સતત સ્મરણ-ભજન કરવું છે ?

સતત સ્મરણ-ભજન કરવું છે ?

વહાલા ભક્તો ! આપણે ભગવાનના ભક્ત છીએ. દરરોજ પ્રભુની પૂજા, માનસી, કથા-કીર્તન અને ભજન કરીએ છીએ; પરંતુ તેમાં ખરેખર શ્રીહરિ સાથે જોડાવાય છે ? ભગવાનનું સુખ આવે છે ? બીજું બધું વિસરાય જાય એવો પ્રેમ પ્રગટે છે ?

પર્વતભાઈને શ્રીહરિ તથા સંતોના સાંનિધ્યમાં ૭ દિવસ ખાવાની જરૂર ન જણાણી. કુંડળધામના સમર્પિત મયાદાદા-ખોપાળાવાળાને ભજન કરતાં થકાં ભોજનમાંથી રસ જ ઊડી ગયો. સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી શ્રીહરિ તથા સંતો માટે શેરડી જેવાં અનેક ફળ-ફૂલ તૈયાર કરતા; પણ તેમને ખાવાના ઘાટ જ થતા નહીં. પ્રભુ સામેથી પ્રસાદ આપે તો પ્રેમથી આરોગતા, નહિ તો પોતે ન ખાવાનો નિયમ પાળતા. આપણે કેમ થાય છે ?

અમરા ભગતને રઘુવીરજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામીને ભેટવાનો લાભ અને રાજીપો મળ્યો, તો જીવનભર બ્રહ્મચર્ય પાળવાની ખુમારી આવી ગઈ. મેથાણના ગોવિંદરામ અને અમરબાઈને પરણેતરના પ્રથમ દિવસે પ્રભુની એવી મરજી જણાણી, તો જીવનભર ભેળા રહેવા છતાં બ્રહ્મચર્ય પાળ્યું. જીવા ખાચરે દાદાખાચરનું બગાડવા બધું જ કર્યું, છતાં દાદાએ તેના અહિતનો સંકલ્પ પણ ન કર્યો. આપણું કેમ છે ? જો રીઝલ્ટમાં કાંઈક ફરક છે તો સત્સંગ-ભજન કરવામાં જરૂર કાંઈક ફરક છે. શું ફરક હશે..?

જેને પંચવિષય, પદ-પ્રતિષ્ઠા અને પૈસાની આસક્તિ છૂટી જાય તેઓ સાચા અર્થમાં સત્સંગ-ભજન કરે છે. તેમને શ્રીહરિનું સાચું સુખ આવે છે. તેઓ અંતરથી અંતર્યામી સાથે જોડાઈ શકે છે. તેનો અર્થ એ કે તેમને પ્રભુમાં પૂર્ણ પ્રેમ થાય છે. તેમને શ્રીહરિ તથા સંતોનો મહિમા સમજાઈ ગયો છે.

* આવો મહિમા અને પ્રેમ કેવી રીતે પ્રાપ્ત થાય ?

જેનો મહિમા અને પ્રેમ વધારવો હોય તેના પ્રત્યે આ બે બાબત અનિવાર્ય છે —

૧. તેના ગુણ, ઉપકાર અને પ્રસંગો યાદ આવ્યા જ કરે, તેનું બધું જ ગમે.

૨. તેનો અવગુણ કદી ન આવે. તેનો અભાવ, અણગમો કે અમહિમા થવા જ ન પામે.

આપણે આપણા ઇષ્ટદેવ, ગુરુદેવ અને તેમના પ્યારા સંતો-ભક્તોના ગુણ, ઉપકાર અને પુનિત પ્રસંગો પુન: પુન: યાદ કરીએ છીએ ? તેનું કથન કે શ્રવણ કરતા જ રહીએ છીએ ? જો હા, તો પહેલી શરત ઓકે છે. જો ના, તો અત્યારે જ આ ભૂલ સુધારવી જરૂરી છે.

આપણે આપણા પ્રભુજી અને તેમના પ્યારા સંતો-ભક્તોનો અવગુણ નથી જ લેતા ? તેમનો અમહિમા, અભાવ કે અણગમો નથી જ થવા દેતા ? જો હા, તો બીજી શરત પણ ઓકે છે. જો ના, તો આ ભયંકર ભૂલ થઈ રહી છે.

અંધારું અને અજવાળું એકસાથે તો ન જ હોય ને ! ભોજન કરવું ને ભસવું સાથેસાથે તો ન જ થાય ને ? તેમ ભાવ અને અભાવ, મહિમા અને અવગુણ સાથે તો ન જ રહે ને ?

એટલે તો આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણે વચનામૃતમાં સૌથી વધુ વખત બીજાના ગુણ લેવાની અને અવગુણ ન જ લેવાની વાત કરી છે. વચનામૃતમાં અભાવ, અવગુણ, અપરાધ, દ્રોહ અને દોષ આ પાંચેય શબ્દોનો સરવાળો કરીએ તો ૩૭૯ થાય છે. આહા...હા...પરાત્પર પુરુષોત્તમનારાયણે તેમની પરાવાણીમાં ૩૭૯ વખત આ શબ્દો બોલીને આપણને અભાવ-અવગુણથી બચાવવા ટકોર કરી છે. એના ઉપરથી આપણે સમજી શકીએ કે શ્રીહરિ તથા સંતો-ભક્તોના ગુણ જ લેવા તે કેટલી મહત્ત્વની વાત છે ! અને તેમના અવગુણ લેવા તે કેટલી ભયંકર ભૂલ છે !

