
એક હતા રાજા તે પોતાના રાજ્યને ખૂબ જ સારી રીતે ચલાવતા હતા. રાજા ખૂબ જ કલાપ્રેમી હતા. પોતાની પ્રજામાં રહેલી શક્તિની ખૂબ જ કદર કરતા. અવારનવાર રાજ્યના નાગરિકોને કલામંડપમાં ભેગા કરીને, પોતાના રાજ્યના કલાકારોની અવનવી કલાનું સહુ ને અદ્ભુત દર્શન કરાવતા. ક્યારેક સંગીતકારોને, ક્યારેક નૃત્યકારોને, ક્યારેક હાસ્યકારોને, ક્યારેક સાહિત્યકારોને, ક્યારેક નાટ્યકારોને તો ક્યારેક ચિત્રકારોને બોલાવીને તેમની અદ્ભુત કલા જાહેર જનતા સમક્ષ રજૂ કરવાનો મોકો આપતા. કલા પ્રદર્શન કરનાર કલાકારની કલાની કદર કરીને યોગ્ય ઈનામ આપીને રાજી કરતા. રાજ્યના દરેક લોકો પોતાના રાજાથી ખૂબ જ ખુશ હતા.
એક વખત રાજાએ રાજ્યના ત્રણ ખ્યાતનામ ચિત્રકારોને રાજદરબારમાં બોલાવ્યા. ત્રણેય ચિત્રકારો ચિત્રકલામાં ખૂબ જ હોંશિયાર હતા અને એક એકથી ચડિયાતા હતા. રાજાએ કહ્યું, “મેં સાંભળ્યું છે કે તમો ત્રણેય ખૂબ જ સારાં ચિત્રો બનાવો છો તો તમને આજે ચિત્ર દોરવા માટે બોલાવ્યા છે. તમારે ત્રણેએ મારું પોતાનું ચિત્ર બનાવવાનું છે. અને એક માસ બાદ આવતી વસંત પંચમીએ મારા જન્મદિવસના કાર્યક્રમમાં કલામંડપમાં એકત્રિત થયેલા રાજદરબારીઓ અને રાજ્યની જનતા સમક્ષ તમારે મારું ચિત્ર રજૂ કરવાનું રહેશે. જેનું ચિત્ર સૌથી સારું હશે એને મોટું ઈનામ આપી સન્માનિત કરવામાં આવશે.”
પ્રજાવત્સલ આ રાજા અનેક ગુણે યુક્ત હતા, પણ દૈવયોગે એમને એક આંખ જ નહોતી. એટલે ચિત્રકારો મૂંઝાયા કે, હવે આવા એક આંખે કાણા રાજાનું ચિત્ર કેવી રીતે બનાવવું ? આપણા મહારાજાને ચિત્રમાં આંખ વિનાના બતાવવા એ એમનું અપમાન ગણાય; માટે શું કરવું ?
પ્રથમ ચિત્રકારે વિચાર કર્યો કે, “જો હું એક આંખે કાણા રાજાનું ચિત્ર બનાવીશ તો તે નિર્ણાયકોને નહીં ગમે. કદાચ એવું પણ બને કે ઈનામ આપવાને બદલે મને સજા પણ કરે. માટે રાજાને કાણા ચિતરવા યોગ્ય નથી.” આથી એમણે એવું ચિત્ર બનાવ્યું કે જેમાં રાજાની બંને આંખો સરસ હોય.
બીજા ચિત્રકારે વિચાર કર્યો કે, “રાજા હોય તો શું થયું ? જે સત્ય છે એ જ રજૂ કરવું જોઈએ. સત્યને છુપાવીશ તો મહારાજાને નહીં ગમે અને મને ઈનામ નહીં મળે.” તેથી એમણે જે ચિત્ર બનાવ્યું એમા રાજાને એક આંખે કાંણા બતાવ્યા.
ત્રીજા ચિત્રકારે વિચાર કર્યો કે, “રાજાને બંને આંખવાળા બતાવીશ તો હું સત્યને છુપાવીશ અને એક આંખે કાંણા બતાવીશ તો રાજાના ગૌરવને ઝાંખપ લાગશે.” છેવટે ભગવાને એને એક સુંદર વિચાર આપ્યો. ખૂબ જ આનંદ સાથે એમણે રાજાનું એક અદ્ભુત ચિત્ર તૈયાર કર્યું.
