
હર્ષ ! રવિવારે બપોરે જમ્યા બાદ પ્રેરક ક્યાં જાય છે ને શું કરે છે ? એ તું ખાસ જોતો રહેજે; તને જણાઈ આવશે કે આ સત્સંગમાં કેવી દિવ્યતા છે ? ‘કેમ ? એવું તે વળી શું વિશેષ છે અને એ પણ રવિવારે ?’ મેહુલ અને હર્ષનો ચાલી રહેલ આ સંવાદ આગળ વધે તે પહેલા અચાનક પ્રેરક અને કિશનના આવવાથી એ વાત અધૂરી જ અટકી પડી. ને સૌ મિત્રો બીજી વાતે વળગ્યા. ‘કેમ કિશન ? સાંભળ્યું છે કે હમણાં કાંઈક આ મહિનામાં સૌએ KUP (K=કૃપા U=ઉપકાર અને P=પ્રેરણાદાયી પ્રસંગો) પ્રોજેક્ટના P ઉપર અભ્યાસ ચાલુ કર્યો છે ! હા, પ્રેરણાદાયી પ્રસંગો કહેવા- સાંભળવામાં અને વાંચવા-વિચારવામાં એવી તો મજા પડી ગઈ છે કે આખો દિવસ હૃદયમાં એકલી દિવ્યતા જ છવાયેલી રહે છે. અરે હા, એક-બે પ્રસંગ તો મને અત્યારે જ યાદ આવે છે. પણ...’ ‘પણ શું ?’ ‘કાંઈ નહિ, એ તો હું વિરલને યાદ કરતો હતો.’ એમ કહી કિશને વિરલનો એક સારો પ્રસંગ ટૂંકમાં કહી મૂળ વાત છુપાવી દીધી.
ત્યારબાદ સાથે રહેલ પ્રેરક સામે જોઈ કિશને કહ્યું, ‘અરે યાર પ્રેરક ! હું તો સાવ ભૂલી જ ગયો. બપોર સુધીમાં ધવલ સરને ઘેર મારે દવા પહોંચાડવાની હતી ને એ તો હું ઓફિસે જ ભૂલી ગયો. એક કામ કરીશ..! મારું બાઈક લઈને તું દવા આપી આવીશ ?’ સારા પ્રસંગો સાંભળવા ઉત્સુક પ્રેરકે વિનયથી કહ્યું, ‘એક-બે પ્રસંગ સાંભળીને પછી જાઉં તો કેમ ?’ ‘અં... પછી તું સમયે પહોંચી નહિ શકે ને પ્રસંગ તો હું તને પછીથી પણ કહી દઈશ.’ આમ કહી એ નિમિત્તે કિશને પ્રેરકને ત્યાંથી મોકલી દીધો.
હવે કિશને વાત શરૂ કરી. ‘મિત્ર મેહુલ અને હર્ષ ! હમણાં હમણાં તો પ્રેરકના જીવનમાં મેં બહુ બધા પ્રસંગો જોયા છે. હું તેનો કલોઝ ફ્રેન્ડ હોવાથી કેટલીક વાત તો કોઈને ન કહેવાની શરતે તેણે મને ખુલ્લા મને કરી છે. તેમાંથી કહી શકાય તેટલી એક-બે વાત કરું છું. પ્રેરકનું હાલનું જીવન એવું સુંદર છે કે આજે તેના ઉપર સૌનો રાજીપો થાય છે. સૌ કોઈ તેને માનની દૃષ્ટિથી જુએ છે. વળી, કેટલીક વાર પૂ.સંતો તથા વડીલો દ્વારા તેના ભરસભામાં વખાણ થાય છે. પરંતુ પ્રેરક તો સન્માનના દરેક પ્રસંગો બાદ કોઈને કોઈ પાસે દાસ બનીને બેસી લે છે. પોતાને મળેલ સન્માન જ સંહારક ન બની જાય એવી સાવધાની સાથે દાસત્વનું બેલેન્સ કરી લે છે. અને ખાસ તો બરોબરિયા પાસે બેસીને પોતાનું અહં મારવાનો આવો બેઝિક ઉપાય તે દર રવિવારે કરતો રહે છે.’