શ્રીહરિ તથા સંતો-ભક્તોના ગુણ લેવાના ફાયદા :

૧. તેમનો મહિમા વધે અને આપણું માન ઘટે.

૨. તેમાં પ્રેમ વધે અને બીજી આસક્તિ ઘટે.

૩. આપણામાં પણ ગુણ આવે અને દુર્ગુણ જાય.

૪. સહેજે શ્રીહરિનું સ્મરણ-ભજન થાય ને બીજું ભુલાય.

૫. સત્સંગ-ભજનમાં સુખ બહુ આવે ને દુ:ખ દૂર થાય.

૬. હૃદય ઋણી, ગદ્ગદિત થાય એટલે કઠોરતા ગાયબ થાય.

૭. શ્રીહરિનાં સાક્ષાત્ દર્શન થાય અને માયામાત્ર જાય.

ગુણ લેવાના, ઉપકારો યાદ કરવાના અને પ્રેરક પ્રસંગો પુન: પુન: વાગોળવાના આટલા બધા લાભ છે.

શ્રીહરિ તથા સંતો-ભક્તોના અવગુણ લઈએ, કોઈને કહીએ કે સાંભળીએ તેનાં અનેક નુકસાન અને પાપ થાય છે —

૧. શ્રીહરિ તથા તેમના સંતો-ભક્તો ચિંતામણિ જેવા છે. તેથી તેમાં જેવા-જેવા દોષો કલ્પીએ તે બધા આપણામાં આવી જાય છે.

૨. પ્રભુ તથા તેમના પ્યારા પરમહંસો જંગમ તીર્થો છે. તેથી તેમને ઉદ્દેશી જેટલા ખોટા સંકલ્પો કરીએ, તેની નિંદા-ટીકા કરીએ; તેનું પાપ વજ્રલેપ થાય છે. પછી તેનું કોઈ પ્રાયશ્ચિત જ થાતું નથી.

૩. બીજાના દોષ જોયા, બોલ્યા કરવાથી આપણને અભિમાન આવે છે અને બીજાનો મહિમા ઘટી જાય છે.

૪. જેને બીજાના અવગુણ જોવા-કહેવા-સાંભળવાની કુટેવ પડે, તેને અંતરમાં સાચી શાંતિ મળતી નથી.

૫. સંતો-ભક્તોના અવગુણ લેવાથી, તેમનું અહિત કરવાથી તેમનું કે મહારાજનું દિલ દુભાય તો દ્રોહ લાગી જાય. એવા દ્રોહીનો તો જીવ નાશ થઈ જાય છે. પછી તેને ક્યારેય કલ્યાણ કે સુખ મળતું નથી.

કદાચ કોઈ સંત-ભક્તની ભૂલ હોય જ, તો તેને એકાંતે કહેવું એ જ સારી રીત છે; તેમ છતાં કોઈ તેને ફજેત કરે તો તે અવગુણિયાનાં વાણી-વર્તનથી બીજા જેટલાને સ્વામિનારાયણ ભગવાનનો કે સંતો-ભક્તોનો અભાવ આવે અને તે જીવોનું બગડે તેનું તમામ પાપ આ અવગુણિયાને લાગે છે. એમાંય જો પોતાના સ્વાર્થે, માન-ઈર્ષ્યાને કારણે કોઈના ચડાવવાથી આ કુપ્રવૃત્તિ કરે તો તેનું અનંતગણું પાપ વધુ લાગે છે.

આટલી વાત વિચાર્યા પછી હવે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, પર્વતભાઈ, દાદાખાચર અને નંદસંતો જેવી ભક્તિ તથા સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, તો મહિમા અને પ્રેમ વધે એવી જ વિચારધારાને વધારવી જોઈએ. એવી જ પોઝિટિવ પ્રવૃત્તિ કરવી જોઈએ. એવા મહિમાવાળાનો જ સંગ-સમાગમ રાખવો જોઈએ. સદા સારું જ જોવું, વાંચવું કે સાંભળવું જોઈએ.

હે પ્રભુ ! મને આપનો તથા આપના ઉપાસક સંતો-ભક્તોનો એવો મહિમા દેજો કે મને મારાથી તે બધા મોટા લાગે. દિવ્ય-મુક્ત મનાય. તેમના ગુણ, ઉપકાર અને પુનિત પ્રસંગો યાદ આવ્યા જ કરે. તેમનો મહિમા વધતો રહે. આપમાં પ્રેમ ઉમેરાતો રહે. જેથી આપનું અખંડ સ્મરણ-ભજન થયા જ કરે. મને મારા અવગુણ દેખાય અને બીજાના ગુણ જ દેખાય; એવી દિવ્યદૃષ્ટિ આપવા કૃપા કરજો.