સત હરિભજન જગત સબ સપના

સત હરિભજન જગત સબ સપના
May 1, 2024

એક વખત જનક રાજાને સ્વપ્નું આવ્યું કે પોતા પાસે પૈસા નહોતા અને પોતાને સાત દી કાંઈ ખાવા ન મળ્યું. પછી તેઓ ખીચડીનું સદાવ્રત ચાલતું હતું ત્યાં ગયા. તેમની પાસે જમવાનું પાત્ર પણ ન હતું. પછી કુંભારને ઘેર ગયા ને માટીનું વાસણ માગ્યું. કુંભારે ન આપ્યું. પછી તો નિરાશ થઈને જનક રાજા ઉકરડામાંથી એક ભાંગેલું માટીનું વાસણ લાવ્યા ને તેમાં ખીચડી લીધી. પછી ખાવા માટે એક ખૂણો શોધ્યો. ત્યાંતો બે સાંઢ બાઝતાં બાઝતાં તેમની પાસે આવ્યા. વાગી જવાની બીકથી ને ખીચડી પડી જવાની બીકથી તેઓ ઓટલે ચડી ગયા ને બીકમાં ને બીકમાં ઊંઘ ઊડી ગઈ. એકદમ સફાળા જાગી ગયા. ત્યાં તો હજૂરિયાએ ‘બડે રાવ મહારાજ મિથિલાનરેશને ઘણી ખમ્મા’ એમ છડી પોકારી.

તેમને થયું કે, ‘આ સાચું કે સ્વપ્નું સાચું ? તેઓ તેમના ગુરુ અષ્ટાવક્ર ઋષિ પાસે ગયા અને સ્વપ્નની વાત કરતાં કહ્યું, ‘મારાથી સ્વપ્નમાં તો ખીચડી પણ બીકે કરીને ખવાણી નહિ. અને અત્યારે હું રાજા છું એ બેમાં સાચું શું ?’ ઋષિએ જવાબ આપ્યો, ‘સ્વપ્નવત્ સંસાર, ઓલું થોડી ક્ષણનું સ્વપ્નું ને આ સંસાર સાઠ-સિત્તેર-એંસી વરસનું સ્વપ્નું !’

વહાલા ભક્તો, આપણે સ્વપ્નમાં ક્યારેક સુખ ને આનંદ માણતા હોઈએ છીએ અને ક્યારેક દુ:ખ ને પીડા ભોગવતા હોઈએ છીએ; પરંતુ જેવું સ્વપ્ન પૂરું થાય ને જાગીએ કે તરત જ તે બધું ખોટું થઈ જાય છે, તેમ જ આ લોકનાં સર્વે સુખ-દુ:ખ પણ સ્વપ્ન જેવાં જ છે, ફરક એટલો છે કે સ્વપ્નમાં આપણે સૂક્ષ્મ દેહથી ભોગવીએ છીએ અને જાગ્રત અવસ્થામાં સ્થૂળ દેહથી. પરંતુ શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, “જેને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી, તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી; કેમ જે, એ તો કેવળ આત્મસત્તારૂપે જ વર્તે છે.”

સત્ય તો આત્મા અને પરમાત્મા છે, માટે સાચું સુખ પણ આત્મા અને પરમાત્માનું જ છે. આત્માનું સુખ આત્મારૂપ રહેવાથી અનુભવાય છે અને પરમાત્માનું સુખ આત્મારૂપે-બ્રહ્મભાવે તેમનું ભજન કરવાથી અનુભવાય છે.

વહાલા ભક્તો, આ લોકનું કોઈ એવું સુખ નથી કે કાયમ માણી શકાય, તેવું સુખ તો એક હરિભજનનું-હરિસ્મરણનું જ છે. માટે જેમણે હરિરસ ચાખ્યો છે, તેવા મહાત્માઓ કહે છે કે,

विपदो नैव विपद: संपदो नैव संपद: ।
विपद्विस्मरणं विष्णो: संपन्नारायणस्मृति:।।

આ લોકની કહેવાતી વિપત્તિ ખરેખર વિપત્તિ નથી, આ લોકની કહેવાતી સંપત્તિ ખરેખર સંપત્તિ નથી, ભગવાનની વિસ્મૃતિ એ જ વિપત્તિ છે અને તેમની સ્મૃતિ એ જ સાચી સંપત્તિ છે.

આપણા સદ્.મુક્તાનંદ સ્વામી કહે છે કે, ‘જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે.’

ભજનમાં અખંડ તલ્લીન રહેનારા મહાદેવજી પાર્વતીજીને તેમનો અનુભવ કહેતાં કહે છે કે,

‘उमा कहऊँ मैं अनुभव अपना, सत हरिभजन जगत सब सपना ।’

માટે જ્યાં સુધી દેહ સ્વસ્થ છે અને શ્રીહરિની કૃપાથી બધી વાતે સાનુકૂળતા છે, ત્યાં સુધીમાં બ્રહ્મભાવ કેળવીને ભગવાનનું ભજન કરી લઈએ; એ જ સારમાં સાર વસ્તુ છે.