વસંત પંચમીના દિવસે મહારાજાના જન્મદિવસના કાર્યક્રમમાં કલામંડપમાં એકત્રિત થયેલા રાજદરબારીઓ અને રાજ્યની જનતા સમક્ષ ત્રણેય ચિત્રકારોએ પોતાનાં ચિત્રો એક પછી એક રજૂ કર્યાં. ત્રીજા ચિત્રકારે જ્યારે પોતે બનાવેલું રાજાનું ચિત્ર રજૂ કર્યું, ત્યારે સહુ કોઈ તે જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા.
રાજાના આ અદ્ભુત ચિત્રમાં કલાકારે એવી કલા રજૂ કરી હતી કે જેમાં રાજા ધનુષ્યબાણથી કોઈ નિશાન તાકતા હોય અને નિશાન તાકતા આ ચિત્રમાં રાજાની જે આંખ કાંણી હતી એ આંખને નિશાન તાકવાના હેતુથી બંધ કરેલી બતાવી.
રાજાના આ અદ્ભતુ ચિત્રને જોઈને કલામંડપમાં એકત્રિત થયેલા રાજદરબારીઓ અને રાજ્યની તમામ જનતાએ તાલીઓના ગડગડાટ સાથે ચિત્રકારને વધાવી લીધો. રાજા સહિત તમામ દરબારીઓ અને નિર્ણાયકોએ આ ત્રીજા ચિત્રકારના ચિત્રને ઈનામ માટે પસંદ કર્યું. જેમાં સત્ય યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું હતું. ચિત્રકારને રાજ્ય તરફથી ખૂબ જ સન્માન સાથે મહારાજાના હસ્તે મોટું ઈનામ આપવામાં આવ્યું.
વહાલા ભક્તો ! જો આપણે સત્યને છૂપાવવું યોગ્ય ન ગણતા હોઈએ તો તેને વરવી રીતે રજૂ કરવું પણ અયોગ્ય જ છે. સત્યને યોગ્ય રીતે રજૂ કરવા માટે આ ત્રીજા ચિત્રકાર જેવી રીત આપણે શીખવી જોઈએ. ઘણા લોકો સાત્વિક અભિમાનના ઘમંડમાં વાસ્તવિક સત્યને ઉલ્લંધીને પોતાના મનમાન્યા સત્યના વિચારોથી બીજાનો દ્રોહ કરતા હોય છે. આપણે માનેલું લૌકિક સત્ય પણ આખરે તો સાપેક્ષ જ હોય છે. ભગવાને સત્યનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે, “यद्रूतहितमत्यन्तं तत् सत्यम् ।” જેમાં જીવપ્રાણીમાત્રનું હિત સમાયેલું હોય તે જ સત્ય છે. શ્રીજીમહારાજે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે, “જેમાં પોતાનો ને બીજાનો દ્રોહ થતો હોય તેવું જે સત્ય વચન તે ન બોલવું.” પરંતુ સાત્વિક અહં એવું હોય છે કે, તેમાં પોતે પોતાને સંપૂર્ણ સાચો જ લાગે, પણ ભગવાન અને શાસ્ત્રોની દૃષ્ટિએ તે સાચું હોતું નથી.
વહાલા ભક્તો ! અસત્ય કરતાં સત્ય સારું છે. સત્ય પણ પ્રિય લાગે એવું અને સર્વનું હિત કરનારું હોય તો તે શ્રેષ્ઠ છે. પ્રિય સત્ય પણ ધર્મયુક્ત હોય તો તે વધારે શ્રેષ્ઠ છે અને ધર્મયુક્ત પ્રિય સત્ય પણ ભગવાનની મરજી પ્રમાણે હોય તો તે વાસ્તવિક સત્ય છે અને સૌથી ઉત્તમ છે.
આપણે આપણું તપાસીએ કે, હું મારા કોઈક સાત્વિક અભિમાનના ઘમંડમાં વાસ્તવિક સત્યને ઉલંઘીને સાચાપણાનું મહોરું પહેરીને તો નથી જીવતો ને ? સાત્વિક અહં પણ આખરે અહં જ છે. જ્યાં સુધી આપણે અહં શૂન્ય નહીં બનીએે ત્યાં સુધી અનાદિ મુક્ત નહીં બની શકીએ. સત્યનું આ વાસ્તવિક સ્વરૂપ જાણ્યા પછી જો પોતાની સમજણમાં કોઈક પ્રકારના સાત્વિક અહંની ભૂલ પકડાય તો તેમાં વહેલી તકે સુધારો કરીને, બીજાનો દ્રોહ કરવાથી બચીએ તો ભગવાનની કૃપાના પાત્ર બની શકીશું અને આપણા કલ્યાણનું કામ વહેલું પુરું થશે...