
સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર અવતર્યા. તેમના મહામુક્ત કે અન્ય ધામ-ધામના મુક્તો પણ સંતો-ભક્તોરૂપે થયા. તેમણે આપણા માટે આવો દિવ્ય-ભવ્ય સત્સંગ સ્થાપ્યો. આ સત્સંગ તેમના માટે પાત્ર ભજવવાની રંગભૂમિ છે, પણ આપણા માટે તેમના જીવન કવનમાંથી પ્રેરણા લઈ મુક્ત બનવાની રણભૂમિ છે, આપણા અજ્ઞાન, અહંકાર અને આસક્તિને હરાવી એકાંતિક સંત-ભક્ત બનવાનું તાલીમકેન્દ્ર છે.
આપણા ઈષ્ટદેવ શ્રીહરિએ અયોધ્યામાં જે બાળલીલા કરી તેમાં આપણા માટે બહુમોટો મેસેજ છે. ઘનશ્યામજી રોજ વહેલા જાગતા, સરયૂસ્નાન કરતા, ધ્યાન-ભજન અને પૂજા કરતા, મંદિરે જઈ દેવદર્શન કરતા, સંતસમાગમ તથા કથાશ્રવણ કરતા, દેહના સંબંધી સાથે સ્નેહસભર શિસ્ત રાખતા છતાં અલિપ્ત રહેતા. જીવનનિર્વાહ સિવાયના તમામ ભૌતિક સુખોથી નિરાળા રહેતા. આ બધું આપણે શીખવાનું છે તથા આપણા પરિવારજનોને શીખવવાનું છે.
પછી વનવિચરણ પૂરું કરી પ્રભુ પમાડે તેવા પરમહંસની પ્રાપ્તિ માટે લોજ આવ્યા. ત્યાં રામાનંદ સ્વામીના સંત મુક્તાનંદ સ્વામીના પણ દાસ થઈને રહ્યા. નીચામાં નીચી સેવા કરી, સંપૂર્ણ મનનું ધાર્યું મૂકી મોટાની મરજીમય જ રહ્યા. પછી ગુરુદેવ રામાનંદ સ્વામીની અનુવૃત્તિમાં રહી તેમને ખૂબ જ રાજી કર્યા. આમ પ્રભુપ્રાપ્ત સદ્દગુરુની પ્રાર્થના તથા કૃપાથી પરમાત્માને સાક્ષાત્ પામવાનો રાહ આપણને શીખવાડયો.
આ બધું આપણા જેવા મુમુક્ષુઓંને શીખવવા માટે જ શ્રીહરિએ પોતે એવું પાત્ર ભજવ્યું હતું. શું આપણે પણ તેમાંથી પ્રેરણા લઈ આજ એેવું જ જીવન જીવી રહ્યા છીએ ? સદેહે શ્રીહરિને સાક્ષાત્ પામી જવાનો જ તરવરાટ રાખીએ છીએ ? પ્રભુ પમાડી દે તેવા સદ્દગુરુના દાસાનુદાસ થઈને રહેવું ગમે છે ? ૩M (મિત્ર, મોટેરા, મુક્ત) તથા HVH (હેત, વિશ્વાસ, હિતકારીપણું) જેવા પ્રોજેક્ટનું અમલીકરણ કેટલું થાય છે ? જેટલું એ મુજબ જીવાશે તેટલા પ્રભુના કૃપાપાત્ર બનાશે.
સદ્.શ્રીમુક્તાનંદ સ્વામી સાધુતાનો પરમ આદર્શ છે. 'જેનું જીવન સરળ અને સાદું તેનું નામ સાચો સાધુ' આ સૂત્રનું મૂર્તિમંત સ્વરૂપ એટલે સત્સંગની મા મુક્તાનંદ સ્વામી. મહામુક્ત સદ્. શ્રીગોપાળાનંદ સ્વામી એટલે મહારાજની મૂર્તિમંત મરજી-અનુવૃત્તિ. અનંત વિશ્વમાં જેનો જોટો ન જડે એવા સમર્થ મુક્ત હોવા છતાં સંતના દાસનુદાસ થઈ અતિ સરળ રહેતા.
આધારાનંદ સ્વામીએ તેમના માટે નોંધ્યું ;
सरल रखे स्वभाव अति, रेसम कि फेल ताय ।
संत कि सेवा करत रहे, भाव सहित हरखाय ।।
જે પોતે ૨૪ કલાક શ્રીહરિની મૂર્તિને સાક્ષાત્ દેખે, જેને આશિષ આપે તેને પણ મહારાજના અખંડ દર્શન થાય એવા ગોપાળાનંદ સ્વામી કેવું સરળ, સંતસેવામય જીવન જીવતા !! હે પ્રભુ, હે ગોપાળાનંદ સ્વામી, મારા પર કૃપા કરજો. મારાથી પણ એ જ રાહે ચલાય.
વાલા ભક્તો ! ગઢપુરવાસી દાદાખાચર વગેરે પરિવારજનો ગૃહસ્થ ભક્તોના પરમ આદર્શ છે. તેમને શ્રીહરિ તથા સંતો-ભક્તોનો જેવો મહિમા, પ્રેમ અને સમર્પણભાવ હતો તે આપણે બધાએ શીખવા જેવો છે.
ધન્ય ધન્ય એ ગઢપુરવાસી, ગોવિંદને મન ગમતા રે,
પ્રભુપરાયણ જીવન જેના, મૂકી મનની મમતા રે;
તન મન ધન પ્રભુને સોંપી, હરિ આજ્ઞા કદિ ન લોપી રે,
અંતર ઈચ્છા લીધી આટોપી, અનુવૃત્તિ એની ઓપી રે;
આવા એ મહાન ભક્તો હતા.
