
ખનીજ ક્ષેત્રના એક અતિ અનુભવી વૈજ્ઞાનિક વિમલ સાહેબે તેના ત્રણ પરિચિતને જાણ કરી કે, આ જગ્યાએ આટલું ઊંડું ખોદી શોધવામાં આવે તો અતિ કિંમતી ધાતુ કે ઝવેરાત મળે એમ છે.
પછી તે ત્રણમાંથી મનસ્વીભાઈ જેને તેને જણાવવા લાગ્યા કે, આ તો કપોલકલ્પિત બણગાંઓ છે. એના માટે આટલી મહેનત કરાતી હશે ! મારો તો મત છે : ખાઈ-પીને મોજ-મઝા કરી લેવાય.
બીજા હતા યશસ્વીભાઈ. તેણે પેલા વૈજ્ઞાનિકના વચને પ્રયત્ન શરૂ કરી દીધા. પહેલા તો ઉમંગ ઘણો હતો, પણ જેમ જેમ દિવસો વિત્યા તેમ તેમ તેની શ્રદ્ધા મોળી પડવા લાગી. એક દિવસ તેણે પેલા વિમલ સાહેબ પાસે ફરિયાદ કરી કે, આટલી ગરમીમાં હેરાન થઈ ગયો છતાં કાંઈ મળ્યું નહીં, તમે મને કાંઈક ખોટે રસ્તે તો નથી ચડાવી દીધો ને ? સાહેબ થોડા ખિજાયા. પછી કહ્યું, તમને આટલો મોટો લાભ મળે એમ છે, તો તે પ્રમાણે વિશ્વાસ રાખી મહેનત તો કરો. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી.
આ ભાઈને ખોટું તો લાગ્યું પણ હજુ ટ્રાય ચાલું રાખી. તે દરમ્યાન તેને મનસ્વીભાઈ મળી ગયા. તેણે એવી નેગેટિવ વાતો કરી કે, છેવટે યશસ્વીને પણ સાયન્ટિસ્ટ વિમલ સાહેબનો અભાવ આવી ગયો. પછી તે પણ જ્યાં-ત્યાં તેની નિંદા કરવા લાગ્યો.
ત્રીજા હતા આશ્રિતભાઈ. તેણે સૌથી પહેલા તો અનુભવી વૈજ્ઞાનિકનો ખૂબ આભાર માન્યો. પછી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક ખોદકામ શરૂ કર્યું. થોડા દિવસ બાદ એક વિઘ્ન આવ્યું. ઉનાળાની તિક્ષ્ણ ગરમી અને સખત મહેનતને કારણે તે બીમાર થઈ ગયા. તે વખતે યશસ્વીભાઈએ વિમલ સાહેબ વિશે કેટલીક નેગેટિવ વાતો કરી, પરંતુ આ બધી જ પરિસ્થિતિમાં આશ્રિતભાઈ સહેજ પણ ડગ્યા કે હિંમત હાર્યા નહીં. અવાર-નવાર પેલા અનુભવી સાયન્ટિસ્ટની સલાહ લેતા ને તેના વચનમાં પૂર્ણ વિશ્વાસ રાખતા. ફરી સવાયા ઉત્સાહથી પોતાનું કાર્ય કરવા લાગ્યા.
વૈજ્ઞાનિક વિમલ સાહેબે જણાવેલ ટાઇમ લિમિટ પૂરી થઈ પણ હજુ સફળતા ન મળી. તે વખતે યશસ્વીભાઈ ફરી મળવા આવ્યા. તેણે આશ્રિતભાઈના વિશ્વાસને અને સાયન્ટિસ્ટના સુઝાવને મૂર્ખામીમાં ખપાવવા ઘણા બધા તર્ક-વિતર્ક આપ્યા, પણ આશ્રિતભાઈ અડગ જ રહ્યા ને આગળ વધતા રહ્યા. છેવટે તેની મહેનત, અનુભવીનું માર્ગદર્શન અને પ્રભુની કૃપાથી આશ્રિતભાઈ અબજોપતિ બની ગયા.
આમાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે - સાયન્ટિસ્ટનો અનુભવ સાચો હતો તેણે કૃપા કરી વિના સ્વાર્થે ત્રણેયને સલાહ આપી હતી; છતાં ૨ ફેઇલ થયા ને ૧ ફાવી ગયા. તેનું રહસ્ય શું ? તો મનસ્વીમાં અનુભવીના વિશ્વાસે સખત પરિશ્રમ કરવાની શ્રદ્ધા નહોતી. તે તો તન-મનના સુખમાં રાચનાર મનનો ગુલામ હતો. યશસ્વીને વાત સારી ને સાચી લાગી, પણ ભીડો વેઠી છેક સુધી ટકી રહેવાની તૈયારી નહોતી. જ્યારે ભીડો આવવા લાગ્યો ત્યારે નેગેટિવ થઈ ગયો. વળી તેનું મન મોળું પડી ગયું હતું અને મનસ્વી જેવાના નેગેટિવ શબ્દો અડી ગયા. એવો એ કાનનો કાચો હતો.
