સંબંધ

સંબંધ
March 1, 2024

એક નાનકડું ગામ હતું. ગામની પ્રાથમિક શાળામાં ખૂબ જ સુંદર શિક્ષણ અપાતું હતું. સહુ કોઈ ગ્રામવાસીને શાળામાં અપાતા શિક્ષણથી ખૂબ જ સંતોષ અને આનંદ હતો. શાળાના શિક્ષકો અને સર્વ સ્ટાફ ખૂબ જ સારો હતો. શિક્ષકો વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે ભણાવતા અને જીવનમૂલ્યોના પાઠ શીખવતા. એક વખત એક નવા આવેલા શિક્ષક આત્મીયતા કેળવવા માટે વિદ્યાર્થીઓ સાથે તેઓના અંગત જીવન અંગે વાતો કરતા હતા.

શિક્ષકે એક નાનકડા વિદ્યાર્થીને પૂછ્યું, “બેટા ! તારું નામ શું છે ?” “સર ! મારું નામ માનવ છે.” વિદ્યાર્થીએ જવાબ આપતા જણાવ્યું.

શિક્ષકે માનવને બીજો પ્રશ્ન પૂછ્યો, “માનવ ! તારી ઉંમર કેટલી છે બેટા ?” “સર ! ૮ વર્ષ” માનવે તરત જ જવાબ આપ્યો.

“ઓકે બેટા, તારા પપ્પાની ઉંમર કેટલી છે ?” શિક્ષકે જિજ્ઞાસાથી નવો સવાલ કર્યો. “જી સર, ૮ વર્ષ.” માનવે સહજતાથી જવાબ આપ્યો.

“અરે બેટા ! તારી નહીં, તારા પપ્પાની ઉંમર પૂછું છું.” ખૂબ જ આત્મવિશ્વાસથી માનવ બોલ્યો, “સર ! મારા પપ્પાની ઉંમર ૮ વર્ષ જ છે.”

શિક્ષકને લાગ્યું કે હું જે પૂછું છું તે આ બાળક સમજતો નથી. એટલે શિક્ષકે આ જ પ્રશ્ન જરા જુદી રીતે પૂછ્યો, “માનવ ! તારા પિતાની વાત મૂક. મને એ કહે તારા મમ્મીની ઉંમર કેટલી છે ?”

“સર, ૮ વર્ષ.” ફરીથી એવા જ રણકાર સાથે માનવ બોલ્યો.

“અરે ભાઈ ! તારી ઉંમર ૮ વર્ષ છે એ બરોબર પણ તારાં મમ્મી-પપ્પા હંમેશાં તારા કરતાં મોટાં જ હોય. એની ઉંમર તારા જેટલી ન હોય. આવી સામાન્ય સમજ પણ તને નથી ?”

ખૂબ જ આદરભાવ સાથે માનવે ચોખવટ કરતાં સાહેબને કહ્યું, “સર, મેં બરાબર વિચારીને જ જવાબ આપ્યો છે. મારા જન્મ બાદ જ મારાં પપ્પા પપ્પા બન્યા અને મારી મમ્મી મમ્મી બની. એ પહેલાં તો એ માત્ર પુરુષ અને સ્ત્રી જ હતાં; એટલે એની માતા-પિતા તરીકેની ઉંમર તો મારા જેટલી જ ગણાય ને સર !”

“વાહ બેટા વાહ ! શું તારી વિચારવાની દૃષ્ટિ.” માનવનો આવો જવાબ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયેલા સાહેબે કહ્યું.

બરાબર એ જ સમયે વર્ગમાં પ્રવેશતાં જ શાળાના આચાર્યશ્રીએ કહ્યું, “યાદ રાખજો, જગતના હોય કે આધ્યાત્મિક, દરેક પ્રકારના સંબંધો દ્વિપક્ષી હોય છે. તે સંબંધ અને તે બંને પક્ષના હક્કો અને ફરજો એક જ સમયે જન્મ પામે છે. પતિ-પત્ની, શેઠ-નોકર, પિતા-પુત્ર, ભાઈ-બહેન, ગુરુ-શિષ્ય કે પછી ભગવાન અને ભક્ત દરેક સંબંધોમાં આ નિયમ લાગું પડે છે.”

વહાલા ભક્તો ! ક્યારેક આપણે આપણી સાથે કોઈક સંબંધથી જોડાયેલ વ્યક્તિ પાસેથી તેમની ફરજો પાળવા અંગે અપેક્ષા રાખતા હોઈએ છીએ, પણ આપણી ફરજો બાબતે બેદરકારી સેવતા હોઈએ છીએ. ક્યારેક આપણે ભગવાન પાસેથી પણ આવી જ કંઈક ખોટી અપેક્ષા રાખતા હોઈએ છીએ. જરૂર તો એ છે કે, આપણી સાથે કોઈ પણ સંબંધથી જોડાયેલ વ્યક્તિ પરત્વેની આપણી ફરજો સાવધાન થઈને પાળીએ અને તે સંબંધને સારી રીતે નિભાવીએ.