
કરી મહારાજે મોટી મહેર, આણ્યો સત્સંગ રૂડી પેર;
એહ સત્સંગ છે મોટી વાત, એમાં કલ્યાણ છે સાક્ષાત.
વહાલા ભક્તો ! સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડમાં આવીને અનંત જીવોના કલ્યાણ માટે સત્સંગ સ્થાપ્યો. એ સત્સંગ એટલે શું ? ને એ સત્સંગ કેવી રીતે કરવો ? તેની મહારાજે અતિશય કરુણા કરીને વાત કરી છે. તે આપણે વાંચીએ, વિચારીએ અને જીવનમાં ઉતારીએ.
એકવાર શ્રીજીમહારાજ ગઢપુરમાં લીંબતરુ હેઠે દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયા. ને સંત તથા બ્રહ્મચારી તથા સોમ, સુરાદિક પાર્ષદ એ સર્વે જેમ ઘટે તેમ આવીને બેઠા. ને સભા અતિશે શોભતી હતી.
પછી શ્રીજીમહારાજ સર્વ સભાસદ પ્રત્યે બોલ્યા જે, “હે સભાસદો ! તમે સર્વે સાવધાન થઈને એકાગ્ર થાઓ. પછી મહારાજે અતિ કરુણા કરીને વાત કરી જે, તમે સર્વે સત્સંગી કહેવાઓ છો તે ‘સત્સંગ’ શબ્દને અર્થ સહિત ધારવો, પણ અર્થરહિત ન ધારવો.
તેનો અર્થ જે ‘સત્’ શબ્દે કરીને એક તો ભગવાન, બીજા સંત, ત્રીજો ધર્મ ને ચોથું એ ત્રણેયની જેમાં વાત હોય તેવું સત્શાસ્ત્ર; એ ચારને સત્ય કહેવાય ને એ ચારનો મન, કર્મ ને વચને કરીને જે પ્રસંગ તેનું નામ સત્સંગ કહેવાય.
ત્યારે તમે કહેશો જે, ધર્મ તે શું ? તો મહાભારતનું યુદ્ધ થયા પછી નરનારાયણ થકી સાંભળેલ જે ભાગવતધર્મ નારદે યુધિષ્ઠિરને કહ્યો જે, સત્ય, શૌચ, શમ, દમ, તપ, તિતિક્ષા, સંતોષ, આર્જવ એ આદિક ત્રીસ લક્ષણે યુક્ત જે ભાગવતધર્મ તે ધર્મ કહેવાય. ને તે પ્રમાણે વર્તાય તો જાણીએ જે, ધર્મનો સંગ થયો. ને ન વર્તાય ત્યારે તેટલો સંગ કર્યો ન કહેવાય.
ભગવાનનો સંગ પણ ત્યારે થયો કહેવાય જે, માહાત્મ્યપૂર્વક અનુવૃત્તિએ કરીને જે નવધાભક્તિ કરવી ને એમ ન થયું હોય તો ભગવાનનો પણ સંગ કર્યો કહેવાય નહીં. ને એકાંતિક સાધુનો સંગ થયો તે કેમ જણાય ? તો જે એકાંતિક સંતની અનુવૃત્તિમાં રહીને તેની પરિચર્યા હેતે કરીને કરે ને એમ ન વર્તાય તો સાધુનો સંગ પણ ન કહેવાય. ને શાસ્ત્રમાં જેમ કહ્યું હોય તેમ વિશ્વાસપૂર્વક વર્તાય ત્યારે શાસ્ત્રનો પણ સંગ થયો કહેવાય, નહિ તો ન કહેવાય.
વળી, ધર્મ કહ્યો તેમાં બ્રહ્મચર્યવ્રત રાખવું. તે ત્યાગીને અષ્ટપ્રકારે સ્ત્રીનો ત્યાગ ને ગૃહસ્થને પરસ્ત્રીમાત્રનો ત્યાગ કરવો, ને ચોવીસ એકાદશીઓ તથા અમાવાસ્યા આદિક પર્વના દિવસો તથા ભગવાનના જન્મોત્સવના દિવસો એ આદિકને વિષે ત્રણ-ત્રણ દિવસ પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખવો.
અને ચાર અસત્ શબ્દ કહેવાય છે જે, એક તો કાળ, માયા, કર્મ અને સ્વભાવ; તે અસત્ કહેવાય છે. કેમ જે, એ કાળાદિક સ્વતંત્ર ન કહેવાય, માટે એ પણ અસત્ છે. બીજો અસત્ પુરુષ તે કામ-ક્રોધાદિક અધર્મ સર્ગે સહિત છે, માટે તે અસત્ કહેવાય. ને ત્રીજો અધર્મસર્ગ તે પણ અસત્ કહેવાય. ને ચોથું એ ત્રણ્યને કહેતું એવું જે શાસ્ત્ર, તે અસત્ શબ્દે કરીને કહ્યું; માટે અસતને એ એ ચારનો જે સંગ તે કુસંગ કહેવાય, માટે એવાનો સંગ ન કરવો. ને જો રાખે તો આ લોકમાં ને પરલોકમાં અતિશે કષ્ટને પામે, ને ક્ષયાદિ રોગને ને જમપુરીના ને સંસૃતિનાં દુ:ખ પામે છે. ને પૂર્વે કહ્યો જે ચાર પ્રકારનો સત્સંગ તેને જે કરે છે તે તો મહાઅલૌકિક છે. માટે જીવના કલ્યાણનો જેને ખપ હોય તેણે તો શુભ, અશુભ, દેશાદિકનો વિવેક કરવો ને અશુભ દેશાદિક સેવવા જ નહિ ને નિરંતર શુભ દેશાદિક સેવવા ને તો જ આ લોકમાં ને પરલોકમાં સુખ થાય.”
વહાલા ભક્તો ! મહારાજે અતિશય કરુણા કરીને સત્સંગ અને કુસંગ ઓળખાવ્યો. સત્સંગ કોને કર્યો કહેવાય એ પણ સમજાવ્યું.
સદ્.ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં કહ્યું છે, ‘સત્પુરુષનો સંગ તો મન, કર્મ, વચને જ કરવો. તે મન, કર્મ, વચને એટલે શું ? તો કર્મ જે દેહ તેણે કરીને જેમ સત્પુરુષ કહે તેમ કરવું. ને વચને કરીને તો સત્પુરુષમાં અનંતગુણ રહ્યા છે તે કહેવા. અને મને કરીને તો મોટા સાધુને વિશે નાસ્તિકપણું આવવા દેવું નહીં; એમ વર્તાય ત્યારે મોટા સાધુનો સંગ મન, કર્મ, વચને કર્યો કહેવાય.’ આપણે પણ આવી રીતે મન, કર્મ, વચને સત્સંગ કરીશું તો મહાસુખિયા થઈશું.