સત્સંગનો વિવેક

સત્સંગનો વિવેક

એક દિવસને વિશે શ્રીજીમહારાજ ગઢપુરમાં પોતાની અક્ષરઓરડીને વિશે વિરાજમાન હતા. તે સમે મહારાજ પાસે કોઈ સાધુ હાજર નહિ ને દાદા ખાચર તથા સોમલા ખાચર તથા સુરા ખાચર, માતરા ધાધલ કાઠી તથા મોકા ખાચર એ આદિકની પોતાની ખાનગી મંડળી બેઠી હતી.

ત્યારે શ્રીજીમહારાજે તે બધા ભક્તોને થોડી સત્સંગની વાતો કરી. પછી દાદા ખાચરને એમ પૂછતા હતા જે, “દાદા ખાચર, તમારે કિયા સંત સાથે હેત છે ? તે કહો.” ત્યારે દાદા ખાચર કહે જે, “મહારાજ ! મારે તો મુક્તાનંદ સ્વામી સાથે હેત છે, ને બીજા સંત કહે જે, આવો બેસો, તો કંઈક પાંચ મિનિટ અથવા દસ મિનિટ બેસવું ઘટે તો બેસું, પણ ઝાઝું તો મુક્તાનંદ સ્વામી પાસે બેસું છું.” એમ દાદા ખાચરે કહ્યું.

તેને સાંભળીને પછી સુરા ખાચરને પૂછ્યું. ત્યારે સુરા ખાચરે એમ કહ્યું જે, “હે મહારાજ ! બીજા સર્વે સંત સાથે બેસવું ઘટે તો બેસું, પણ ઝાઝું તો બ્રહ્માનંદ સ્વામી સાથે મારે હેત છે ને ત્યાં બેસું છું.” એવું સાંભળીને પછી સોમલા ખાચરને પૂછ્યું. ત્યારે સોમલે ખાચરે કહ્યું જે, “મહારાજ ! મારે તો નિત્યાનંદ સ્વામી સાથે હેત છે તે ત્યાં જઈને બેસું ને બીજા સંત સાથે થોડું બેસું.” એવી રીતે સર્વે પાર્ષદોને પૂછ્યું. ત્યારે સર્વે પાર્ષદે જેની જેની સાથે હેત તથા બેઠક હતી તે કહી બતાવી. ત્યારે સર્વેની વાત સાંભળીને મહારાજ બહુ રાજી થયા.

પછી માતરા ધાધલને પૂછ્યું જે, “તમારે કેની સાથે હેત છે ?” ત્યારે માતરે ધાધલે કહ્યું જે, “હે મહારાજ ! મારે તો નિર્વિકલ્પાનંદ સાથે હેત છે.” એવું સાંભળીને મહારાજ કહે જે, “તારો હાથ તો ઘેંસમાં પડયો.” એવું મહારાજનું વચન સાંભળીને બધા ખડખડાટ હસી પડયા. પછી મહારાજને કહે જે, “હે મહારાજ ! એમ કેમ કહ્યું ?” ત્યારે મહારાજ કહે જે, “એનું સત્સંગમાં કાંઈ ઠેકાણું નથી તો તમારું શું કરશે ?” તે ઉપર મહારાજ વાત કરવા લાગ્યા. તે વાત એમ કરી જે, “અમારે કંઈક પ્રયોજન હોય તો અમે એને મોટો કરીએ, પણ તમારે સંગ કરવો તથા વાત સાંભળવી તે તો જે પોતે સત્સંગમાં રહે એવો હોય તેનો જ સંગ કરવો ને એની જ વાત સાંભળવી; ને હેત તો સર્વે સંત સાથે રાખવું. તથા આપણને શક્તિ હોય તો સર્વેને દંડવત કરવા તથા ચંદન-પુષ્પે કરીને પૂજા કરવી તથા વસ્ત્ર ઓઢાડવાં તથા સર્વેને ભારે ભારે રસોઈઓ આપીને જમાડવા; એવી રીતે સરખી સેવા કરવી.

પણ સર્વે સંતમાંથી એક-બે સારા સંત સંગાથે જીવ બાંધવો. અને એ દિવસની રાત કહે તોપણ એવા સંગાથે હેત બાંધવું. અને સરખી સેવા તો આ ઉકા ખાચર કરે છે તેવી રીતે સેવા કરવી. ને એવી સેવાએ કરીને અનંતકાળનાં પાપ જીવને વળગ્યાં હોય તથા વાસના હોય તે પણ બળીને ભસ્મ થઈ જાય; એવું સંતની સેવા કર્યાનું ફળ છે, પણ વાત સાંભળવી તથા સંગ કરવો, એ તો જોઈ-વિચારીને કરજો.” એવી રીતે શ્રીજીમહારાજે અતિશય દયા કરીને પોતાની સેવામાં રહેનારા પાર્ષદોને વાત કરી સત્સંગમાં કોની સાથે હેત કરવું અને સંગ કોનો કરવો; તેના વિવેકની વાત સમજાવી.

વહાલા ભક્તો ! સત્સંગમાં દેશકાળાદિક આઠ કહ્યા છે, તેમાં પણ સંગને મુખ્ય કહ્યો છે. સદ્.ગોપાળાનંદ સ્વામી કહેતા, “સંતને સેવે તો પોતે સંત થાય છે અને અસંતને સેવે તો અસંત થાય છે. તપસ્વીને સેવે તો તપસ્વી થાય છે અને ચોરને સેવે તો ચોર થાય છે; કેની પેઠે ? તો જેમ વસ્ત્રને જેવા રંગમાં રંગીએ તેવા રંગવાળું થાય છે.”

તથા સદ્.ગુણાતીતાનંદ સ્વામીએ પણ તેમની વાતોમાં કહ્યું છે કે, સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરસનદાસ ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણ્યગર્ભાનંદ ગયા ને હમીરે પણ ઘણીક ભક્તિ કરી હતી તોપણ ગયો. માટે મહારાજની અને મોટા સંતોની વાતોમાંથી સંગ કરવાના વિવેકની વાતોને સમજી-વિચારીને એકાંતિક સાધુનો સંગ કરીશું તો આપણામાં એકાંતિકધર્મ દૃઢ થશે અને મહારાજ રાજી થશે.