
સર્વાવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં પધારી દિવ્ય સત્સંગ સ્થાપ્યો. પોતે ને પોતાના સંતો-ભક્તો દ્વારા અનંત જીવોને સદુપદેશ આપી અપાર ઐશ્વર્ય-પ્રતાપ દેખાડીને અજ્ઞાન અને માયાના બંધનથી છોડાવ્યા ને સદાચારમય જીવન જીવતા કર્યા. અનાદિકાળથી માયાના પ્રવાહમાં વહેતા જીવોને ભગવાન સ્વામિનારાયણે એકાંતિકદાસ બનાવ્યા; આ મહારાજે જીવો ઉપર મોટી કરુણા કરી છે. એટલે જ સદ્ગુરુ માધવદાસ સ્વામી કહે છે કે :
કરી મહારાજે મોટી મહેર, આણ્યો સત્સંગ રૂડી પેર;
એહ સત્સંગ છે મોટી વાત, એમાં કલ્યાણ છે સાક્ષાત.
વહાલા ભક્તો ! આ સત્સંગમાં કલ્યાણ સાક્ષાત્ એટલે કે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત્ વિચરે છે. જે કોઈ જીવ આ સત્સંગમાં આવે છે તેના ભાગ્યનો કોઈ પાર નથી. આજે પણ આ સત્સંગમાં મહારાજ મોટા સંતોમાં રહીને જીવને સદુપદેશ આપી ભગવાનની સન્મુખ કરે છે, તો જ્યારે ભગવાન પોતે આ ધરતી ઉપર પ્રગટ પ્રમાણ વિચરતા ત્યારની તો વાત જ શું કરવી ! મહારાજ કેવી રીતે જીવને સત્સંગમાં લાવે ને કેવી અલૌકિક રીતે તેને સત્સંગી કરે ! તે એક ચરિત્ર દ્વારા જાણીએ ને મહારાજનો અલૌકિક પ્રતાપ વિચારીને ભગવાનમાં હેત કરીએ.
એકવાર ભગવાન શ્રીસ્વામિનારાયણ શ્રીગઢપુરને વિશે દાદાખાચરના દરબારમાં બિરાજમાન હતા. પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મહારાજ પોતાના આશ્રિતોને વાતો કરતા હતા. તે સમયે ખંભાળાના દરબાર મૂળુ ખાચર સભામાં આવીને બેઠા. સભા પૂરી થઈ ત્યારે મહારાજે મૂળુ ખાચરને પૂછ્યું, ‘તમારું કયું ગામ ? ને શું નામ ?’ ત્યારે મૂળુ ખાચરે કહ્યું, ‘મહારાજ ! ખંભાળા ગામથી આવું છું અને મારું નામ મૂળુ ખાચર છે.’
ત્યારે મહારાજે કરુણાદૃષ્ટિ કરીને કહ્યું કે, ‘તમે સત્સંગી થાઓ.’ મૂળુ ખાચર કહે, ‘મહારાજ ! મારે હોકો ને અફીણનું બંધાણ છે, એટલે સુરા ખાચરે મને કહ્યું કે તમારાથી સત્સંગી નહિ થવાય.’ પછી મહારાજ કહે, ‘તમે વર્તમાન ધરાવી સત્સંગી થાઓ. ને અફીણ તથા હોકો પીજો, પણ પાંચ વર્તમાન પાળજો.’ પછી ભગવાન સ્વામિનારાયણના હાથે મૂળુ ખાચરે વર્તમાન ધરાવ્યા અને કંઠી બાંધીને સેવા-સત્સંગ કરવા લાગ્યા.
એક દિવસ મહારાજ કહે, ‘મૂળુ ખાચર, અમારે વડતાલ જવું છે, તો અમારી ભેગા ચાલો.’ ત્યારે સૌ સંતો-ભક્તો અને દરબારો સાથે મૂળુ ખાચર પણ વડતાલ જવા સાબદા થયા. ચાલતાં રસ્તામાં ઝીંઝાવદર અને કારિયાણી વચ્ચે એક કૂવો આવ્યો. સૌ સંતો-ભક્તો ત્યાં ગયા. ત્યારે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી તથા વરદાનંદ સ્વામી આગળ કૂવો જોઈને બેઠા અને મહારાજને કહ્યું, ‘હે મહારાજ ! નાહવા પધારો.’ ત્યારે મહારાજ કહે, ‘આ મૂળુ ખચારનો હોકો ધોવરાવો અને પાણી પાઓ. તથા બીજાને પણ પાણી પાઓ.’
