સરળતાની ગરિમા

સરળતાની ગરિમા

એક નિયમ છે - જેટલા વધુ હળવા રહી શકાય તેટલા ઊંચે જઈ શકાય. આપણને સહુ ને ભારે થવું ગમે છે, મોટા રહેવું ગમે છે; પણ એ તો પડતીનું જ કારણ છે. માટે જો અતિશય ઉન્નતિ પ્રાપ્ત કરવી હોય તો અત્યંત નમ્ર, સરળ બનવું અતિ આવશ્યક છે.

સ્વામિનારાયણ ભગવાને આ બાબતે એક સિદ્ધાંત સ્થાપ્યો છે -

महतीं पदवीं प्राप्ता: पूर्वं ये साधवो जना: ।
मानत्यागेनैव ते च विनयेन महात्मसु ।।

પૂર્વે જે જે સંતો ઉચ્ચતમ આધ્યાત્મિક સ્થિતિને પામ્યા છે તે સર્વે, મોટા પુરુષ પાસે માનનો ત્યાગ કરી અતિ નમ્ર તથા સરળ વર્તવાથી જ પામ્યા છે. હવે આપણે આપણું ચકાસી લઈએ;

  • આપણને માન છોડવું ગમે છે કે છોડવું પડે છે ?
  • મોટા પાસે અતિ નમ્ર તથા સરળ રહેવું ગમે છે કે રહેવું પડે છે ?
  • વચ.પ્ર.૨૮ મુજબ આપણે સત્સંગમાં વધવાના માર્ગે છીએ કે ઘટવાના ?

આપણે જો પુરુષોત્તમના પ્રાણપ્યારા મહામુક્ત બનવું હોય તો અતિ નમ્રતા-સરળતા કેળવવી જરૂરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમાં સૌથી વધુ સામર્થી હતી તેવા ગોપાળાનંદ સ્વામી કેમ રહેતા ? તેનો આધારાનંદ સ્વામીએ આ રીતે પુરાવો આપ્યો છે-

सरल रखे स्वभाव अति, रेसम कि फेल ताय ।
संत कि सेवा करत रहे, भाव सहित हरखाय ।।

બંને આચાર્યોનાં કાંડાં જેના હાથમાં સોંપ્યાં હતાં તથા સંપ્રદાયના તમામ સંતો ભક્તોને જેની આજ્ઞામાં રહેવાનું કહ્યું હતું એવા મોટા એ સંત રેશમના ગુચ્છ જેટલો અતિ સરળ સ્વભાવ રાખતા હતા. અતિ ભાવ સહિત હરખાતે હૈયે સંતોની અત્યંત સેવા કરતા હતા. આનો અર્થ એ થયો કે જે અતિ સરળપણે વર્તવાનો સ્વભાવ કેળવી લે છે તેજ સૌથી મોટી પદવી પ્રાપ્ત કરે છે. જે સૌથી મોટા હોવા છતાં સૌની પાસે અતિ સરળ-દાસ થઈને રહે છે તેને ગોપાળાનંદ સ્વામીની જેમ ભગવાન વશ વર્તે છે.

  • આપણે કેવો સ્વભાવ કેળવ્યો છે ?
  • આપણે શ્રીહરિના પ્યારા સંતો-ભક્તો પાસે કેટલા નમ્ર બનીને રહીએ છીએ ?

એકવાર મુક્તાનંદ સ્વામીએ નાગડકામાં શ્રીહરિને પૂછ્યું : ‘હે મહારાજ ! આ નિત્યાનંદ સ્વામી આપને સર્વના સ્વામી, સર્વાવતારી સમજવાનું મને કહે છે તો ખરેખર સાચું શું છે ? તેઆપ જ મનેકહો.’ મહારાજ કશું જ બોલ્યા વિના પડખું ફરી ગયા. મુક્તાનંદ સ્વામીએ અતિ ગરજુ થઈ તે બાજુ જઈ ફરી પ્રાર્થના કરી. પ્રભુ ચહેરાનો ભાવ ઉદાસ કરી ફરી પાછા પડખું ફરી ગયા. મુક્તાનંદ સ્વામી અતિ દીન બની ફરી એ તરફ ગયા. પછી ગદ્‌‌‌ગદ્‌‌‌ ભાવે ત્રીજી વાર પ્રાર્થના કરી. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું : ‘સ્વામી ! નિત્યાનંદ સ્વામી સાચું કહે છે. તમે પણ અમને એવા સર્વોપરી પુરુષોત્તમ સમજો.’