‘દર રવિવારે’ શબ્દ સાંભળી મેહુલને કાંઈક યાદ આવ્યું ને તે બોલવા લાગ્યો. ‘કિશન ! પ્રેરક અને તારા આવ્યા પહેલાં હું હર્ષને રવિવારની જ વાત કરતો હતો. વાત એવી હતી કે, પ્રેરક રવિવારે બપોરે અચૂકપણે મંદિરના સંડાસ-બાથરૂમ સાફ કરવા જેવી નીચી સેવા કરી લે છે.’ કિશને વાતમાં ઉમેરતાં કહ્યું કે, ‘હા, સફાઈની કોઈ પણ સેવા હોય પ્રેરકને કહેવું ન પડે; એવું મેં પણ અનુભવ્યું છે.’ મેહુલે વાત આગળ વધારતાં કહ્યું, ‘બીજી રવિવારની જ એક વાત કરું તો એ દર રવિવારે 100 દંડવત કરે છે. તેમાં 50 પોતાના નિયમના અને બાકીના 50 હમણાં આશિષભાઈનો હાથ ભાંગવાથી તેમનાથી નથી થતા એટલે તેમના માટેના.’ હજુ પણ એક રવિવારની વાત કરું તો... ‘રવિસભાનું બધું શાકભાજી દર વખતે લઈ આવી પ્રેરક ઘણા સમયથી ઘણો બધો આર્થિક ઘસારો ખમે છે; ને એ પણ બીજાના નામે. આમ તેનું આખું જીવન સૌને માટે પ્રેરણાદાયી છે.’
કિશને કહ્યું, ‘એટલે જ તો એ મોટો છે ને ! આપણી સાથે આપણા જેવો થઈને રહે છે તોપણ આપણાથી કાંઈક વિશેષ છે. પ્રેરક આવો કઈ સમજણથી બની શક્યો એ વિશેનો એક બીજો ખૂબ સુંદર પ્રસંગ મેં આપણા ધવલ સર પાસેથી સાંભળ્યો હતો. એ પ્રસંગ હું કહું એના કરતાં ધવલ સરના મુખે જ આપણે સાંભળીએ તો કેવું...?!’ સહુ મિત્રોની સહમતિ બાદ કિશને ધવલ સરને ફોન લગાવી આ પ્રસંગ કહેવા તેમને વિનંતી કરી એટલે ધવલ સર ફોનમાં પ્રેરકનો પ્રસંગ કહેવા લાગ્યા...
‘એકવાર પ્રેરક મારી પાસે આવીને અચાનક રડવા લાગ્યો. મને થયું કે પ્રારંભિક અવસ્થામાં જ્યારે દોષો-સ્વભાવો સામે લડાઈ ચાલુ હતી ત્યારે તો પ્રેરક મારી પાસે અનેક વાર રડ્યો છે પણ અત્યારે તેને શેનું દુ:ખ હશે ? ધીમે રહીને વાતની તપાસ કરતાં જાણવા મળ્યું કે, એ KUP પ્રોજેક્ટ માંના અને Uનું રડે છે. મેં તેને સાંત્વના આપી રડતો છાનો રાખ્યો, પણ ત્યાર પછી કેટલીક બાબતોની ચર્ચા કરી ત્યારે તો હું આશ્ચર્યમાં પડી ગયો. એ વાત હતી ‘શ્રેષ્ઠત્વને હણવાના શ્રેષ્ઠતમ ઉપાયની.’ પ્રથમ તો એણે મને પોતાના ભૂતકાળની સરખામણી સાથે પોતાના વર્તમાન જીવનની વાત કરી. પછી કહ્યું, “હવે મન સાથે બહુ નથી લડવું પડતું અને દોષો-સ્વભાવોની પીડા પણ સાવ નહિવત્ થઈ ગઈ છે. હાલ મહારાજે હૃદયમાં ખૂબ જ સુખ આપ્યું છે ને પ્રભુમાં હેત પણ થવા લાગ્યું છે. આ આનંદ કેવળ કૃપાનું પરિણામ છે; કેવળ કૃપાનું...” આમ કૃપા અને ઉપકાર યાદ કરી પ્રેરક ફરીથી રડી પડ્યો.
