
વહાલા ભક્તો ! ભગવાને આપણને મનુષ્યદેહ આપ્યો, આવો રૂડો સત્સંગનો યોગ આપ્યો છે, તો જીવનની પળેપળ ભગવાન સંભારવામાં વીતે એમ સાવધાનીપૂર્વક ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરીએ તો સર્વોત્તમ લાભ થાય, નહિતર ગાફલાઈમાં ઘણો વ્યર્થ સમય વીતી જશે. માટે હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં સર્વે ક્રિયામાં ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ રાખીએ તો પછી કામકાજ કરતાં પણ ભગવાનમાં વૃત્તિ રહેવા માંડે. આપણે બોટાદના પ.ભ.શિવલાલ શેઠ અને તેમના પિતા ભગા દોશીના પ્રસંગ દ્વારા આપણામાં રહેલી ગાફલાઈ ટાળી ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરીએ.
એક વખત શિવલાલભાઈ શેઠ પોતાના પિતા ભગા દોશી સાથે સહકુંટુંબ ગઢપુર દર્શને જતા હતા. ભગા દોશીનું અંગ વ્યવહારપ્રધાન હતું, એટલે માર્ગમાં ખેડૂત લોકોના ખેતર તથા સારો મોલ જોઈને શેઠ વાતો કરવા લાગ્યા કે, ‘આ જમીન બહુ સારી છે...આ જમીન નબળી છે... આ ખેતર જે ખેડુનું હશે તે બહુ જ ફાવી જશે...આ ખેતરમાં ભારે સરસ મોલ ઊભો છે. આટલો બાજરો તો થશે જ... ને આટલો ભાવ આવે તો આટલા રૂપિયા ખેડૂતને મળશે...’ આમ અનેક પ્રકારના લાભ-ગેરલાભની સાચી-ખોટી વાતોના કેફમાં આનંદ કરતાં કરતાં સહુ ગઢપુર જઈ રહ્યાં હતાં, પરંતુ શિવલાલભાઈ તો મહારાજની મૂર્તિમાં અખંડ એકાગ્રવૃત્તિ રાખી ગાડામાં બેઠા બેઠા માળા ફેરવતા હતા. તેમને આવી વ્યર્થ વાતો ગમતી ન હતી. વધુ સમય આવી વાતો ચાલી એટલે કોઈએ ભગવાનનું સ્મરણ પણ ન કર્યું.
ત્યારે શિવલાલભાઈએ કહ્યું કે, ‘પિતાજી ! આપ તો બહુ જૂના, પીઢ ને અનુભવી વ્યાપારી છો ને વ્યાપારીની બુદ્ધિ ચોજાળી હોય, તેથી તેઓ નુકસાન થાય તેવો તો વ્યાપાર કરે જ નહીં. વ્યાપારીની દૃષ્ટિમાં તો એક જ વાતનું તાન હોય કે, આ કામમાં કેમ વધુ ને વધુ લાભ થાય. અને કાર્યના આરંભથી જ કેમ વધુ લાભ થાય એવા હેતુ પ્રમાણે જ કાર્ય કરે; તો હવે આપ સર્વને મારી નમ્રતાપૂર્વક પ્રાર્થના છે કે, ‘આપ મારા વડીલ અને પૂજ્ય છો એથી આપને કંઈ કહેવાને હું યોગ્ય નથી; છતાં સાચી વાતની યાદી આપવી એ સૌ કોઈની ફરજ છે, એ રીતે કહું છું કે આપણે ઘેરથી ગઢપુર દર્શન કરવા અને મોટા સંતોનાં દર્શન-સેવા અને સમાગમનો લાભ લેવા માટે જ જઈ રહ્યા છીએ. માટે અત્યારે આપણે ભગવાનનાં ધૂન-સ્મરણ-કીર્તન તથા લીલાચરિત્રો અને ભગવાનનાં ઐશ્વર્યપ્રતાપ ને મહિમાની વાતો કરી હૃદયમાંથી જગતનું વાતાવરણ દૂર કરી મનને પવિત્ર ને શાંત બનાવવું જોઈએ. જેથી આપણે ગઢપુરમાં મહારાજના દર્શનનો ને સંતોની સેવા-સમાગમનો બરાબર લાભ મેળવી શકીએ. ને જો ત્યાં પહોંચતાં સુધી વ્યર્થ વાતો કરતાં કરતાં જઈશું તો તો મોટું નુકસાન થશે ને ખોટનો વ્યાપાર કર્યો ગણાશે. કારણ કે, ગીંગાની પેઠે નાકમાં વિષ્ઠાની ગોળીઓ (જગતનાં ગપ્પાં) ભરીને જઈશું તો સત્સંગરૂપી ગુલાબના બગીચાની સુગંધ આપણને શી રીતે મળી શકશે ? માટે જગતનાં ગપ્પાં ત્યજી દઈ પ્રભુને યાદ કરો.’
આ રીતે શિવલાલભાઈની ન્રમતાભરી વાણી સાંભળીને સહુ ધૂન-કીર્તન ને ભગવાનનાં લીલાચરિત્રોની સુંદર વાતો કરતાં કરતાં ગઢપુર પહોંચ્યાં. ને ત્યાં ભગવાન ને સંતોનાં દર્શન-સેવા-સમાગમનો સર્વોત્તમ લાભ લીધો.
વહાલા ભક્તો ! શિવલાલભાઈની વાત સ્વીકારી રસ્તામાં ભગવાનને સંભારતાં સંભારતાં ગઢપુર આવ્યા તો કેટલો સર્વોત્તમ લાભ થયો ! માટે દરેક ક્રિયામાં ભગવાન સંભારવાનો અભ્યાસ કરીશું તો આપણને પણ સર્વોત્તમ લાભ મળશે.