
આ હા… હા… ટેસ્ટી દાબેલી, સ્વાદિષ્ટ પીત્ઝા, ગરમાગરમ પાઉંભાજી, પાણીપુરી, ભજિયાં, ચારે બાજુ દૂર સુધી ફેલાતી તેની સુગંધ… આ બધું દૃશ્ય જોતાં મન બહુ જ લલચાય. હાર્મની હોટલ પાસેથી પસાર થતાં મન સાથે બહુ જ લડવું પડે. એમાં પણ જો ભૂખ લાગી હોય ને મિત્રોનો થોડો પણ આગ્રહ ભળે એટલે રણસંગ્રામમાં કૂદી પડેલો યોદ્ધો લડવાનું બાજુ પર મૂકીને બસ એમ જ હાર સ્વીકારી લે. રોજનો મારો આ ક્રમ બની ગયેલો. આ લડાઈ હું શત્રુ સામે લડું છું કે મિત્ર સામે; એની ખુદ મને પણ ખબર ન રહે. પરંતુ ખરું કહું પ્રશાંતભાઈ ! સત્સંગના અજોડ પ્રતાપથી આજે હવે આ બધી વાત મારા માટે ભૂતકાળ બની ગઈ છે. હવે ગમે તેટલી વાર એ બજાર કે હોટલ પાસેથી નીકળવાનું થાય; જરાય નથી લડવું પડતું. આજે આ અભિષેક ઉપર પ્રભુકરુણાનો એવો તે અભિષેક થયો છે કે છેલ્લા દોઢ-બે વર્ષથી મારું પસંદગીનું મેનું લખાવવાનું બંધ થઈ ગયું છે.
અભિષેકનો અનુભવ સાંભળ્યા બાદ પ્રશાંતભાઈ પોતાનો સ્વાનુભવ શેર કરવા લાગ્યા, ‘અભિષેક ! આજથી સાતેક વર્ષ પહેલાંની મારી વાત કરું તો હું બધીય વાતે પૂરો હતો, પણ આ કથા એવી તે ઘસાણી કે મને મૂળગો બદલી નાંખ્યો. પહેલાં તો હું ફિલ્મ જોવાનો એવો રસિયો હતો કે ખાવા-પીવાનું પણ ભૂલી જતો, પણ હવે એમ રહે છે કે
ભલા છાણે ચડાવીને વીંછી આપણા ઘરમાં શું લાવવો ? આપણા હૃદયમાં એ બધો ગંદવાડો નાંખી આપણે પોતે જ તેને ગંધારું બનાવી દઈએ તો પછી મારો પ્રભુ ત્યાં કેમ રહી શકે ?
અભિષેક ! પ્રભુ પ્રસ્થાપિત આ સત્સંગથી મારા-તારા જેવા અનેક જીવોમાં જબરો બદલાવ આવે છે. ગ.પ્ર.૩૦મા વચનામૃતમાં શ્રીહરિએ આ સત્સંગનો પ્રતાપ જણાવતાં કહ્યું છે કે, ‘જે નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે-વિચારે તો તેના રજ-તમના તમામ મલિન ઘાટ ટળી જાય છે.’ પૂર્વે જોબન પગી, મૂંઝાસુરુ, અભેસિંહજી જેવા અનેક લોકો સત્સંગના પ્રતાપે જ તો બદલાઈને પરમ ભક્તરાજ થયા છે, ને એના એ સત્સંગથી આજ પણ પ્રેક્ટિકલ જોઈએ તો વ્યક્તિમાં કેવો કલ્પનાતીત બદલાવ દેખાય છે !
પ્રશાંતભાઈની વાત સાંભળી અભિષેકે તેમની વાતમાં સૂર પુરાવતાં કહ્યું, ‘પ્રશાંતભાઈ ! તમારી બાજુમાં રહેતા પેલા દર્શનની વાત આપ જાણો જ છો ને ! બસ બે જ વર્ષમાં એનામાં આટલો બદલાવ છે. જ્યારથી તે સવારની કથા સાંભળતો થયો; રોજ કાંઈક નવો નિખાર આવતો જાય છે. આ તો રોજનો ઘસારો… નરમ દોરડી પથ્થર પર પણ જબરા કાપા પાડે હો. આંગળી જેવી નાની એવી જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો પાણીનો મોટો ધરો ભરાય; એ મહારાજની કરેલી વાત સાવ સાચી હો.’ આટલી વાત થતાં પ્રશાંતભાઈએ કહ્યું, ‘અભિષેક ! દર્શનની વાત સાંભળતાં મને હમણાંનો જ તેનો એક પ્રસંગ યાદ આવે છે.
