સત્સંગની દિવ્યતા - રઘનાથ ભક્તની સેવા-ભક્તિ

સત્સંગની દિવ્યતા - રઘનાથ ભક્તની સેવા-ભક્તિ

સુંદરિયાણા ગામમાં એક શૂરવીર સંતસ્નેહી રઘનાથ ભક્ત રહેતા હતા. તેમને ભગવાન ને સંતોના મહિમાની વાતો કરવાનું અંગ હતું. ગામમાં કુબેર ભક્ત ને કાલીદાસ ભક્તને વાતો કરી સત્સંગી કર્યા હતા. રઘનાથ ભક્તનાં મા-બાપ આદિક ઘરનાં કોઈને સત્સંગ ન હતો. પોતે એકલા અડગ રહી પ્રગટ ભગવાનની ભક્તિ તથા સંતોની સેવા-સમાગમ ઉમંગથી કરતા હતા.

જ્યારે ઓગણોતેરો કાળ પડયો હતો, ત્યારે શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા કરી હતી કે, ‘તમારે આ કાળ વર્ષમાં હરિભક્તોને પીડવા નહીં. ભક્તો પીડાય ત્યાં રહેવું નહીં. કેમ જે, કાળવર્ષમાં અન્નની ખોટ છે.’ પરંતુ, રઘનાથ ભક્તને પોતાને ગામ સંત-મંડળ રાખીને ભગવાન ભજવાનું તાન બહુ; તેથી સદ્દગુરુ શ્રીબળભદ્રાનંદ સ્વામીને હાથ જોડીને કહ્યું, “આપ મંડળ સહિત મારે ગામ પધારો અને અમને મહારાજનાં લીલાચરિત્રો સંભળાવી મહારાજનું સુખ આપો.” ત્યારે સ્વામી કહે, “જે ગામમાં થોડા સત્સંગી હોય ત્યાં સંતમંડળ લઈને જવાની મહારાજની આજ્ઞા નથી. કેમ જે, કાળવર્ષમાં અન્નની ખોટ છે. વળી, તમારા ગામમાં ત્રણ ઘર જ સત્સંગીનાં છે, તેથી સત્સંગી પીડાય. માટે નહીં આવીએ.” ત્યારે રઘનાથ ભક્ત કહે, “ગામમાં ભિક્ષા મળે છે, માટે સુખેથી પધારો, કોઈને પીડા નહીં થાય ને મહારાજની આજ્ઞા નહીં લોપાય.” એમ કહીને સંતમંડળ પોતાને ગામ લઈ ગયા.

પછી રઘનાથ ભક્તે ગામમાં કોઈના ઘરે ચોખા, કોઈના ઘરે દાળ, ઘઉં-બાજરો વગેરે સીધું આપ્યું ને કહ્યું, “તમે સૌ આમાંથી ખાજો ને અમારા સાધુ આવે ત્યારે તેની ઝોળીમાં આપજો. ને અન્ન ખૂટે ત્યારે મને કહેજો, હું નવું આપી જઈશ. આ સ્વામિનારાયણ ભગવાનના સાધુ તમારે ઘેર સીધું લેશે, તેનું પુણ્ય તમારે બહુ થાશે.” એમ ગામમાં બિનસત્સંગીને સમજાવ્યું. પછી સંતો દરરોજ ઝોળી માંગે, અને બધા જ ઘરેથી સંતોને ઝોળી પૂરતી મળી રહેતી. તેથી સંતો આનંદથી ઘણા દિવસો રહ્યા. તેવામાં રામદાસ સ્વામીનું મંડળ સુંદરિયાણા આવ્યું. ત્યારે રઘનાથ ભક્તે ગામમાં બધાને કહી દીધું કે, “રામદાસ સ્વામીનું સંતમંડળ આવ્યું છે માટે અધિક અન્ન આપજો.” એટલે બધાંએ સીધું ડબલ આપ્યું.

વહાલા ભક્તો ! મહારાજે આપણને જે કાંઈ આપ્યું છે તેમાંથી જેટલું સંતો-ભક્તો અર્થે વપરાય તેટલા મહારાજ વધુ રાજી થાય. અને મહારાજ રાજી થાય પછી બીજું શું જોઈએ ?

