
વહાલા ભક્તો, આપણા અંતરમાં સહેજે શ્રીજીમહારાજનો અને સંતો-ભક્તોનો રાજીપો મેળવવાનો આશય રહે છે; કેમ જે, સત્સંગમાં રળવા જેવી વસ્તુ એક રાજીપો જ છે. રાજીપો અને કોપ બન્નેમાં જમીન આસમાનનો ફરક છે, પરંતુ તે બે જે સ્વરૂપે આપણને મળતા હોય છે, તેને જો ઓળખી-સમજી ન શકીએ તો આપણે છેતરાઈ જઈએ.
એક વખત ગઢપુરમાં રાજબાઈએ મહારાજને પૂછ્યું જે, “મહારાજ ! તમે ભક્ત ઉપર રાજી થાઓ છો ત્યારે કોઈને હાર, કોઈને થાળ, તો કોઈકને વસ્ત્ર આપો છો; પણ તમે ખરેખરા અંતરથી રાજી થાઓ છો ત્યારે તે ભક્તને શું આપો છો ?”
ત્યારે મહારાજે કહ્યું, “અમે ખરેખરા અંતરથી રાજી થઈએ, ત્યારે તો તે ભક્તને અમારા વિના ક્યાંય બંધાવા દઈએ નહીં. તે જો એ ભક્તને પુત્રમાં કે દ્રવ્યમાં પ્રીતિ હોય તો તે પુત્ર અને દ્રવ્યનો નાશ કરી નાખીએ, ને જો તેને દેહમાં આસક્તિ હોય તો તેમાં એવો રોગ પ્રેરીએ કે એ ભક્તને કોઈ સાંસારિક પદાર્થમાં પ્રીતિ રહે નહીં. આમ, તેને સંસારમાંથી લૂખો કરી મેલીએ. તેથી કેવળ અમારા સામું જ જુએ. ને કોઈકને સાંસારિક પદાર્થ આપીએ છીએ, તે તો સત્સંગના સમાસને અર્થે આપીએ છીએ.”
વહાલા ભક્તો, જ્યારે આપણને કાંઈક મનગમતું મળે, કોઈ હોદ્દો મળે કે કોઈ પ્રકારની સ્વતંત્રતા મળે, ત્યારે આપણે ભગવાનનો કે મોટા સંતનો રાજીપો કે કૃપા અનુભવતા હોઈએ, તો એ માયાની છેતરામણી છે; અને તેથી જ હરિચરિત્રામૃત સાગરમાં કહ્યું છે કે,
पाई :
भगवान कोप करत जेहि वारी, स्वतंत्र ताकु करत तेहि वारी।
भगवान के कोप रहाये एहा, मनगमते विषय मिलत तेहा।।
दोहा :
मनमाने विषय मिलत जब, असतपुरुष जेते।
भगवान की कृपा बहुत हि, मानत भये तेते।।
सोरठा :
विषय में रहे दु:ख, गिनत न आवत पार तेहि।
दु:ख में मानत सुख, एहि सम नहि कोप कोउ
શ્રીમદ્ભાગવતમાં પણ કહ્યું છે જે,
यस्याहमनुगृह्णामि हरिष्ये तद्धनं शनै:।
ततोऽधनं त्यजन्त्यस्य स्वजना दु:खदु:खितम्।।
स यदा वितथोद्योगो निर्विण्ण: स्याद् धनेहया।
मत्परै: कृतमैत्रस्य करिष्ये मदनुग्रहम्।।
- ભાગ. ૧૦/૮૮/૮,૯
ભગવાન કહે છે કે, “જેની ઉપર હું કૃપા કરું છું તેનું બધું ધન ધીરેધીરે છીનવી લઉં છું. જ્યારે તે નિર્ધન થઈ જાય છે, ત્યારે તેનાં સગાંસંબંધીઓ તેને ત્યજી દે છે. પછી તે ધન કમાવા માટે પ્રયત્ન કરે છે, પણ હું તેને તેમાં સફળ થવા દેતો નથી. તેમાં વારંવાર અસફળ થતાં ધન કમાવામાંથી તેનું મન વિરક્ત થઈ જાય છે. પછી તેને દુ:ખદ સમજીને ત્યાંથી તે મોઢું ફેરવી લે છે અને મારા પ્રિય સંતો-ભક્તોનો આશ્રય લઈને તેમની સાથે સંબંધ બાંધે છે. આ રીતે હું તેના પર મારી કૃપા કરું છું.”
માટે ચાલો, આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે, “હે મહારાજ ! ખરેખર તમારો રાજીપો અને કુરાજીપો શું છે ? તે અમને યથાર્થ સમજાવજો અને આપને રાજી કરવા માટે શુદ્ધ સમજણ, શક્તિ અને શ્રદ્ધા આપજો.”