
એક સમયે ગઢડાથી સદ્.ગોપાળાનંદ સ્વામી સંતમંડળ સહિત જૂનાગઢ શ્રીજી મહારાજનાં દર્શન કરવા સારુ જાતા હતા. રસ્તા માં તેઓ સારંગપુર ગામને પાદરે આવ્યા. ત્યારે ત્યાં રહેલા નાગડા વૈરાગીઓએ સંતોને ઘણાક ધોકા મારી નદીના કિનારે રહેલ તલબાન વળમાં ઘુસાડી દીધા. તેથી સંતોને શરીરમાં ઘણા જ કાંટા વાગ્યા. પછી આખી રાત સંતો તે તલબાવળામાં સંતાઈ રહ્યા.
પછી સવારે ચાલતી વખતે સંતોએ સ્વામીને વિનંતી કરતા કહ્યું જે, ‘સ્વામી, કાંટા ઘણા વાગ્યા છે તેથી ચલાતું નથી, પગમાંથી કાંટા કાઢવા દ્યો તો ચલાય.’ પછી સ્વામીના કહેવાથી સંતોએ પરસ્પર એકબીજાના કાંટા કાઢ્યા. સ્વામીને પણ કાંટા વાગ્યા હતા, પણ તે કાઢવાનું કોઈને સાંભર્યું નહીં. પછી સૌ જૂનાગઢ પહોંચ્યા ને મહારાજનાં દર્શન કરવા ગયા. ત્યારે સ્વામીને શરીરે પાકી ગયેલ કાંટાના ઠુંઠા લૂગડાં સોસરા દેખાતા હતા. તે જોઈ મહારાજે કહ્યું જે, ‘આ શું છે ?’ તેમ કહી સ્વામીનો ખેસ મહારાજે તાણી લીધો ને સ્વામીના શરીરમાંથી બધાય કાંટા કઢાવી નાખ્યા. ને તે જોખ્યા તો પાશેર થયા.
પછી મહારાજ કહે, ‘સંતો, તમોએ તમારા કાંટા કાઢ્યા ને સ્વામીના કોઈએ કેમ કાઢ્યા નહીં ?’ ત્યારે સંતો કહે જે, ‘મહારાજ, એ તો ભૂલી જ ગયા.’ પછી મહારાજે સ્વામીને તે વિષે પૂછ્યું, ત્યારે સ્વામી કહે, ‘મુને એક સંતે આત્મનિષ્ઠાનું સ્વરૂપ પૂછ્યું હતું, તેથી એમને આત્મનિષ્ઠાનું સ્વરૂપ દેખાડ્યું.’
વહાલા ભક્તો, આવી હતી સદ્.ગોપાળાનંદ સ્વામીની અજબ આત્મનિષ્ઠા! ચાલો, હવે એમણે જ સ્વમુખે કહેલ આત્મનિષ્ઠાની વાતોનો થોડો અભ્યાસ કરીએ અને જીવનમાં ચરિતાર્થ કરીએ.
જે આત્મારૂપે કરીને ભગવાનની ભક્તિ કરે છે, તેની જ ભક્તિ સાચી છે અને તે ભક્ત આત્મારૂપે વર્તે છે અને દેહને પોતાનું રૂપ નથી માનતો, તે તો આંહીં છે તો પણ બ્રહ્મમહોલ તુલ્ય છે.” ।।૧૧૪
અતિશય દીન થાય તો પણ દેહભાવ રહે છે અને અતિશય આકરાઈ કરે તો પણ દેહભાવ રહે છે. તે માટે એ બેયને મૂકીને કેવળ સત્તારૂપે વર્તે, તો તેમાં કોઈ રીતે કરીને ખોટ ન રહે. ।।૧૧૬
જીવ જો આ ઉપાય કરે તો તત્કાળ શુદ્ધ થાય. તે એમ વિચાર કરવો જે, આપણે દેહ તો હજારો થઈ ગયા છે; જેમ કોઈ પુરુષ અંગરખું પહેરે છે ને તે ફાટી જાય, ત્યારે તેને કાઢીને બીજું કરાવે છે, તેમ જે મા, બાપ, સગાં, સંબંધી સર્વે માનેલાં છે તે તો અજ્ઞાને કરીને માન્યાં છે ને દેહ, ઇન્દ્રિયો, અંત:કરણ એ સર્વે થકી હું નોંખો છું ને એ તો ઝાંઝવાનાં જળ જેવાં છે, એમ આત્મવિચાર કરવો. ।।૧૨૨
અહંકારને એમ જીતવો જે, અહંકાર છે તે વર્ણ - આશ્રમ, જાતિ -કુળ, રૂપ ગુણ તેને વિશે અહંપણું ધરે છે અને પોતાને તેવા આકારે માને છે. તે અહંપણાને મૂકીને આત્મા ને વિશે અહંપણુ માનવું જે ‘હું તો જાણપણે યુક્ત એવો જે આત્મા તે છું, પણ વર્ણા શ્રમાદિક ધર્મવાળો જે દેહ તે હું નહીં.’ એવો નિરંતર અભ્યાસ કરવો, ત્યારે અહંકાર જીતાય. ।।૩૩૯
શ્રીજીમહારાજનો મહિમા અતિશય સમજે ને આત્મનિષ્ઠા પણ અતિશય દૃઢ કરે, તો જે ઉત્તમ વિષય હોય તે પણ ભગવાનના ભક્તને અતિશય કનિષ્ઠ થઈ જાય છે. ।।૩૫૪
‘ત્રણ ગુણનો વેગ તથા વિષય નો વેગ તે કેમ ટળે ?’ ત્યારે સ્વામી કહે, ‘શ્રીજી મહારાજના મહિમાને સારી પેઠે સમજીને જાણપણારૂપ થઈને ધીરે ધીરે ટાળે તો એ બેયનો વેગ ટળી જાય છે.’ તે ઉપર હનુમાનજીને દૃષ્ટાંતે કરીને વાત કરી જે, લંકા જોઈને વિચાર કર્યો, ત્યારે કોઈ રૂપાદિકનો મનમાં ક્ષોભ ન થયો. એ રીતે પૂર્વે કહ્યું તેનો વેગ સમાવવો. ।।૩૫૫