જીવનભર જગદીશ તથા પ્રભુના પ્યારા પરમહંસો તેને ઘેર વશ થઈને રહ્યા તોય તેમને સંતો-ભક્તોનો મહિમા ઘટ્યો નહિ અને પોતાને માન આવ્યું નહિ. આપણે પણ જો તેમના જેવા પ્રભુ પ્યારા મુક્ત થાવું હોય તો તેમના જેવા બનવું જોઈએ. અત્યાર સુધીમાં એવા કેટલા બન્યા ? એ માટે હાલમાં જ સંતો-ભક્તો એવા દિવ્ય હોય તેના દાસાનુદાસ થઈને કેટલું રહેવાય છે ? એક જન્મ અવશ્ય પ્રગટ સંતો-ભક્તો પાસે એમ રહેવું પડશે તો જ મહામુક્ત બનાશે.
જો આપણામાં માન-ઈર્ષ્યા કે વાસના જેવા દોષો દખલ કર્યા કરતા હોય તો આપણે કેમ જીવવું ? એ પણ એ વખતના વડવાઓએ આપણને શીખવ્યું છે. સદ્.પરમચૈતન્યાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં શિયાણી તથા લીંબડીના રાજાના ભાયાત હતા. રાજવૈભવ મૂકી સાધુ થયા હતા. સમય જતા સંતસમૂહમાં દાસાનુદાસ રહેવામાં કાંઈક મૂંઝવણ થવા લાગી. એક દિવસ પ્રગટ પ્રભુ અને પ્રગટ સંતસમૂહ છોડી ચાલી નીકળ્યા. ત્યારે તેમના શિષ્યો પણ તેમની પાછળ જવા ચાલ્યા. ત્યારે તેમણે તેને કહ્યું: “તમે મારી પાછળ કેમ આવો છો ? મને તો માન લઈ જાય છે પણ જો તમારે મોક્ષ જોઈતો હોય તો આ સત્સંગમાં પ્રભુની પાસે પડયા રહો.” આમ પોતાની ભૂલ સ્વીકારી શિષ્યોને પરાણે પાછા વાળ્યા. પછી પણ ભૂલેય મહારાજ કે સંતનો દોષ ન લીધો કે કોઈને ન કીધો. અરે ! ધરમપુરના મહારાણી કુશળકુંવરબાને શ્રીહરિ તથા સંતોનો પાકો નિશ્ચય કરાવી દીધો. એટલે જ પરમ ચૈતન્યાનંદ સ્વામીને લેવા મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. અને પછી તે જીવનભર દાસાનુદાસ થઈ સત્સંગમાં જ રહ્યા. આપણને માન નડે ત્યારે આપણે શું કરીએ છીએ ? આમ, આપણામાં માન-ઈર્ષાદિ દોષ હોય તોપણ આપણે શું કરવું ને શું સમજવું જોઈએ તે તત્કાલીન મુક્તોએ શીખવ્યું છે.
ગોંડલવાળા શેખમિયાંને શરૂઆતમાં સામર્થીનું માન આવી ગયું હતું. પણ પછી શ્રીહરિ અને સંતકૃપાથી સાચું સમજાણું. ત્યારબાદ તે એટલા બધા ગરજુ બન્યા કે મહારાજે વગર વાંકે ભીડામાં લીધા, ભયંકર અપમાન કરાવ્યું, નોકરીમાંથી કાઢી મૂકાવ્યા, અતિ ગરીબ થઈ ગયા છતાં શ્રીહરિ, સંતો કે અપમાન કરનાર હરિભક્તોનોય કદિ અભાવ ન આવ્યો. સદા સવળું જ લીધું. અરે ! મોઢામાં ઘાસ લઈ માફી માંગી. આ દિવ્ય ઘટનાને સાક્ષાત્ જોવા તથા તેવા બનવા માટે યુ-ટયુબ પરથી ટેલિફિલ્મ શેખમિયાં અનેકવાર જોતા રહેવું.
વહાલા ભક્તો ! આ બધા સંતો-ભક્તોએ પોતે પોઝીટીવ તથા નેગેટીવ પાત્રો ભજવીને આપણને આવું ઘણું બધું શીખવ્યું છે. માટે હવે આપણે પણ એવા જલ્દીમાં જલ્દી બનવું જોઈએ. એ માટે હાલમાં આપણને પ્રભુએ જ સાચા સંતો-ભકતો આપ્યા હોય તેમનો મન-કર્મ-વચને પ્રસંગ રાખવો જોઈએ. જો તેમની પાસે શેખમિંયા તથા દાદાખાચરની જેમ જ રહેવાનો અભ્યાસ કરીએ તો મહારાજનો અતિ રાજીપો મળશે. સદ્.આધારાનંદ સ્વામી રચિત શ્રીહ.ચ.સાગરમાં લખ્યું છે કે,
हरिजन कावत जोय, अपमान करे बिन दोष हि ।
सहन हि करना सोय, होत मैं ता पर प्रसन्न महा।।
સંતો-ભક્તો કદાચ વાંક વિના પણ અપમાન કરે તોય તેને સવળું લઈ સહન જ કરવું. તો તેના પર મહારાજ કહે છે કે હું અતિશય પ્રસન્ન થઈ જાવ છું.
હે મહારાજ ! હે વાલા સંતો-ભક્તો ! મારા ઉપર એવી કૃપા કરજો કે, હું હર પરિસ્થિતિમાં સદા સવળું જ લઈ આપનો વાલો સેવક બની શકું...