
એક સમયે અગતરાઈના પરમ ભક્ત પર્વતભાઈના દીકરા મેઘજીના વિવાહ હતા. લગ્નના અમુક દિવસો અગાઉ જેને ઘેર લગ્ન હોય ત્યાં ગામનાં સગાંવહાલાં સૌ ગીત ગાવા આવે, પરંતુ પર્વતભાઈના ઘરે કોઈ ગીત ગાવા આવે નહીં. તેથી પર્વતભાઈનાં ધર્મપત્ની રાધાબાઈએ કહ્યું જે, 'આપણે ગરીબના ઘરે કોણ ગીત ગાવા આવે ? શાહુકારને ત્યાં સહુ જાય.' તે વાત સાંભળીને પર્વતભાઈ બોલ્યા જે, 'તમારે ગીત ગવડાવવા લાવવા હોય તો તમારાં ઘરેણાં લાવો, તે વાણીયાને ત્યાં વેચીને સીધું સામાન લાવીએ.' પછી રાધાબાઈએ પોતાનાં ઘરેણાં આપ્યાં. તે ઘરેણાં અને એક બળદ વેચીને સીધું સામાન લાવીને ઓરડામાં ભર્યું.
પછી પર્વતભાઈએ ગઢડે જઈ મહારાજને સંતો-ભક્તો સહિત પોતાને ઘેર પધારવાની વિનંતી કરી, ત્યારે ભક્તવત્સલ ભગવાન પર્વતભાઈને રાજી કરવા પર્વતભાઈના ઘરે પધાર્યા. હવે તો મહારાજ ને સંતો પધાર્યા એટલે કથા-વાર્તા ને કીર્તનની રમઝટ થાય ને સારામાં સારી રસોઈ બને. પ્રથમ દિવસે કંસારની રસોઈ હતી. તેમાં મહારાજે સહુ સંતો-ભક્તોને કંસારમાં અખંડ ધારે ઘી પીરસ્યું. આ મહારાજની પીરસણ લીલા જોઈને પર્વતભાઈ રાજી થયા. સાંજે સીધાની રૂમમાં જોયું તો ઘી, લોટ-ગોળ વગેરે સીધું ખૂટી ગયેલું ને વાસણ ધોઈને ઊંધા વાળેલાં, પરંતુ સવારે જોયું ત્યાં બધાં વાસણ સવળાં તથા ઘી-ગોળ વગેરેથી ભરેલાં દેખાયાં. તે જોઈને સહુ આશ્ચર્ય પામ્યા; એમ સોળ દિવસ સુધી સારી-સારી રસોઈ કરીને સહુને જમાડ્યા. પછી તો સહુ ગામના લોકો પણ કથા-વાર્તા અને કીર્તનનો લાભ લેવા આવવા લાગ્યા.
પછી સોળમે દિવસે મેઘજીને વરઘોડે ફેરવ્યો. તે સમયે રોઝો ઘોડો શણગાર્યો અને મહારાજે પોતાનાં વસ્ત્ર મેઘજીને પહેરાવ્યાં ને કહ્યું, 'ઘોડે બેસો.' ત્યારે મેઘજી કહે, 'હું નહિ, મહારાજ આપ બેસો.' પછી મહારાજ ઘોડે બેઠા અને વરઘોડો આખા ગામમાં ફેરવ્યો. એ રીતે મેઘજીનાં વાજતે-ગાજતે લગ્ન થયાં. પછી સહુ પર્વતભાઈના ઘરે પધાર્યા. પછી મહારાજ સૂવા પધાર્યા ત્યારે મહારાજ કહે, 'અમારી આંખમાં ઘાસનું કણું પડ્યું છે તે કોઈને કાઢતા આવડે છે ?' પછી તો બે-ચાર જણાએ કણું કાઢવા પ્રયત્ન કર્યા પણ કોઈથી કણું નીકળ્યું નહીં.
ત્યારે રાધાબાઈએ કહ્યું, 'હે મહારાજ ! અમારે ઘરે નવી પરણીને આવેલી મેઘજીની વહુ કેસરબાઈને કણું કાઢતા આવડે છે.' પછી મહારાજ કહે, 'તેમને બોલાવી લાવો.' ત્યારે કેસરબાઈ લાજ કાઢીને આવ્યા. ત્યારે મહારાજ કહે, 'આમ લાજ કાઢીને અમારું કણું થોડું નીકળે ?' એમ કહી મહારાજે પોતાનાં હાથે કરીને લાજને કોરે કરી ને કહ્યું, 'હવે કણું કાઢો.' ત્યારે કેસરબાઈએ મહારાજનાં નેત્ર નીરખીને જોયાં ને જીભે કરીને કણું કાઢ્યું. ત્યારે મહારાજે કહ્યું, 'કેસર ! તમે અમારું કણું કાઢ્યું, માટે આ આંખે જે દેખાય તેનું સર્વ પુણ્ય તમારું છે અને તમે અમારું કણું કાઢ્યું તેથી તમારા અનેક જન્મનું પાપરૂપ કણું અમે કાઢશું અને આ જ જન્મે અમારા અક્ષરધામમાં લઈ જઈને અખંડ અમારી સેવામાં રાખશું.' એમ વર આપ્યો..
વહાલા ભક્તો ! ભગવાન કેવા ભક્તવત્સલ છે ! પોતાનાં ભક્તને આધીન થઈને કેવા લાડ લડાવે ! પર્વતભાઈના દીકરાના વિવાહમાં પધાર્યા. પોતાનાં પ્રતાપથી સીધું ખૂટવા ન દીધું. રોજે કથા-કીર્તન કરી પ્રસંગને શોભાવ્યો. નવી પરણીને આવેલી કેસરબાઈને સારું પોતાની આંખમાં કણું પડવા દીધું ને કેસરબાઈ દ્વારા કઢાવીને કેવું વરદાન આપ્યું...! અહો ! 'રાજી થયાનું પોતે કરાવી રાજી થાઓ છો કેવા કૃપાળુ...' અહો ! કેવા મજાના ભગવાન આપણને મળ્યા છે....!!