એકવાર હું તેને ઘેર ગયો. તેની સેવાની નિયમિતતા, શ્રદ્ધા, ભાવના અને તેનું નિર્માનીપણું જોઈ મને થયું ચાલ થોડો રાજીપો વ્યક્ત કરી તેને આ માર્ગે થોડો PUSH કરું. આમ વિચારી મેં શરૂ કર્યું. હું થોડુંક જ બોલ્યો હઈશ ત્યાં તો એની આંખમાં શ્રાવણ-ભાદરવો શરૂ થઈ ગયો; અને મને બોલતો બંધ કરી એ તો બોલવા જ માંડ્યો… મને કહ્યું, પ્રશાંતભાઈ ! આપે પહેલાંના દર્શનિયાને ક્યાં નથી જોયો ! ને હાલનો દર્શન તો આ સત્સંગની કમાલ છે. આમ કહી તેણે પોતાના મોબાઈલમાંથી એક કથાની ક્લિપ કાઢીને કહ્યું, ‘જુઓ, આ દર્શનિયો આ કથાથી બદલાયો છે.’ પૂ.ગુરુજી અને સંતોની વાતો તો પથ્થર જેવા જીવને પણ કેવો સુંદર ઘાટ આપી જાય છે ! આમ કહી તેણે સત્સંગના અંગભૂત પાત્રોને એક પછી એક સંભારવા માંડ્યા…
“અમિતભાઈએ મને કુંસગથી પાછો વાળ્યો, જીગરભાઈએ યુવાસભામાં નિયમિત કર્યો, આશ્રયભાઈએ મને પહેલી વાર દંડવત કરતા શીખવાડ્યું, નિમેષભાઈ મને રોજ કથાની લિંક મોકલતા, ભાવેશભાઈએ મારું બહુ રાખ્યું, નિરવભાઈએ મને કરેલી મદદ હું ક્યારેય નહિ ભૂલી શકુંં.” અભિષેક ! તને નહિ મનાય, આમ થોડી જ વારમાં તેણે વીસેક જણાનાં નામ લઈ લીધાં. વળી કેટલાકના પ્રસંગો કહી ત્રણ વખત તો હીબકે ચડી ગયો. હું તો મારું બોલવાનું પડતું મૂકી એને સાંભળતો જ રહ્યો.
મને થયું કે દરેક વ્યક્તિના જીવનમાં કોઈકે ને કોઈકે મદદ તો કરી જ હોય છે; પણ આને જે એની નોંધ છે, એમનાથી જે પ્રભાવિત છે, જે તે પ્રસંગની એને જે હૃદયસ્પર્શી ફીલિંગ છે એ તો કાંઈક અનોખી જ છે. દર્શનના મહિમાપૂર્ણ અંતરનું દર્શન થતાં હું મારી જાત પ્રત્યે શરમિંદો થઈ ગયો. તેની કૃતજ્ઞતાના પ્રભાવમાં હું કાંઈક દેવાનું ભૂલી લેવાના ભાવ સાથે બેસી રહ્યો. સવા કલાકને અંતે પણ તેનો બીજાથી પ્રભાવિત થવાનો પ્રવાહ એટલો જ પ્રવાહિત થતો રહ્યો. છેવટે વાત બદલતા મેં કહ્યું, ‘દર્શન ! મેં સાંભળ્યું છે કે થોડા સમય પહેલાં મનિષભાઈએ…’ મનિષભાઈનું નામ સાંભળતાં જ દર્શનથી પોક મુકાઈ ગઈ. પરિસ્થિતિ એ આવીને ઊભી રહી કે એને રડતો બંધ કરવો એ મારા માટે અઘરું થઈ પડ્યું. પછી તો મેં વાતને વાળી લીધી ને થોડીવારમાં રજા લીધી.
અભિષેક ! સાચું કહું, રસ્તામાં મેં મને બરોબરનો લીધો. મેં મને કહ્યું કે, “પ્રશાંત ! તું સેવા તો ઘણી કરે છે; કથા પણ ઘણી સાંભળે છો, મોટભા થઈને કેટલાકને ઉપદેશ દે છો, અરે તને પોતાને ન આવડવા છતાં શિક્ષક બનીને બીજાને પાઠ પણ ભણાવી દે છો; પણ જ્યાં સુધી દર્શન જેવી દિવ્યતા, મહિમા, પ્રભાવિતપણું, ગુણ ગ્રાહીપણું નહિ આવે ત્યાં સુધી એ બધું… આ સત્સંગના પ્રતાપે નવા આવેલા પણ ટૂંક સમયમાં કેવા ગુણવાન બની જાય છે ને તારા જેવાને એ જ સત્સંગ મળવા છતાં ખરા અર્થમાં સત્સંગ ન કરવાથી વર્ષોથી ત્યાંના ત્યાં જ રહે છે..” આમ પ્રશાંતભાઈ અને અભિષેક પરસ્પર સત્સંગની મહત્તા વિષેના પ્રસંગો શેર કરી એ જ વિચારો સાથે છૂટા પડ્યા.
વહાલા ભક્તો ! સત્સંગ કરવા છતાં જો આપણામાં દર્શન જેવો બદલાવ ન આવે તો સત્સંગ કરવામાં કાંઈક ફેર છે; સત્સંગમાં નહીં. હાલ આપણે આ માર્ગમાં સુખી છીએ, પ્રગતિશીલ છીએ, ગુણવાન કે રાજીપાપાત્ર છીએ તો એ બધો આ દિવ્ય સત્સંગનો પ્રતાપ છે. સત્સંગના અંગરૂપ આ સંતો-ભક્તોએ જ આપણને ઘડી ઘડીને પ્રભુને ગમીએ એવા બનાવ્યા છે. તો હવે કથા-વાર્તા કરનારા, હૂંફ-બળ આપી આ માર્ગે આપણને આગળ વધારનારા સંતો-ભક્તો પ્રતિ આપણે દર્શન જેવા કૃતજ્ઞ, પ્રભાવિત, આભારી છીએ કે કેમ ??