પછી હોકો ધોવરાવીને પાણી પાયું અને બધા અસ્વારોને પણ પાણી પાયું. ત્યારબાદ મહારાજને થાળામાં બેસાડી મોટું કમંડળ લઈને પાણી સીંચી મહારાજને અંગો ચોળીને નવરાવ્યા. ત્યારે મહારાજ કહે જે, ‘આજ તમારાં કમંડળો કામમાં આવી ગયાં.’ પછી ત્યાંથી ચાલ્યા તે બરવાળે જતાં રસ્તામાં માણસો સામે મળે; તે એમ બોલતા જાય જે, ‘જુઓ, આ બધા અસવારો સ્વામિનારાયણ ભગવાનના છે, પણ ઓલ્યો એક હોકાવાળો છે એ સ્વામિનારાયણ ભગવાનનો નથી.’ આ સાંભળીને મૂળુ ખાચરને રીસ ચડી. તેથી હોકો પછાડીને ફોડી નાખ્યો. પછી બરવાળા રાત રહીને ધોલેરા ગયા અને ત્યાંથી વડતાલ ગયા. વડતાલમાં જોબન પગીની મેડીમાં કાઠીઓને ઉતારા કરાવ્યા. શ્રીજીમહારાજ બંગલામાં ઉતાર્યા અને સાધુઓ ધર્મશાળામાં ઊતર્યા.
ભગવાન સ્વામિનારાયણ વડતાલ પધાર્યા જાણી દેશદેશના હરિભક્તોના સંઘ મહારાજના દર્શને આવવા લાગ્યા. તેમાં કાનમ દેશના તથા સુરતના હરિભક્તોનો સંઘ આવ્યો. તે સંઘના હરિભક્તો મહારાજની સાથે રહેનારા કાઠી ભક્તોને મળે ને પગે લાગે. અને બોલે જે, ‘આ બધા કાઠી ભક્તોને મળીએ છીએ તે આપણાં ધન્યભાગ્ય છે. કેમ જે, આ બધા અખંડ મહારાજ સાથે રહેનારા છે. આમનાં દર્શન ક્યાંથી મળે !’ એમ મહિમાથી અરસપરસ પગે લાગે. તે વખતે મૂળુ ખાચર કસુંબો કાઢીને પીતા હતા. તે જોઈને હરિભક્તો કહે, ‘આ તો બંધાણી લાગે છે.’ એમ જાણીને કોઈ પગે લાગે નહીં ને મળવા પણ જાય નહીં. ત્યારે મૂળુ ખાચરે અફીણનો પણ ત્યાગ કર્યો. પછી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે મૂળુ ખચાર આવ્યા અને સ્વામીને પ્રાર્થના કરી કે, ‘હે સ્વામી ! મારા ઉપર દયા રાખજો. મેં આજથી અફીણનો ત્યાગ કર્યો છે, તે પાછું વળગે નહીં.’ સ્વામી તેમની પ્રાર્થના સાંભળી રાજી થયા અને કરુણાદૃષ્ટિથી જોયું ને બળ ભરી વાતો કરી.
પછી મૂળુ ખાચર શ્રીજીમહારાજના દર્શને ગયા. ત્યારે મહારાજે કહ્યું કે, ‘કેમ મૂળુ ખાચર, તમે હોકો તથા અફીણ મૂકી દીધું; તે શું સુરા ખાચરે ઉપદેશ કર્યો કે શું ?’ ત્યારે મૂળુ ખાચર કહે, ‘ના મહારાજ, એ તો આપના પ્રતાપથી મુકાયું છે. તેમાં એક વ્યસન હોકો, તે કુસંગીના વચનથી ફોડ્યો અને બીજું વ્યસન અફીણ, તે સત્સંગીના શબ્દથી મેલ્યું.’ તે સાંભળીને શ્રીજીમહારાજ બહુ જ રાજી થયા.
વહાલા ભક્તો ! આજે પણ મહારાજ આપણને મળેલા સંતો-ભક્તોમાં રહીને ઘણું બધું કહેતા હોય છે. તે આપણે સવળું લઈને પોતાનામાં રહેલા સ્વભાવ-દોષો ઉપર દાઝ કરીને સંતો-ભક્તોમાં હેત, વિશ્વાસ અને હિતકારીભાવ રાખી પોતાના દોષો-સ્વભાવ છોડીને મહારાજને રાજી કરીએ.