર્તુ છું. કારણ કે, મારા પ્રાણ પ્યારા તે સંત-ભક્ત દ્વારા મારું હૃદય વશ થઈ ગયું છે.

જે કોઈ આવા ગુણે યુક્ત ભક્ત બને છે તેને ભગવાન વશ થાય છે. પછી પ્રભુ તે ભક્તમાં અને ભક્ત ભગવાનમાં મશગૂલ રહે છે. તે ભક્ત ભગવાન પાસેથી કાંઈ જ ન ઈચ્છતો હોવા છતાં ભગવાન તેને પોતાનું સર્વે સુખ સામેથી અર્પણ કરે છે.

આમ, સર્વોપરી શ્રીહરિ સદાને માટે મળી જાય એ જ સર્વોત્તમ સિદ્ધિ કે સફળતા છે. હે પ્રભુ ! મને આપના અતિ વહાલા સંતો-ભક્તોમાં આત્મબુદ્ધિ આપજો. તેમનો સંગ અને મમત્વ સદા આપજો. આપના સ્વરૂપમાં પરમ નિષ્કામ પરાભક્તિ પ્રાપ્ત થાય તેવી મારા ઉપર કૃપા કરજો...