સંપની આપત્તિ

સંપની આપત્તિ

ગામડેથી સુરત આવ્યા, અને ગારમેન્ટની નાની એવી દુકાનના માધ્યમે ઘરનો વ્યવહાર ચલાવતાં અશોકભાઈને પંદરેક વર્ષ થયા. ૨૦૧૫માં સંતોના કોન્ટેકમાં આવતાં અશોકભાઈ તથા તેમના આખા પરિવારને ખૂબ જ સારો સત્સંગનો રંગ લાગ્યો. રેગ્યુલર સવારની કથા, રવિસભા અને ઘરસભા પણ તેઓ કરવા લાગ્યા. અને દીકરાઓ તનય અને તુષાર પણ અચૂકપણે યુવાસભાનો લાભ લેતા. સત્સંગના નાના-મોટા પ્રસંગોમાં સૌ ઉત્સાહથી સેવા કરતા. વળી, મહેશભાઈ પણ ફેમિલી લીડર તરીકે તેમના સત્સંગનું ખૂબ જતન કરતા.

મહારાજની દયાથી છેલ્લા ત્રણ વર્ષમાં સુવિધા અને સંપત્તિ તો દરિયાની ભરતીની જેમ વધવા લાગ્યાં, પણ સાથેસાથે સત્સંગ અને સંપમાં ઓટ પણ એટલી જ આવવા લાગી. મહેશભાઈ ઘણી વાર તનય અને તુષારને ટોકતા. નિયમિત સભા ભરવા અને સંતોનો કોન્ટેક કરવા યાદી પણ આપતા, પણ રૂપિયાનો રાહુ જાણે તેમની મુમુક્ષુતાને રોજરોજ ખાઈ રહ્યો હતો. ધંધો વધારવાની ધૂનમાં પાછું વળી ભજન કરવાનું તો સાવ ભૂલાઈ જ ગયું.

વડતાલના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે પિતા અશોકભાઈના આગ્રહથી બંને દીકરાઓએ મને કમને પદયાત્રાનો લાભ તો લીધો, પણ તેમની જીવનયાત્રા કંઈક અલગ જ દિશા પકડી રહી હતી. સવારની કથા તો શું, યુવાસભા અને રવિસભા પણ છેલ્લા છ મહિનાથી વિસારે પડી. હવે તો નવા નવા પ્રોજેક્ટ અને નવી નવી સુવિધાઓ વસાવવામાં જ તેમની બધી ઇન્કમ વપરાઈ જાતી. “રળવા જેવો તો એક રાજીપો જ છે.” આ સૂત્ર તો જૂના ઘરની દીવાલો પર જ રહી ગયું.

વળી, પપ્પાની શિબિર કરાવવાની ઇચ્છા અને મમ્મીને મહારાજનાં ઘરેણાં કરાવવાની ઇચ્છા તો મનની મનમાં જ રહી જતી. જ્યારે પણ તેઓ કહે તો બંને દીકરાઓનો એક જ જવાબ હોય ‘આ વર્ષે રહેવા દો ને.’ પણ હા, પાછું કોઈને પૂછ્યા વિના હમણાં જ દસ દિવસની દુબઈની ટુર તો ગોઠવી જ દીધી. મમ્મી-પપ્પાને તો આગલા દિવસે જ ખબર પડી, પણ લાચાર મા-બાપને પૈસાની પ્રગતિ સાથે થતી પરિવારની પનોતી જોઈ રહેવા સિવાય કંઈ છૂટકો જ ન હતો. છેવટે તેઓની ચિંતા હકીકત બની ગઈ .

બંને દીકરાઓ ફેમિલી સાથે જે હોંશથી અને હસતા ચહેરે દુબઈ ગયા હતા, તે બધો ઉમંગ પરત આવતાં જ ઓસરી ગયો. ઘરે આવતાં જ સૌ સૌના રૂમમાં. સવારના નાસ્તા વખતે અશોકભાઈએ જરા હળવાશથી પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી કે તરત જ તુષારે અત્યંત ઉગ્રતા સાથે મોટાભાઈ પરત્વેના ઉકાળા ઠાલવવા માંડ્યા. સામે ભાઈ અને ભાભી પણ વટે ચડ્યાં. પરિસ્થિતિ ગંભીર થાતાં થાતાં એટલી હદે પહોંચી કે બંનેએ અલગ થવાનો મક્કમપણે નિર્ણય લઈ લીધો, પરંતુ સમજુ પિતાએ પરિસ્થિતિને ઠારતા નિર્ણય થોડો મુલતવી રખાવ્યો.