પોતાના ધ્યેયને પામવા ભીડો વેઠવાના ખરા સમયે નિ:સ્વાર્થ અનુભવીનો આશરો લેવાને બદલે મનમુખીની વાતને માની અનુભવીથી આઘા થઈ જવાય તો સફળતા આપણાથી દૂર થઈ જાય છે.
જ્યારે આશ્રિતભાઈમાં અનુભવીનો વિશ્વાસ, ભીડો વેઠવાની પૂર્ણ તૈયારી અને નેગેટિવ માણસોના નબળા શબ્દોથી સાવધાન રહેવાની ચકોરતા ભરપૂર હતી.
વહાલા ભક્તો ! આ ત્રણેય પ્રકારના વ્યક્તિત્વો આધ્યાત્મિક માર્ગમાં પણ હોય છે. મનસ્વી અને યશસ્વી જેવા વિચારો ઓછા-વધુ અંશે આપણામાં પણ હોઈ શકે છે.
આપણે પ્રભુ પામવાના માર્ગે છીએ. પણ જો આપણામાં મુમુક્ષુતા ઓછી અને બુભુક્ષુતા વધુ હોય તો તન-મનના સુખથી ઉપર ઊઠવાની વાતમાં આપણને મનસ્વીભાઈની જેમ ઝાઝો રસ પડે જ નહીં.
મુમુક્ષુતાને કારણે વિષયસુખનો ત્યાગ કરી પ્રભુને પામવાની વાત ગમતી હોય, પરંતુ માન-અપમાનનો ભીડો વેઠી, પ્રભુ પમાડનારમાં પૂર્ણ વિશ્વાસ ન હોય અને નિષ્ઠામાંથી પાછા પડી ગયેલાથી સાવચેત રહેવાની સજાગતા ન હોય, તો યશસ્વીભાઈની જેમ ભયંકર ભૂલ થઈ જાય ખરી !
જુઓને ! ગઢપુરના ગ્રામજનો, એભલબાપુ, જીવાબાપુ અને તેના પરિવારને પ્રગટપ્રભુનો યોગ થયો હતો. મુક્તાનંદ સ્વામી જેવા સંતો મળ્યા હતા. તેમની ભેગા રહેવાનો શ્રેષ્ઠ ચાંસ મળ્યો હતો; છતાં તે બધા એકસરખા સફળ ન થયા. સહુકોઈ સર્વોપરી પ્રાપ્તિ પામી ન શક્યા. કેમ જે, ગઢડામાં મનસ્વીભાઈ જેવા જે બુભુક્ષુ હશે તેને શ્રીહરિ તથા નંદસંતોની વાતમાં પ્રતીતિ આવી જ નહીં. તે તો દાદાખાચર તથા તેના પરિવારને છેતરાઈ ગયેલા માનતા હોઈ શકે.
જીવાબાપુ જેવા માન-ઈર્ષ્યા મૂકી દાસના દાસ થઈ રહેવામાં અને બુઢા ધાધલ જેવાના કુસંગને ઓળખવામાં ભૂલ ખાઈ ગયા. દાદાખાચર અને તેના પરિવારજનો છેલ્લા શ્વાસ સુધી એ ભૂલથી બચ્યા અને શ્રીહરિ તથા મોક્ષદાતા સંતોની સંપૂર્ણ નિષ્ઠા રાખી તો સર્વોપરી પ્રાપ્તિ પામી ગયા.
હાલમાં આપણને આત્યંતિક કલ્યાણ પમાડી દે એવો યોગ મળી ગયો છે. હવે મળેલાનો મહિમા અને આપણામાં દાસભાવ વધતો ને વધતો રાખીશું, તો આ જન્મે સર્વોત્તમ પ્રાપ્તિ થઈ જશે. જો આપણી નબળાઈ અને નબળાના સંગથી સાવધાન નહિ રહીએ તો ગઢડાના જીવાબાપુ અને જૂનાગઢના રઘુવીરચરણ સ્વામીની જેમ ભયાનક વિઘ્ન પણ આવી શકે છે.
હે પ્રભુ આપના વહાલા સાચા સદ્ગુરુ તથા સંતો-ભક્તોમાં મને દિવ્યભાવ સદૈવ વધતો રહે અને તેમાં વિઘ્ન કરનારથી સદૈવ સાવધાની રહે એવી મારા ઉપર કૃપા કરશો...