
વડતાલધામના ઘરેણાં સમાન પ.પૂ.સદ્.પૂજારી શ્રીકૃષ્ણજીવનદાસજી સ્વામી(અથાણાવાળા)નો યુવાન શિષ્ય ગુંજન પંડિત નડિયાદમાં એન્જીનિયરીંગનો અભ્યાસ કરી રહ્યો હતો. અભ્યાસ પૂરો કરી ઓસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યો હતો. ગુંજન અવાર-નવાર વડતાલ મંદિરે દર્શને આવતો ને ગુરુના આસને દર્શન કરી પૂ.સ્વામીની સેવાનો લાભ લેતો.
એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યા પછી આગળ અહીંયાં જ નોકરી કરવી કે વિદેશ જવું ? વિઝા મળશે કે કેમ ? વિદેશની યુનિવર્સીટઓની જરૂરિયાત પૂરી કરવાની, ત્યાં સેટ થવાનું, ભણવાનું અને નોકરી કરવાની આ બધું કેવી રીતે કરી શકીશ ? આવી દ્વિધાઓમાં ગુંજન એક વખત વડતાલ આવ્યો. મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરી ગુરુના આસને જઈને ગુરુનાં ચરણ પકડીને પોતાની વિદેશ જવાની ઈચ્છા રજૂ કરી. પરંતુ ગુરુ મૌન રહી નિયમની માળા કરતા હતા. માત્ર માથે હાથ મૂકીને સામું જોઈને મંદ સ્મિત કર્યું. આટલાથી ગુંજનને વિશ્વાસ જાગ્યો કે મારું કામ થઈ જશે. થોડા સમય પછી ગુંજનને વિઝા મળી ગયા. ઓસ્ટ્રેલિયા જવાનું નક્કી થઈ ગયું. તારીખ પણ આવી ગઈ.
ગુંજન દોડીને વડતાલ મંદિરે દર્શન કરી ગુરુના આસને આવી ગુરુને વિદેશના વિઝા મળી ગયા એ બાબતે વાત કરી. આજે ગુરુએ મૌન તોડીને કહ્યું, ‘તારે ક્યાંય જવાની જરૂર નથી, તું અહીંયાં જ રહે.’ આટલું સાભંળી ગુજંન ગુરુદેવ સામુ જોઈ રહ્યો. એક તરફ વિદેશ જવાની તીવ્ર ઈચ્છા, બીજી બાજુ ગુરુજી ની મરજી. ગુંજનને પોતાના ગુરુના વચનમાં અડગ વિશ્વાસ હતો. તરત જ નિર્ણય લઈને કહ્યું "જેવી ગુરુજીની મરજી." એમ કહી ગુરુનાં ચરણમાં મસ્તક નમાવ્યું. પૂ.સ્વામીએ પોતાનો કોમળ હાથ માથે મૂક્યો. ઘેર જતા ફરીવાર મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજનાં દર્શને જઈ પ્રાર્થના કરી કે, ‘મને મારા ગુરુજીની મરજીમા રેહવાનું બળ દેજો.’
આ પ્રસંગ બાદ ત્રીજા જ દિવસે ગુંજનને અમદાવાદમાં સારી કંપનીમાં નોકરી મળી ગઈ ને ઘેર બેઠા નોકરી મળી, તેના કરતાં વધુ આશ્ચર્ય તો ત્યારે થયું કે, ઓસ્ટ્રેલિયામાં જે યુનિવર્સિટીમાં ગુંજને એડમિશન મેળવ્યું હતું ત્યાં જ ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવા લાગ્યા. આ સમાચાર સાંભળતાં જ ગુંજનના મનમાં પોતાના ગુરુજીની કૃપાનો દૃઢાવ થયો કે, મહારાજે મારા ગુરુજીમાં રહીને મને મોતના મુખમાંથી બચાવ્યો !
ત્યારબાદ ગુંજન નોકરીમાં રજા પાડીને વડતાલધામમાં બિરાજતા શ્રીહરિકૃષ્ણ મહારાજનાં ચરણમાં દંડવત કરી મહારાજને Thank You કહીને સીધો જ ગુરુના આસને આવી ગુરુનાં ચરણોમાં ઢળી પડ્યો ને કહ્યું કે, ‘ગુરુજી આપની કૃપાથી હું બચી ગયો !’
વહાલા ભક્તો ! ગુંજનને વિદેશ જવાનો મોહ તો હતો, પરંતુ તેના કરતાં પોતાના ગુરુના ગમતામાં રહેવાનું તાન વધુ હતું, તો આવા મોટા દુ:ખથી બચી ગયો ને સુખિયો થઈ ગયો. મહારાજ અને મોટા સંતના વચનમાં વિશ્વાસ રાખીને તેઓ જેમ કહે તેમ કરીએ તેમાં ક્યારેય નુકસાન થાય જ નહીં. હા, જ્યારે તેઓ આપણી ઈચ્છા પૂરી ન થવા દે ત્યારે શરૂઆતમાં નુકસાન જેવું લાગે, બીજા કરતાં પાછળ રહી ગયા હોઈએ તેમ લાગે; પણ તેઓ આપણને મોટા દુ:ખથી બચાવવા કઠોર હૃદય રાખી આપણને રોકતા હોય છે. અને તે રોકણીમાંથી જ આપણે સુખી થઈએ છીએ. માટે આપણે પણ મહારાજ અને મોટા સંતોના વચનમાં વિશ્વાસ રાખી તેઓ જેમ કહે તેમ કરવા કટિબદ્ધ થઈએ.