સ્વસ્થ થયા બાદ મેં તેના હૃદયમાં પડેલી સમજણ તપાસવાના ભાવ સાથે થોડી બીજી સાઈડની વાતો કરવા માંડી, “પ્રેરક ! તું હંમેશાં દોડી દોડીને સેવા કરે છે, નિયમધર્મ અને આજ્ઞામાં ચકોરપણે સાવધાન રહે છે. વળી, મક્કમ ઠરાવ સાથે આગળ વધવાનો પ્રામાણિક પ્રયત્ન કરતો રહે છે, તેથી ભગવાને તને આટલો સુખી કર્યો છે. વળી, તું સમયસર રિપોર્ટ આપી અભ્યાસ કરતો રહે છે, એટલે જ તને અહંનો આફરો નથી ચડતો ને આસક્તિથી બચી સુખી રહી શકે છે; આવું તારું સાવધાનીભર્યું સુંદર જીવન જોઈને તો કોને કૃપા કરવાનું મન ન થાય ! ”
આ બધી વાત સાંભળવામાં પ્રેરક એકીટશે મારી સામે જોઈ રહ્યો. પછી મને ધીરેથી કહ્યું, “ના..ના..ના.. સર ! આ બધું તો હું પહેલાં પણ કરતો જ હતો. માફ કરજો, આપની વાત કદાચ સાચી હશે પણ મને તો લાગે છે કે, “આ બધું પ્રેરકના પ્રયત્નનું નહિ પણ પ્રભુના પ્યારાઓએ મારા માટે કરેલ પ્રાર્થનાનું જ પરિણામ છે. મારી સફળતા અને સુખમાં મારાં સાધનો નહિ પણ કોઈકનો લાગણીસભર સંકલ્પ જ જવાબદાર છે, કોઈકના આશીર્વાદ અને રાજીપાને લઈને જ મારું ગાડું ગબડે છે. જો મારા જ પ્રયત્નનું ફળ હોત તો તો આજ સુધી મેં ઘણા ઘણા પ્રયત્નો કર્યા છે, ત્યારે કેમ હું સફળ કે સુખી નહોતો થયો ? અવારનવાર દુ:ખ કેમ આવ્યું હતું ? એ સમયે હું કેમ નિર્દોષ કે નિર્વાસનિક ન બની ગયો ? માટે મારામાં જે કાંઈ છે તેનું કારણ માત્ર આ મહારાજના લાડલાઓની કૃપા જ છે. પૂ.ગુરુજીના એક કીર્તનમાં આવે છે ને ! ‘કરું છું પ્રાર્થના હાથ જોડીને, કર્તૃત્વ એ પણ છે હરિ તારું...’ લ્યો કહો હવે, શું બાકી રહ્યું..!”
આમ, પ્રેરકે પોતાના સુખ અને સફળતાના કારણ તરીકે શ્રીહરિ અને સંતો-ભક્તોની કૃપા જ દર્શાવી. ત્યારબાદ તેણે મને પૂ.ગુરુજીની તા.૦૩/૦૩/૨૦૧૯ની રવિસભાની લીંક ફોરવર્ડ કરતાં કહ્યું, મેં આ કથા ૧૫ થી ૨૦ વાર સાંભળી લીધી છે; તેમાંથી મને શ્રેષ્ઠત્વને હણવાના શ્રેષ્ઠતમ ઉપાય તરીકે સમજાઈ ગયું છે કે, ‘હું કાંઈ નથી... કૃપા વિના કાંઈ જ નથી.’ કથા સાંભળીને તેના ઉપર અભ્યાસ કરવાનો પ્રેરકનો આવો ગુણ જાણીને હું તો શરમિંદો બની મારામાં ઊંડો ઊતરી ગયો.
વહાલા ભક્તો ! પ્રેરકના જીવનમાંથી પ્રેરણા લઈ ચાલો આપણે પણ આ કથા સાંભળીને સ્પષ્ટ સમજી લઈએ કે, હું સુખી શાથી છું ? જો ચોખ્ખું સમજી જઈશું કે, ‘હું જે કાંઈ છું, જેવો છું એ મારા સાધનબળથી નહિ પણ કોઈકના રાજીપાથી, પ્રાર્થનાથી અને તેમના આશીર્વાદને લઈને છું.’ તો... આ ‘દાસાનુદાસ વર્ષ’માં દાસ થવાનું-રહેવાનું એકદમ સરળ બની જશે. ‘કોઈક દિવ્યશક્તિના કર્તૃત્વને લઈને જ મારી જીવનનૈયા ચાલી રહી છે’ આમ સમજાઈ જશે તો પછી બીજું કાંઈ જ સમજવાનું-કરવાનું બાકી નહિ રહે..!!