
આજે આપણને સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાનનો આશરો અને શ્રેષ્ઠ સદ્ગુરુ તથા સાચા સંતો-ભક્તોનો યોગ મળ્યો છે, પણ તેમનો પૂરેપૂરો લાભ લેવાના સારામાં સારા ઉપાય શું ?
૧. મળેલાનો મહિમા તથા તેમાં હેત-વિશ્વાસ અને હિતકારીપણું વધતું જ રહે પણ કદી ઘટે નહિ તેમ રહેવું.
૨. તે માટે આપણા સદ્ગુરુ કે સંતો-ભક્તોની આધ્યાત્મિક ઊંચાઈ અને તેમની સ્વાભાવિક પ્રકૃતિને તેના-તેના સ્થાને સમજી રાખવી.
આધ્યાત્મિક ઊંચાઈ એટલે ?
સર્વોપરી શ્રીહરિની નિષ્ઠા, આજ્ઞાપાલનતા, સાધુતા, એકાંતિકતા અને પોતે નિર્બંધન રહી અનેકને પ્રભુપરાયણ રાખવાની ક્ષમતા. જેમાં આવા જે જે દિવ્યગુણો હોય તે તેમની આધ્યાત્મિક ઊંચાઈ કહેવાય. તેને યથાર્થ ઓળખી તેનો કેફ રાખવો જોઈએ કે મને આવા મોટા પ્રભુપ્યારા મળ્યા છે. હું તેમનો છું અને તેઓ મારા છે; એ મારાં બહુ મોટાં ભાગ્ય છે.
સ્વાભાવિક પ્રકૃતિ એટલે ?
મૂળજી બ્રહ્મચારી બહુ ભોળા હતા અને મુક્તાનંદ સ્વામી બહુ સુજ્ઞ હતા. આ ભોળપ અને સુજ્ઞતા એ સ્વાભાવિક પ્રકૃતિ કહેવાય. ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી એ બંને મહારાજના મહાન સંત, પણ એક અતિ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતા અને બીજા સંત અનેકને સત્સંગના રંગે રંગી નાખવાની ઉત્સાહી પ્રકૃતિવાળા હતા. ભુજવાળા પુરાણી શ્રીઘનશ્યામજીવન સ્વામીની પ્રકૃતિ અતિ માયાળુ-વાત્સલ્યપ્રધાન હતી, અને આપણા ગુરુજી જેવું લાગે તેવું વઢીને પણ કહી દે એવી પ્રકૃતિ ધરાવે છે.
અગત્રાયવાળા પર્વતભાઈ અતિ મહિમાપ્રધાન અને માણાવદરવાળા મયારામ ભટ્ટ અતિ ધર્મપ્રધાન પ્રકૃતિ ધરાવતા હતા. અ.નિ.શ્રીલાલજીભાઈ ધાનાણી-સુરત અતિ શૂરવીર પ્રકૃતિ ધરાવતા અને પ.ભ.શ્રીઘનશ્યામભાઈ જગાભાઈ-સુરત અતિ ધીર-ગંભીર પ્રકૃતિ ધરાવે છે.
કોઈની પ્રકૃતિ શાંત અને કોઈની ચંચળ હોય, કોઈની રફ અને કોઈની પરફેક્શનવાળી હોય. આવી બધી બાબત સ્વાભાવિક પ્રકૃતિમાં ગણાય. તે તે પ્રકૃતિની જે ફાયદાકારક સાઇડ હોય તેનાથી પ્રભાવિત થઈ તેમનો મહિમા જરૂર વધારાય, પણ એકબીજાની કમ્પેરીઝન કરી અભાવ-અવગુણ તો કદી ન જ આવવા દેવાય. મોટા પુરુષો કે સંતો-ભક્તો જુદી-જુદી પ્રકૃતિના હોય, પણ જ્યાં સુધી તેમને આપણા ઇષ્ટદેવનો નિશ્ચય પાકો હોય અને તેમની આજ્ઞાપાલન કરતા હોય તો કદી ગૌણભાવ ન જ થવા દેવો જોઈએ; તો મહિમા જળવાય અને આપણે તેમનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકીએ.
