
ભગવાનભાઈને ભવ્ય અને દિવ્ય નામે બે દીકરા હતા. ભવ્યને પોતાના ઉપર અભિમાન હતું અને દિવ્યને પ્રભુ ઉપર અને તેના પિતા ઉપર પૂરો વિશ્વાસ હતો. બેય ખૂબ મહેનતુ હતા.
એક દિવસ ભગવાનભાઈએ બન્ને દીકરાઓને બોલાવી બેયના હાથમાં દસ-દસ રૂપિયા આપ્યા અને કહ્યું, ‘જાઓ, દસ રૂપિયામાં આખું ઘર ભરાય એવી કોઈ વસ્તુ લઈ આવો તો તમને આપેલા રૂપિયાનો તમે સદુપયોગ કર્યો છે એમ હું જાણું.’ બેય ભાઈ ગામમાં ખરીદી માટે નીકળી પડ્યા.
ભવ્ય કુંભાર પાસે ગયો અને દસ રૂપિયાનાં કોડિયાં માંગ્યાં. કુંભારે તો એક મોટી થપ્પી કોડિયાંની આપી. આ જોઈને ભવ્ય કહે, ‘આટલાં જ કેમ ? મારે તો ઘર ભરાય એટલાં જોઈએ.’ કુંભારે એને રૂપિયા પાછા આપ્યા.
ત્યાંથી ભવ્ય કરિયાણાની દુકાને ગયો અને કહ્યું, ‘આ લ્યો ! દસ રૂપિયાની દિવાસળીની પેટીઓ આપો.’ એટલે દુકાનદારે દસ રૂપિયાના બદલે પાંચ ડઝન પેટીઓ આપી. એ પાછી આપતાં ભવ્ય કહે, ‘મારે તો ઘર ભરાય એટલી પેટીઓ જોઈએ.’ આમ કહી ત્યાંથી રૂપિયા લઈને તે ચાલતો થયો.
પછી ભવ્ય પિંઝારાને ત્યાં ગયો. પિંઝારાએ એને દસ રૂપિયામાં રૂની એક બોરી બાંધી આપી. ભવ્ય કહે, ‘બસ, આટલું જ ! મારે તો ઘર ભરાય એટલું રૂ જોઈએ.’ રૂ પાછું આપીને તે આગળ ગયો.
ત્યાંથી તે એક ઘાંચીના ઘરે ગયો. ઘાંચીના હાથમાં દસ રૂપિયા મૂકીને તે બોલ્યો, ‘કાકા ! લ્યો આ દસ રૂપિયા. ઘર ભરાય એટલું મને તેલ આપો.’ કાકા હસીને બોલ્યા, ‘ગાંડા..! દસ રૂપિયામાં ઘર ભરાય એટલું તેલ ન આવે. લે આ તારા રૂપિયા પાછા.’ આમ આખા ગામમાં ફરીને ભવ્ય થાક્યો, પણ દસ રૂપિયામાં આખું ઘર ભરાય એવી કોઈ વસ્તુ એની નજરે ન પડી. તેથી તે થાકીને ઘરે પાછો આવ્યો.
ભવ્યનો નાનો ભાઈ દિવ્ય આ બધું જોતો જોતો ચાલ્યો આવતો હતો. એણે પોતાના દસ રૂપિયામાંથી થોડાં માટીનાં કોડિયાં લીધાં. થોડુંક રૂ લીધું. એક દિવાસળીની પેટી લીધી અને બાકી વધ્યા તેટલાનું તેલ લીધું. પછી તે આનંદથી ઘરે પાછો આવ્યો.
બન્નેને જોઈને ભગવાનભાઈ બોલ્યા, ‘ભવ્ય ! તું શું લાવ્યો છે ?’ ભવ્ય કહે, ‘બાપા ! દસ રૂપિયામાં ઘર ભરાય એવી કોઈ ચીઝ મળતી નથી.’ એમ કહીને દસ રૂપિયા પાછા આપી દીધા.
ભગવાનભાઈએ નાના દીકરા દિવ્ય તરફ જોયું. એ તો રૂની દિવેટો તૈયાર કરી રહ્યો હતો. એણે કોડિયામાંં તેલ પૂર્યું અને એમાં દિવેટ મૂકી. કોડિયાં ઘરના ઓરડે ઓરડે મૂકી દીધાં. બહાર ટોડલા ઉપર મૂક્યાં, અંદરના ખંડમાં મૂક્યાં, બધી જ જગ્યાએ મૂકી દીધાં. દીવાસળી વડે દીવા સળગાવ્યા. તરત જ આખા ઘરમાં ઝાકમઝોળ થઈ ગયું. આખું ઘર પ્રકાશથી ભરાઈ ગયું.
વહાલા ભક્તો ! પ્રભુએ મોક્ષ કરી લેવા માટે દરેકને માનવદેહ તો આપ્યો છે, પરંતુ પિતા તુલ્ય સાચા સંતોના સમાગમથી સાચું સમજીને માનવદેહનો સદુપયોગ કરી આત્માનું કલ્યાણ તો કોઈક સમજદાર જ કરે છે. માટે સાવધાન...! આ દેહે કરીને આત્યંતિક કલ્યાણ થઈ જાય અને આપણે મહારાજને પામી જઈએ તો પ્રભુએ આપેલો આ અમૂલ્ય માનવદેહ સાર્થક થયો ગણાય.