
આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણની આપણને આજ્ઞા છે કે ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું. (વચ.મ.૬) આપણે અખંડ ભજન થાય છે ? સદા આનંદમાં રહેવાય છે ? કેમ એમ નથી રહેવાતું ? તેનું કારણ શોધવું જોઈએ. મહારાજ તો એમ કહે છે કે, ‘ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. (વચ.પ્ર.૪૯)
અખંડ ભજનપરાયણ રહેવાના ત્રણ ઉપાય છે :
૧. પ્રભુ પ્રીતિ :
જો પરમાત્મામાં પરમ પ્રેમ થઈ જાય તો સંભારવા ન પડે પણ શ્રીહરિ સાંભર્યા જ કરે. જેમ સચ્ચિદાનંદ સ્વામીને અને ગોપીઓને ભગવાન ભૂલવા હોય તોય નો’તા ભુલાતા, તેમને ભગવાનને સંભાર્યા વિના રહેવાતું જ નહીં.
આ લોકમાં પણ વહાલસોયી માને તેનો લાડલો દીકરો સાંભર્યા જ કરે છે, તે માટે ધ્યાન કરવું પડતું નથી. અતિ આસક્ત કામી સ્ત્રી-પુરુષને તેના પ્રિયતમ પાત્રનું ચિંતન થયા જ કરે છે, તેમ જો પ્રભુમાં પ્રગાઢ પ્રેમ થઈ જાય તો શ્રીહરિનું ચિંતન-સ્મરણ થયા જ કરે.
આપણે પ્રભુમાં એવો પ્રેમ કરવો હોય તો મહારાજમાં મમતા કરવી જરૂરી છે. શ્રીહરિ સાથે મનપસંદ સંબંધ બાંધવો જોઈએ અથવા મહારાજનો મહિમા વધુ ને વધુ દૃઢ કરવો જરૂરી છે. તે માટે એવા મહિમાવાન ભજનાનંદી સંતનો સમાગમ અને સેવા કરવી આવશ્યક છે.
૨. ભગવાન અને ભગવદ્ભજનની ભૂખ-ગરજ- જરૂર-આવશ્યકતા :
જેમ કોઈ ખરેખર ભૂખ્યો-તરસ્યો મનુષ્ય હોય તેને ભોજન-પાણીનું ધ્યાન-ભજન કરવું પડતું નથી, આપોઆપ થયા કરે છે. કારણ કે, અન્ન-પાણીની ભડભડતી ભૂખ-તરસ લાગી છે; તેમ ભગવાનની જેને તીવ્ર જરૂર જણાઈ ગઈ હોય તેને ભગવાન સાંભર્યા જ કરે છે. માનો આપણે વિમાનમાં કે સ્ટીમરમાં મુસાફરી કરતા હોઈએ અને એવો આપત્કાળ આવે કે મોત સામે દેખાઈ જાય, તો ભગવાન જીવમાંથી સાંભરવા લાગે. કેમ કે, ભગવાનની ખરેખર જરૂર જણાઈ ગઈ છે. જેમ લોભી જીવને ધનની આવશ્યકતા અનુભવાય છે એટલે સર્વના ભોગે ધન સાચવે છે અને વધુ ને વધુ મેળવ્યા કરે છે; તેમ આપણને ભગવાનની આવશ્યકતા સમજાઈ જાય તો સર્વના ભોગે અખંડ ભજનપરાયણ જ રહેવાશે.
પૂ.ગુરુજીએ કીર્તનમાં કહ્યું છે કે,
કહે જ્ઞાનજીવન હે પ્રાણ ! મારા શ્વાસ તણા આધાર,
તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા.
સર્વાત્મા શ્રીહરિને લઈને જ આપણું અસ્તિત્વ છે. પ્રભુ પ્રકાશે તો જ આપણને આપણું અને બીજાનું જ્ઞાન-ભાન થાય છે. તે સર્વકર્તા શ્રીહરિ જેમ ઇચ્છે તેમ જ આપણે રહેવું પડે છે. એ ભોગવાવે એટલાં સુખ-દુ:ખ આપણે ભોગવવાનાં હોય છે. તેમની કૃપા વિના તો આપણે હોવા છતાં ન હોવા તુલ્ય જ થઈ જઈએ છીએ, માટે જેમ શરીરને સજીવન રહેવા જીવાત્માની જરૂર છે; તેમ જ આત્માને સભાન રહેવા પરમાત્માની અનિવાર્ય આવશ્કતા છે. આત્માના આત્મા પરમાત્મા જ આપણો આધાર, આકાર અને આનંદ છે. જ્યારે આમ આપણને પ્રભુની અનિવાર્યતા સમજાશે ત્યારે શ્વાસ કે ઓક્સિજન જેટલી જ તેમની જરૂર જણાશે. પછી એમના સ્મરણ વિના રહેવાશે જ નહીં.