વહાલા ભક્તો ! જો આપણે આટલા દીન, કંગાળ કે ગરજુ થઈને રહેવાનું થાય તો અંતરથી એમ રહી શકીએ ? અને રહેવાય તો જ આપણને પણ મુક્તાનંદ સ્વામી જેવો મહિમા પક્વ થયો ગણાય.

સંવત ૧૮૮૬ માં જેઠ મહિનાની મધ્ય રાત્રીએ મહારાજે એકલા મુક્તાનંદ સ્વામીને અક્ષરઓરડીએ બોલાવ્યા. પછી વાત કરી કે, ‘હવે તમે ગોપાળાનંદ સ્વામી કહે તેમ કરજો.’ સ્વામીએ અતિ ભાવથી હા પાડી. બીજે જ દિવસે ગોપાળાનંદ સ્વામીને સારા આસન પર બેસાડી ‘મને કહેવા યોગ્ય હોય તે પ્રેમથી કહો,’ આવું કહ્યું અને ગોપાળાનંદ સ્વામીએ જેમ કહ્યું તેમ જ પોતે કર્યું.

આમ આપણાથી નાના હોય તેની પાસે પણ નાના થઈને તેની આજ્ઞાનુસાર વર્તવાનું થાય તો કેટલું વર્તાય ? જો મુક્તાનંદ સ્વામીની જેમ અતિ સરળ બનીને વર્તી શકાય તો તેમના જેવા મહામુક્ત બની શકાય.

મુક્તાનંદ સ્વામી તથા રઘુનાથદાસ સ્વામી આ બંને રામાનંદ સ્વામીના શિષ્ય હતા. બંનેને પૂર્ણ પુરુષોત્તમ શ્રીસહજાનંદ સ્વામી સાક્ષાત્ મળ્યા હતા, પરંતુ મુક્તાનંદ સ્વામી ગુરુવચને જીવનભર મહારાજના દાસાનુદાસ થઈને રહ્યા. જ્યારે અભિમાનમાં અટંટ એવા રઘુનાથદાસે વિરોધ કર્યો, વિમુખ થયા, છેવટે ભૂંડા મોતે ગુજરી ગયા. આ બેમાંથી આપણ ને કયા માર્ગે જીવવું ગમેછે ?

દાદાખાચર તથા અલૈયાખાચર બંને પ્રગટ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. તેમાં દાદાખાચર અતિ નિર્માની પણે શ્રીહરિના દાસ સંતો અને તેના દાસ ભક્તોના પણ દાસ થઈને જીવનભર રહ્યા.

જ્યારે અલૈયા બાપુમાં સરળતા નહોતી તો દાદાખાચરનો મહિમા સંતવચને પણ ન થયો. ઊલટાનો મુક્તાનંદ સ્વામીનો અપરાધ કર્યો. અરે ! સ્વયં શ્રીહરિ સાથે પણ વાંધો પડ્યો.

માટે આપણામાં બીજા ગમે તેટલા ગુણો હોય, આકરામાં આકરાં સાધનો કરી શકતા હોઈએ, અખંડ ભગવાનનાં દર્શન થતાં હોય; તોપણ જો શ્રીહરિ તથા તેમના વહાલા સંતો-ભક્તો પાસે સરળતા ન રાખીએ તો ભયંકર વિઘ્ન થાય. એટલે આ સત્સંગમાં સરળતાની ગરિમા સર્વોપરી છે.

સ.ગુ.નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે -

સરળ વરતવે છે સારું રે મનવા...સરળ.
મન-કર્મ-વચને માનને રે મેલી,
કાઢ્ય અભિમાન બારું,

હાથ જોડી હાજી હાજી કરતાં,
કેદી ન બગડે તે તારું રે મનવા...

સૌની પાસે સરળ વર્તવું હોય તો માન મૂકવું જરૂરી છે. માન મૂકવું હોય તો જેની પાસે સરળ રહેવાનું છે તેનો મહિમા પક્વ કરવો અનિવાર્ય છે. મહિમા વધારવો હોય તો તેમના ગુણ, ઉપકાર ને પ્રેરક પ્રસંગોથી પ્રભાવિત થતાં રહેવું આવશ્યક છે. આ વખતે મહારાજે આવો દિવ્ય સત્સંગ આપ્યો છે તો આપણે એવું દિવ્ય જીવન બનાવવા કટિબદ્ધ થઈએ.

હે મહારાજ ! હે ગુરુજી ! હે સંતો-ભક્તો ! હું એવો અતિ સરળ બની શકું તેવી મારા પર જલ્દી કૃપા કરજો.