સાંજે સંધ્યા આરતી વખતે ગામના બધા લોકો દર્શને આવ્યા. ત્યારે રઘનાથ ભક્તે બધા ગામના લોકોને શીખવ્યું કે, “રામદાસ સ્વામી પૂછે કે, તમે સત્સંગી છો ? તો સર્વેએ હા પાડવી. બસ, આ એક જ જવાબ આપવો, પણ ફેરવવો નહીં.” આરતી, ધૂન બાદ સભા થઈ એટલે રામદાસ સ્વામીએ પૂછ્યું, “તમે બધા સત્સંગી છો ?“ ત્યારે બધાએ કહ્યું, “હા, અમે સત્સંગી છીએ.” ત્યારે રામદાસભાઈએ બીજી રીતે પૂછ્યું, “સત્સંગીના વર્તમાન કહી બતાવો.” ત્યારે કોઈ બોલ્યું નહીં. પછી રઘનાથ ભક્ત કહે, “સ્વામી, આ બધા હમણાં જ સત્સંગી થયા છે.” ત્યાં તો સભામાંથી એક જણ બોલ્યો ,“સ્વામી, આ રઘનાથ ભક્ત અમારે ઘેર અન્ન દઈ ગયા છે, તે અમે પણ એમાંથી જમીએ છીએ ને સંતોની ઝોળીમાં આપીએ છીએ.”

આ વાત સાંભળી રામદાસ સ્વામીએ રઘનાથ ભક્ત સામું જોયું ને કહ્યું, “અમારું વચન ન માન્યું ને તમારું ગમતું કર્યું ને ?” તે સાંભળી રઘનાથ ભક્ત કહે, “સાંભળો સ્વામી, મારા ઘરે મારાં મા-બાપ આદિક કોઈને સત્સંગ નથી. હું કમાઉં છું ને તે બધાય ખાય છે. માટે મેં વિચાર્યું કે, સાધુ અર્થે બધું વાપરી નાંખવું ને ખૂટે ત્યારે સાધુ થાવું.” ત્યારે રામદાસ સ્વામીએ રાજી થઈ હસીને કહ્યું, “તેં સાધુ અર્થે બધું વાપરી નાખવા ધાર્યું છે. તે તારે ઘેર અન્ન, ધન ક્યારેય ખૂટશે જ નહીં.” પછી સ્વામીએ આશીર્વાદ આપતા કહ્યું, “તારાં મા-બાપ તથા સર્વેને સત્સંગ થાશે.”

પછી રામદાસ સ્વામી ત્યાંથી બીજે ગામ ફરવા ગયા. પછી રઘનાથ ભક્તે ઘેર જઈને પોતાનાં મા-બાપને પૂછ્યું કે, “આવા કઠણ વર્ષમાં દાણા ક્યાંય પાક્યા નથી અને આપણે ચારસે મણ દાણા થયા, તેનું કારણ કહો.” ત્યારે રઘનાથ ભક્તનાં માતા-પિતાએ કહ્યું, “બેટા, તે તો તું જાણે, અમને કાંઈ ખબર નથી પડતી.” ત્યારે રઘનાથ ભક્ત કહે, “આપણે ચારસે મણ દાણા થયા એ તો સ્વામિનારાયણ ભગવાનની ને એમના સાધુની કૃપાથી થયા. આ સાધુ ભગવાનને અત્યંત વ્હાલા છે. તેમની ઝોળીમાં અન્ન આપ્યું તેનું પુણ્ય થયું.” ત્યારે તેમનાં મા-બાપે કહ્યું, “બેટા, શા માટે છાની રીતે સંતોને આપે છે ? તને ગમે તેમ સાધુને જમાડ ને.” ત્યારે રઘનાથ ભક્ત કહે, “તમારે સત્સંગ નથી એટલે છાની રીતે મારે સાધુને આપવું પડે છે.” ત્યારે તેમનાં મા-બાપ કહે, “અમે અત્યારથી સત્સંગી થઈએ ને હેતે હરિના ગુણ ગાઈએ.” પછી રઘનાથ ભક્તનાં માતા-પિતા તથા તેમનો નાનો ભાઈ હરિ તથા તેમનો દિકરો નરોત્તમ સર્વે સત્સંગી થયાં.

માટે વહાલા ભક્તો ! મહારાજે આપણને જે કાંઈ આપ્યું છે તેમાંથી જેટલું સંતો-ભક્તો અર્થે વપરાય તેટલા મહારાજ વધુ રાજી થાય. અને મહારાજ રાજી થાય પછી બીજું શું જોઈએ ?