સત્સંગનાં બ્લેકહોલ

સત્સંગનાં બ્લેકહોલ

સત્સંગનાં બ્લેકહોલ ? નવાઈ લાગે છે ને ! તો, સૌ પ્રથમ બ્લેકહોલ શું છે ? અને એ શું કરી શકે છે ? એ જાણીએ.

અનંતકોટી બ્રહ્માંડોમાં અનંત બ્લેકહોલ છે જે ભલભલા પદાર્થોને ગળી જાય છે. સાવ ટૂંકમાં, સાદી ભાષામાં કહીએ તો, બ્લેકહોલ એક એવો પદાર્થ છે, અવકાશમાં એવી જગ્યા છે કે જેનું ગુરુત્વાકર્ષણ ખૂબ વધારે હોય છે. આ ગુરુત્વાકર્ષણને કારણે કોઈના ગુરુત્વાકર્ષણમાં ન હોય એવા નધણિયાતા છૂટા પડેલા અવકાશી પદાર્થ; જ્યારે એની નજીકથી પસાર થાય ત્યારે તેમને પોતાના તરફ ખેંચીને ગળી જાય છે, ભરખી જાય છે. એ પોતે ક્યાંય જતું નથી, પણ બધા એની પાસે ફરતાં ફરતાં જાય છે અને હોમાઈ જાય છે. કોઈ પણ પદાર્થ એમાંથી બહાર છટકી શકતો નથી.

આમ, અવનવા પદાર્થો એમાં ઉમેરાતા જતાં એનું વજન(Mass) વધતું જાય છે અને ગુરુત્વાકર્ષણ પણ વધતું રહે છે. એ પ્રકાશને પણ ખેંચીને પોતાનામાં સમાવી લે છે. પ્રકાશનું કિરણ ફોટોન નામના કણોનું બનેલું છે. કોઈ બ્લેકહોલની નજીક જ્યારે પ્રકાશનું કિરણ આવે ત્યારે એને પણ પોતાનામાં ખેંચી લે છે. આમ ત્યાંથી પ્રકાશનું પરાવર્તન ન થવાથી અને પોતે પણ કોઈ પ્રકાશ ફેંકતું ન હોવાથી, એ દેખાતું નથી. અંધારા કૂવા જેવા એ પદાર્થને અવકાશયાત્રીઓ પણ જોઈ શકતા નથી, આથી એને બ્લેકહોલ કહે છે.

છેલ્લા સંશોધન મુજબ આપણાથી સૌથી નજીકનું બ્લેકહોલ ૧૫૦૦ પ્રકાશ વર્ષ(જે પ્રકાશનું કિરણ પ્રતિ સેકંડ ત્રણ લાખ કિ.મીની ગતિથી નીકળે તે ૧૫૦૦ વર્ષે જ્યાં પહોંચે એટલું અંતર !) દૂર છે, જેનું વજન સૂર્ય કરતાં ત્રણ ગણું છે. આ પૃથ્વી ઉપર પણ એટલેન્ટિક મહાસાગરમાં, બર્મ્યુડા ટ્રાયેન્ગલ નામે એક જગ્યા છે. ત્યાં કોઈ જહાજ કે વિમાન જાય તો ખેંચાઈ જઈને નાશ પામે છે. ત્યાં કોઈ રહસ્યમય ખેંચાણ છે કે જે પદાર્થોને ખેંચી લે છે.

અવકાશમાં અનેક પ્રકારના પૃથ્વી જેવા જીવતા ગ્રહો છે કે જે કોઈ ને કોઈ સૂર્યની આસપાસ ફરે છે. અવકાશમાં નાશ પામેલા, તૂટી ગયેલા ગ્રહોના ટુકડાઓ પણ નધણિયાતાની જેમ ફર્યા કરે છે. એ કોઈ સૂર્યની આસપાસ ફરતા નથી. પૃથ્વીનો તો સૂર્ય ધણી છે અને એ એની આજુબાજુ યુગોથી ફર્યા કરે છે. એ સૂર્યના ગુરુત્વાકર્ષણથી છટકીને નધણિયાતી બની, આ અમાપ આકાશમાં ક્યાંય ફરવા નીકળી જતી નથી; નીકળે તો નાશ પામે.

સૂર્યમંડળના કોઈ ગ્રહની, સૂર્યમંડળથી બહાર થવાની ત્રણ શક્યતાઓ છે :

  1. સૂર્યમંડળના જ કોઈ અંદરના બ્લેકહોલની નજીક જવાથી નાશ પામવાને લીધે.
  2. સૂર્યમંડળની બહારના કોઈ બ્લેકહોલ નજીક જવાથી.
  3. સૂર્યમંડળના ગુરુત્વાકર્ષણથી બહાર નીકળીને પોતાનું સ્વતંત્ર, સૂર્ય જેવું મંડળ સ્થાપવાની ચ્છાથી.

સત્સંગનાં બ્લેકહોલ પણ ત્રણ પ્રકારનાં છે.

