
વહાલા ભક્તો ! આ પૃથ્વી પર જન્મેલ દરેક મનુષ્ય સફળ કેમ નથી થતા ? જેટલા લોકો ધંધો કરે છે તે બધા રતન તાતા જેવા કેમ નથી બની જતા ? જેટલા નોકરી કરે છે તે બધા શ્રેષ્ઠ પ્રમોશન કેમ નથી પામી શકતા ? જેટલા રાજકારણમાં જોડાય છે તે સર્વે કેમ નરેન્દ્ર મોદીજી જેવી સફળતા નથી મેળવી શકતા ? જેટલા ક્રિકેટમાં ઝંપલાવે છે તે સહુ સચિન તેંડુલકર જેવા શા માટે નથી બની શકતા ? આનાં સાચાં કારણો સમજાય અને એને આત્મસાત્ કરી શકાય તો જ તેવી સફળતા મેળવી શકાય.
એવી જ રીતે આપણા આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ ઘણું વિચારવા જેવું છે. જેટલા સાધુ-સંત બને છે તે સર્વે શુકદેવજી અને ગોપાળાનંદ સ્વામી જેવી સમજણ અને સ્થિતિ કેમ નથી સાધી શકતા ? જેટલા ભક્તો છે તે બધા પ્રહ્લાદ, અંબરીષ અને દાદા ખાચર તથા પર્વતભાઈ જેવા કેમ નહિ બની શકતા હોય ? જેટલાં મહિલા ભક્તો છે તે સર્વે શબરી, ગોપીઓ અને મોટીબા-લાડુબાની જેમ પ્રભુને વશ કેમ નથી કરી શકતાં ? જો એનાં રહસ્યોને આપણે જાણતા નથી, જાણવા માટે કાંઈ કરતા નથી અથવા સત્સંગના પ્રતાપે જે કાંઈ સમજવા મળે છે, તેને ચરિતાર્થ કરવા તત્પર નથી, તો આપણે પણ અન્ય કહેવાતા સંત-હરિભક્તની જેમ સામાન્ય જીવન જીવી મરી જઈશું.
જો આપણે પણ ઉપરોક્ત વડવાઓની જેમ શ્રેષ્ઠતમ સફળતા પ્રાપ્ત કરવી હોય તો તેનાં રહસ્યો સમજવાં અને આત્મસાત્ કરવાં અતિ આવશ્યક છે.
આધ્યાત્મિક ક્ષેત્રે શ્રેષ્ઠતમ સિદ્ધિ હાંસલ કરવી જ હોય તો આટલા મુદ્દા જરૂરી છે :—
(૧) ગમે તેવા વિકટ સંજોગોમાં પણ ડગે નહિ કે પ્રલોભનોમાં ફગે જ નહિ; એવું મજબૂત જીવનલક્ષ્ય નક્કી કરવું.
બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે - પરણું તો વર પુરુષોત્તમ પરણું, નહિ તો કુંવારી મરું.
મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું છે જે —
આવી નિષ્ઠા રાખી ગુરુજીના વચન મુજબ જીવન જીવીએ અને એમાં અવરોધ કરે એવાં મોહ, મમતા કે માન-અભિમાનને મૂકી દઈએ તો મહારાજ જરૂર મળી જાય.