સોરઠમાં એક ભક્ત તેમનું કામ કરતાં ભગવાન ભૂલી ગયા. તેમને મહારાજ અખંડ દેખાતા હતા તે અદૃશ્ય થઈ ગયા. એટલે તે ભક્ત ત્યાં ને ત્યાં જ પથ્થરની જેમ સ્થિર ઊભા રહી ગયા. પછી જ્યારે મહારાજ દેખાતા થયા ત્યારે બોલ્યા, “હે નાથ ! આપના વિના મારાથી રહેવાય જ કેમ ? આપ તો મારા જીવનપ્રાણ છો.” આવી ભગવાનની જરૂર જણાશે તો ભગવાન સાંભર્યા જ કરશે, ભૂલ્યા પણ નહિ ભુલાય.
૩. ભય :
આ ક્ષણે ગમે ત્યારે મોત આવવાનું છે, જો ભગવાનને ભૂલીને જીવીશું તો જન્મ-મરણ, જમપુરી અને લખચોરાશીનાં ભયંકર દુ:ખો ભોગવવાં જ પડશે. એ બધાં સંકટોથી બચવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે : સર્વોપરિ શ્રીહરિનો આશરો અને તેમનું અખંડ સ્મરણ-ભજન.
આજકાલ ઘરેથી નીકળ્યા પછી ક્યારે એક્સિડન્ટ થાય તેનું નક્કી જ નહીં, માટે સતત સ્મરણ-ભજન ચાલુ જ રાખવું. અત્યારે રાત્રે સૂઈ ગયા પછી લાખો લોકો જાગતા પહેલાં ગુજરી જાય છે, માટે સ્મરણ ચાલુ જ રાખવું. હમણાં હમણાં કેન્સર, હાર્ટએટેક અને બ્રેઇન સ્ટ્રોક જેવી આપત્તિ અચાનક આવી જાય છે, એટલે ભગવાન ભૂલવા જોઈએ નહીં. વડતાલના પ.પૂ.અથાણાવાળા સ્વામી કાયમ કહેતા, આ શરીર અચાનક મરી જવાનું છે, માટે ખૂબ જ ભજન કરી લેવું.
આમ પ્રભુપ્રીતિ, ભગવાનની જરૂર અને મોત કે દુ:ખોનો ભય; આ ત્રણ ભગવાનને ભજવાનાં મુખ્ય કારણ છે. એ ત્રણેય કે ત્રણમાંથી કોઈ પણને જીવનમાં દૃઢ કરી લઈએ તો સતત શ્રીહરિનું સ્મરણ-ભજન થાય. આપણે ભક્ત હોવા છતાં સતત સ્મરણ કરવા કરતાં બીજી બબાલ વધુ કરીએ છીએ. બીજી ત્રીજી ઉપાધિ વધુ કર્યા કરીએ છીએ. જો આપણે ભગવાનનો અનન્ય આશરો રાખીએ, અખંડ ભગવાનના ભજન-સ્મરણ પરાયણ જ રહીએ, તો બાકીનાં બધાં જ કામ પ્રભુ પોતે જ કરી આપે છે. ભગવાને કહ્યું છે,
अनन्याश्चिन्तयन्तो मां ये जना: पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ।।२२।।
જે સંતો-ભક્તો મારો અનન્ય આશરો રાખીને અથવા મારામાં જ પ્રેમ કરીને મને સતત ચિંતવતા થકા ભજ્યા કરે છે, આમ મારી સાથે જ નિત્ય જોડાઈને રહેનારા તે ભક્તોને જે જે જરૂરી હોય તે બધું હું જ પ્રાપ્ત કરાવું છું અને હું જ તેની રક્ષા પણ કરું છું. (ભગવદગીતા ૯/૨૨)
જો આપણે અખંડ આનંદમાં રહીને સતત સ્મરણપરાયણ રહેવું હોય, તો ભગવાનનો અનન્ય આશરો-વિશ્વાસ રાખવો જરૂરી છે. પછી ભગવાનનો મહિમા કે સંબંધને દૃઢ કરી પ્રભુમાં પ્રેમ વધારવાની જરૂર છે અથવા ભગવાનની ભૂખ-જરૂર કે અનિવાર્યતા સમજવી આવશ્યક છે. આટલું કરવાથી ભગવાનનું ભજન-સ્મરણ સતત થઈ શકે છે. જો પ્રેમ કે જરૂરિયાતને લઈને ભજન ન થાય તો ભયને સતત નજરવગો રાખવો જરૂરી છે. આવા ઉપાયો સિદ્ધ કરવા માટે ભજનાનંદી સદગુરુ સત્પુરુષનો સમાગમ મન-કર્મ-વચને શ્રદ્ધાપૂર્વક દરરોજ કર્યા કરવો જોઈએ, તો સતત સ્મરણ કરવું શક્ય બને છે.