  1. આપણા પોતાના જ સત્સંગમાં જે બની બેઠેલા જ્ઞાની(Pseudo Intelligent બની બેઠેલા નિષ્ઠાવાન, બની બેઠેલા મહિમાવાન હોઈ શકે, જે પોતાનો અલગ ચોકો બનાવવાના પ્રયાસમાં હોય છે. એવાને આપણે જ્ઞાન-નિષ્ઠા-મહિમા દૃઢ કરવાના ચક્કરમાં ભટકાઈ જઈએ. એ આપણા માટે બ્લેકહોલ છે. એ આપણને સાચાં જ્ઞાન, નિષ્ઠા અને મહિમાની સાથે, સ્વઉપાર્જિત જ્ઞાન, નિશ્ચયમાં અનિશ્ચય, મહિમાની વાતો ભેગી અમહિમાની વાતો પણ પીરસવા લાગે છે. પછી ધીરેધીરે આપણું માન્ડ વોશ થઈ જતાં, આપણને પોતાને પ્રકાશ આપતા સૂર્યમાં કસર દેખાવા લાગે છે, અને આપણે એ બ્લેકહોલ જેવાના જ ઉપગ્રહ જેવા બની જતા હોઈએ છીએ. હોઈએ સૂર્યના જ મંડળમાં જ, પણ હવે સૂર્યને બદલે પૃથ્વી આસપાસ ફરવા લાગીએ છીએ ! આપણે સૂર્યના પ્રકાશથી નહિ પણ પૃથ્વીથી પરાવર્તિત થઈને આવતા સૂર્યપ્રકાશથી પ્રકાશિત બની જઈએ છીએ.
  2. સૂર્યમંડળમાં જ હોઈએ, પણ સૂર્ય સિવાય બીજા ગ્રહોના પણ સંકેત ઝીલવાના અભરખા જાગતાં, સત્સંગમાં જ હોઈએ પણ બહારના કોઈ જ્ઞાનનો પણ લાભ લેવા લગાય છે અને ત્યાંનું “ગુરુત્વાકર્ષણ” વધી જતાં, સૂર્યમંડળની બહાર નીકળી જવાય છે.
  3. આપણને થોડું જ્ઞાન વધતાં, સમજણ વધતાં જાતે જ સૂર્ય બનવાની ચ્છાઓ પ્રગટે છે કોઈની આસપાસ ફરવા કરતાં હવે આપણી આસપાસ પણ પૃથ્વી જેવા ગ્રહો ફરતા રહે તેવી ચ્છા થાય છે. આપણને આપણા સૂર્યથી પ્રકાશિત રહેવાને બદલે હવે સૂર્યની જેમ, સ્વતંત્ર રીતે બીજા કોઈને પ્રકાશવાનું મન થાય છે, અને એને પોતાની પ્રગતિ-સિદ્ધિ ગણીએ છીએ. આપણું પોતાનું જ્ઞાન કે સમજણ મોડર્ન મનાય છે અને સૂર્ય દ્વારા મળતો પ્રકાશ હવે મોળો-જૂનવાણી લાગવા માંડે છે. પછી હોઈએ ભલે સૂર્યના મંડળમાં અને પૃથ્વીની જેમ જ રહેતા હોઈએ, પણ ચંદ્ર જેવા એકાદ-બે જ્ઞાનપિપાસુ ઉપગ્રહ(શિષ્ય) મળી જાય છે.

પૃથ્વી, શુક્ર, ગુરુ જેવા ગ્રહોની આસપાસ એના ઉપગ્રહ ફરે છે અને એ આખા ટોળાને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સૂર્યની આસપાસ તો ફરવું જ પડે છે. સમય જતાં પોતાને ચંદ્ર જેવા અનેક ઉપગ્રહો વધી જતાં, હવે સ્વતંત્ર સૂર્યમંડળ સ્થાપવાની ચ્છા થવાથી, એ સૂર્યમંડળથી છૂટો પડવા કોશિશ કરતો રહે છે.

આ ત્રણેય બ્લેકહોલ છે; જેમાં ભરાઈ પડવાની ઘણી શક્યતાઓ છે. એમાં આજે નહિ તો કાલે આપણો સર્વનાશ જ છે. માટે, “જે સૂર્યમંડળમાં ભગવાને કરુણા કરીને રાખ્યા છે, તેમાં જે કાંઈ પ્રકાશ મળે છે, તે મારે માટે બરાબર જ છે,” એમ માની એમાંથી છટકવાની કે કોઈને છટકાવવાની કોશિશ ન કરીએ. સત્સંગમાં આ પ્રકારનાં અનેક બ્લેકહોલ, અનેક બર્મ્યુડા ટ્રાયએન્ગલ છે.

પંડિત દીનાનાથ ભટ્ટ જેવાનો નિશ્ચય પણ આવા બ્લેકહોલની નજીક થઈ જવાથી ડગી ગયેલો, જે પૂર્વવત્ ન જ થયો. જપાત્મક યજ્ઞ કરી, ભગવાનનાં દર્શન પામીને છપૈયા જતાં ભલાં ભોળાં ધર્મદેવ-ભક્તિમાતાને પણ જંગલમાં અશ્વત્થામા ભટકાઈ ગયેલો અને વાતવાતમાં, “ભગવાન એમને ત્યાં અવતાર લેવાના છે,” એવું બોલી જતાં; ભગવાનનાં દર્શન થવાં છતાં, દુ:ખી દુ:ખી થઈ ગયેલાં. માટે આ માર્ગમાં, આવા બ્લેકહોલથી સાવધાન રહેવું.

ભગવાનને પ્રાર્થના કરીએ કે, વચ.પ્ર.૪૯ મુજબ આપણી ચાર પ્રકારના કુસંગી થકી તો ખરી જ, પણ આવાં બ્લેકહોલ-બર્મ્યુડા ટ્રાયએન્ગલ જેવાથી પણ રક્ષા કરે !