સત્સંગની દિવ્યતા - મહિમા બરાબર આનંદ...

સત્સંગની દિવ્યતા - મહિમા બરાબર આનંદ...

એક દિવસે શ્રીજીમહારાજે સભા કરીને વાત કરી કે, “અક્ષરધામના પતિ જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તે અગણિત જીવોનો મોક્ષ કરવા અને તેના મૂળ અજ્ઞાનનો નાશ કરવા આ પૃથ્વીને વિષે આવે છે. પણ તેનો જેને જેટલો મહિમા સમજાય છે તેને તેટલું સુખ પ્રાપ્ત થાય છે.

ત્યાં એક દૃષ્ટાંત એ કે માનસરોવરને વિષે કમળના નાળમાં ચંદ્રકાંતમણિ થાય છે. તેનો જેને જેટલો મહિમા સમજાય તેને તેટલું ફળ મળે છે. તે કેવી રીતે ? તો માનસરોવરનો હંસ ને એક બીજા સરોવરનો હંસ તે ભેળા થાય ત્યારે એકબીજાના તળાવે જાવાની તાણ કરે. તેથી એકવાર માનસરોવરનો હંસ પોતાના ભાઈબંધ સારુ ચંદ્રકાંતમણિની ભેટ લઈને ચાલ્યો, ત્યારે રસ્તામાં સાંજ પડી તેથી ખેતરની વાડ ઉપર દૂધી હતી તેને કોચીને તેમાં ચંદ્રકાંતમણિ મૂકીને પોતે નજીકના વૃક્ષ ઉપર સૂઈ ગયો. પછી સવારે વહેલો ઊઠીને ચાલ્યો ને તે મણિ લેતા ભૂલી ગયો. પછી ત્યાં થઈને કોઈ કઠિયારો નીકળ્યો. તેણે તે દૂધી શાક માટે લઈ લીધી. ગામમાં જઈ લાકડાંનો ભારો વેચીને તેના દાણા લઈ ઘેર આવ્યો. પછી શાક કરવા તે દૂધી સુધારવા બેઠો, ત્યારે તે દૂધીમાંથી મણિ નીકળ્યો. તે લઈને કોઈ વાણિયાની દુકાને મસાલો લેવા ગયો. તે વાણિયાએ તે મણિ રાખીને કઠિયારાને અરધો શેર મસાલો આપ્યો. પછી તે વાણિયે તે મણિ બીજા વેપારીને પાંચ રૂપિયામાં આપી દીધો. ને તે વેપારીએ કોઈ શહેરમાં જઈ પચાસ રૂપિયામાં આપ્યો. ને તેણે કોઈ મોટા શહેરમાં મોટા વેપારીને આપ્યો ત્યારે તેના પાંચસો રૂપિયા આપ્યા. ને તેની પાસેથી બીજા શેઠે પાંચ હજારમાં લીધો. ને તેણે કોઈ મોટા શહેરમાં જઈ ઝવેરીને બતાવ્યો ત્યારે તેણે તેના પચાસ હજાર રૂપિયા આપ્યા. ને તેના બીજાએ લાખ દીધા. ને તેણે એક મોટા શહેરમાં જઈ કોઈ ઝવેરીના દીકરાને બતાવ્યો.

ત્યારે તે ઝવેરીને દીકરાએ કહ્યું, ‘અમારે સોનામહોરોની સાઠ કોટડિયો ભરી છે, તો તમે સો મોટલિયાઓ લાવીને સવારથી સાંજ સુધી સરાવી જાઓ.’ પછી તે સો મોટલિયા લાવીને આખો દિવસ સરાવીને સોનામહોરો લઈ ગયો. ત્યારે તે શહેરનાં બધાં માણસો બોલવા લાગ્યાં કે, ‘છોકરે બાપનું કમાયેલું ધન ઉડાવી દીધું.’ પછી તે છોકરાનો બાપ પરગામ ગયો હતો તે આવ્યો ને કહ્યું, ‘તેં શી ચીજ લીધી છે ? તે બતાવ.’

ત્યારે તે છોકરે પેટીમાંથી કાઢીને તે મણિ બતાવ્યો. તેને બાપે તે હાથમાં લઈને જોયો ને બોલ્યો કે, ‘તેં તેમને એક દિવસની કમાણી પણ આપી નહીં. કારણ કે આ મણિને પૂનમની રાત્રીએ ચંદ્રમા માથે આવે ત્યારે થાળીમાં પાણી ભરીને તેમાં મેલીએ ત્યારે મણિમાંથી કિરણો નીસરે. તે કિરણો અને ચંદ્રમાના કિરણો એક થાય તે ટાણે ચંદ્રમામાંથી સોનામહોરો ઝરે, તે આખો ચોક ભરાઈ જાઈ; એટલી એની કિંમત છે.’ પછી તેમણે પૂનમની રાત્રીએ તે પ્રમાણે કરી જોયું, એટલે તેની કોટડીઓ એક જ વખતમાં પાછી હતી તેટલી ભરાઈ ગઈ; તેમ શ્રીપુરુષોત્તમનારાયણ એવા જે અમે તે અમારો જેટલો મહિમા સમજાય તેવી પ્રાપ્તિ તેને થાય ને તેવું તેને સુખ મળે.”

વહાલા ભક્તો ! શ્રીજીમહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના ૫૧મા વચનામૃતમાં એમ વાત કરી છે જે, “એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવનાં કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઈન્દ્રિયો-અંત: કરણ સર્વે પુરુષોત્તમરૂપે થઈ જાય છે, ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે.”

માટે આપણે પણ સંતોનો સમાગમ કરી અતિશય હેત અને શ્રદ્ધાથી કથા-વાર્તાનું શ્રવણ કરીશું, તો સર્વાવતારી શ્રીસ્વામિનારાયણ ભગવાનનો મહિમા દિવસે દિવસે વધતો જશે અને જેમ જેમ મહિમા સમજાશે તેમ તેમ પુરુષોત્તમનારાયણનું સુખ અધિક ને અધિક આવતું જશે.