જો સ્વાભાવિક પ્રકૃતિને સહજ ન લઈએ અને તેને બહુ સિરિયસ લઈએ તો આપણને અભાવ આવ્યા કરે. પછી તેનામાં બીજી ઘણી બધી સારી આધ્યાત્મિક બાબતો હોય તોપણ આપણને મહિમા ઘટી જતો હોવાથી તેનો પૂરેપૂરો લાભ ન લઈ શકીએ. ઘણી વખત તો આપણે તેમની સ્વાભાવિક પ્રકૃતિને કારણે બહુ જ નાના કે દોષી માનીને તેમનાથી દૂર રહેતા હોઈએ છીએ. અભાવ-અવગુણ લઈ લઈને ભયંકર નુકશાન પણ પામતા હોઈએ છીએ.
આ બાબતને આપણા ઇષ્ટદેવ શ્રીહરિએ ૨૦૦ વર્ષ પૂર્વે પોતાની પરાવાણીમાં આ રીતે જણાવી છે - “જેમ તમે સમજો છો તેમ નાનપ્ય-મોટ્યપ નથી, મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહિ અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે.” - વચ. પ્ર.૩૧
ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પદોષ હોય તોપણ તે જોવા નહિ અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો, પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તોપણ એ હરિજનનો અવગુણ લેવો નહીં. - વચ.અં.૨૧
આમ, મોટા પુરુષની સ્વાભાવિક બાબતને સહજ લઈ તેમની આધ્યાત્મિક ઊંચાઈનો મહિમા તથા તેમાં હેત, વિશ્વાસ જાળવી રાખીએ તો આપણા સર્વે દોષ ટળે અને દિવ્ય ગુણો મળે.
મળેલાનો કાયમી મહિમા જાળવી રાખવા હજુ એક ત્રીજી બાબતની પણ જરૂર છે.
૩. જે મહિમાવાળા, ગુણગ્રાહી અને બીજાનું સારું જ બોલતા હોય તેનો અતિ પ્રેમથી સંગ કરવો, પણ જે પોતે સત્સંગમાંથી પાછા પડી ગયા હોય અને બીજાનું નેગેટિવ બોલ્યા કરતા હોય તેનો સંગ કદી ન જ રાખવો.
કદાચ કોઈ આપણી દુ:ખતી નસને દબાવી યુક્તિપૂર્વક બીજાના અવગુણ બતાવવાની ટ્રાય કરે તોપણ નિર્વિઘ્ન પ્રભુને પામી જવું હોય તો મોટાનો અવગુણ કદી ન જ આવવા દેવો. આ માટે પણ સ્વયં શ્રીહરિએ આપણને ચેતવ્યા છે - “અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ ને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય ને તે પાસે કોઈ એકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે ત્યારે તેની આગળ એમ કહે જે, ‘હું તો એનો વેચાણ છું ને મારા કટકા કરી નાંખે તોપણ મારે એમનો અવગુણ ન આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે.” - વચ.લો.૬
આવી રીતે સ્વભાવ-પ્રકૃતિને સહજ ગણી, અલૌકિક ઊંચાઈને યથાર્થ ઓળખી, મોટાનો મહિમા હંમેશાં વધારતા રહીએ, ભેગા રહેવા છતાં હેત, વિશ્વાસ અને હિતકારીપણું જાળવી રાખીએ તથા જેના સંગે મોટાનો મહિમા વધે તેનો દિલથી સમાગમ રાખીએ. વળી, જેના યોગે આપણને મહિમા કે ભાવ ઘટે એમ હોય તેવાને ઓળખી, તેનાથી છેટા જ રહીએ તો આપણને સર્વોત્તમ પ્રાપ્તિ કરવામાં કાંઈ જ બાકી ન રહે.
હે મહારાજ ! મારા જીવનમાં ત્રણેય ઉપાયો આત્મસાત્ થાય એવી કૃપા કરશો...