
વહાલા ભક્તો ! ગત વર્ષે આપણને વડતાલધામને આંગણે ‘શ્રીસ્વામિનારાયણ સમૂહ સત્સંગ શિબિર’ નો લાભ મળ્યો હતો. તે શિબિરમાં સં.૨૦૭૬ના બેસતા વર્ષના દિવસે પૂ.ગુરુજીએ આ વર્ષને ‘સદ્ભાવ વર્ષ’ નામ આપ્યું હતું. અને આખું વર્ષ પર્વતભાઈનો તથા યુધિષ્ઠિર-દુર્યોધનનો પ્રસંગ યાદ રાખીને સંતો-ભક્તોમાં સદ્ભાવની અતિ દૃઢતા કરવાની આજ્ઞા કરી હતી.
વળી, આ વર્ષે અધિક આસો માસ હોવાથી શ્રીહરિની કૃપાથી આપણને ૧૩ મહિના સુધી આ અભ્યાસ કરવાનો વધુ સમય મળ્યો. અને હવે તો આ સદ્ભાવ વર્ષ પૂરું થવાને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે; તો ચાલો, આપણે પોતાના અંતરમાં તપાસ કરી ‘સદ્ભાવ વર્ષ’ ની કમાણીનો હિસાબ કરી લઈએ.
વહાલા ભક્તો ! આ સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાન, દેવો, આચાર્યો, સંતો, ભક્તો, શાસ્ત્રો વગેરે આપણને બધાને સમાન પણે મળ્યું છે. પરંતુ આપણે તેમને વિશે કેટલો સદ્ભાવ રાખી શકીએ છીએ ? કેટલો મહિમા ધારી શકીએ છીએ ? કેટલો લાભ લઈ શકીએ છીએ ? તેને આધારે આપણા સહુ ની પ્રાપ્તિમાં ફેર પડવાનો છે.
બસો વર્ષ પહેલાં જે શ્રીજીમહારાજ અને સદ્.ગોપાળાનંદ સ્વામી આદિ મુક્તો, પર્વતભાઈને તથા કમઢિયાના કાયાભાઈને મળ્યા હતા તેજ મહારાજ અને મુક્તો જીવા ખાચર, અલૈયા ખાચર આદિકને પણ મળ્યા હતા; પરંતુ તેમના મહિમા અને સદ્ભાવને આધારે પ્રાપ્તિમાં ઘણો ફેર રહી ગયો.
તેમ આજે પૂ.ભજનપ્રકાશ સ્વામીને જે મહારાજ, પૂ.ગુરુજી, સંતો ભક્તો મળ્યા હતા તે જ આપણને મળ્યા છે. પૂ.ભજનપ્રકાશ સ્વામી જે સત્સંગના યોગમાં રહીને ૧૩ વર્ષના ટુકા ગાળામાં ઉચ્ચતમ મુક્તની સ્થિતિ પામી ગયા તે જ સત્સંગનો યોગ આજે આપણને મળ્યો છે. પૂ.ભજનપ્રકાશ સ્વામી જેમને મુક્ત માનતા હતા તેજ મુક્તો આજે આપણને મળ્યા છે. પરંતુ આપણે તેમને વિશે જેટલો સદ્ભાવ રાખીશું, મહિમા ધારીશું અને મન-કર્મ-વચને તેમને સોંપાઈને તેમનો લાભ લઈશું તેટલો આપણને ફાયદો થશે અને તેને આધારે એટલી ઉચ્ચતમ કે નિમ્ન સ્થિતિને પામીશું.
વહાલા ભક્તો ! સદ્ભાવ કે મહિમા રાખવાથી થતા લાભને આપણે સહુ જાણીએ છીએ. અને હાલ એવા સદ્ભાવ-મહિમામાં નિમગ્ન રહેતા પ્રગટ સંતો-ભક્તોનાં જીવન તથા આનંદને જોઈને આપણને તેનો પ્રત્યક્ષ અનુભવ પણ થાય છે. પરંતુ આપણે એ માર્ગે જો ન ચાલી શકતા હોઈએ તો તેનું કારણ શું ? તે તપાસવા જેવું છે. તેના ઘણાંક કારણો હોય શકે, પરંતુ તેમાનાં અમુક હેતુઓ જોઈએ...
આવાં ઘણાં બધાં કારણોસર આપણે પ્રગટ શ્રીહરિ તથા સંતો-ભક્તોને વિશે સદ્ભાવ રાખી શકતા નથી. આપણામાં આવી કોઈ પણ પ્રકારની ઉણપ હોય તો તેને શોધી, સ્વીકારી, સુધારી લઈએ અને આ પ્રગટ મુક્તોની જેમ આપણે પણ સદ્ભાવ, મહિમારૂપ પ્રેમ-આનંદના સાગરમાં ગરકાવ રહીએ.
હે પ્રભુજી ! આપે તો અકારણ કરુણા કરીને અમને આપવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આપના અતિ વહાલા, અતિ મહાન મુક્તોનો યોગ આપ્યો છે; પણ તેમને વિશે સદ્ભાવ ન રાખી શકવાથી અમે તેમનો પૂરો લાભ લઈ શકતા નથી. અને અમે તેમને મહાન ન માનીએ તેનાથી તે નાના થઈ જતા નથી, પણ અમે જ નાના રહીએ છીએ. માટે હે પ્રભુ! અમને આ મહા ખોટથી બચાવો ને ! આપે કેવળ કરુણા કરીને આટલું બધું આપ્યું છે તો હવે અમે સ્વશ્રેષ્ઠતા આદિ છોડી સંતો-ભક્તોને વિશે સદ્ભાવ વધારતા રહીએ અને અખંડ મહિમામાં ગરકાવ રહીએ એવી વિશેષ કૃપા કરો ને...!!