શ્રીહરિનું સ્મરણ કેમ કરવું જોઈએ ?

શ્રીહરિનું સ્મરણ કેમ કરવું જોઈએ ?

શ્રીહરિએ શિક્ષાપત્રીમાં કહ્યું છે -

निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम् ।
विभाव्य तेन कर्तव्या भक्ति: कृष्णस्य सर्वदा ।।

સહુ પ્રથમ આપણે આપણા આત્મસ્વરૂપને ચોખ્ખું સમજવું. કેવું સમજવું ? તો निजात्मानं ब्रह्मरूपं - પોતાના આત્માને બ્રહ્મરૂપે માનવો. બ્રહ્મરૂપ એટલે શું ? તો તેની થોડી છણાવટ કરે છે. - देहत्रयविलक्षणम् જેમાં દેહના કોઈ જ ભાવો ન હોય એવો શુદ્ધ ચૈતન્યરૂપ માનવો.

સ્થૂળદેહના ભાવો કયા કયા ? તો હું પુરુષ છું, હું સ્ત્રી છું, બાળક છું, યુવાન છું, વૃદ્ધ છું, જાડો કે પાતળો છું, સાજો કે માંદો છું, કાળો કે ગોરો છું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ક્ષુદ્ર છું. આ મારી જન્મતારીખ છે. આ મારી મેરેજ એનીવર્સરી છે; આવું સ્થૂળદેહને લગતું જે જે કાંઈ છે તે બધું સ્થૂળદેહના ભાવો છે. તે આપણા શુદ્ધ આત્મ સ્વરૂપમાં છે જ નહીં, માટે આપણે જ્યારે આપણને આત્મારૂપે કે બ્રહ્મરૂપે માનીએ ત્યારે આવા તમામ ભાવોથી રહિત નિરાકાર શુદ્ધ ચૈતન્યરૂપે માનવું કે વર્તવું જોઈએ.

સૂક્ષ્મદેહના ભાવો કયા ? તો દસ ઈન્દ્રિયો અને ચાર અંત:કરણ દ્વારા જે જે ક્રિયાઓ થાય છે તે બધા સૂક્ષ્મદેહના ભાવો છે.

જેમ કે, ભાત-ભાતના સંકલ્પ-વિકલ્પ થાય, પંચવિષય ભોગવાય, માન-મોટ્યપ કે કીર્તિ મેળવવાની ઈચ્છા થાય, મળે તો મજા આવે અને તે ટળે તો દુ:ખ થાય.

આ બધો સૂક્ષ્મદેહનો ડખો છે. આપણે સૂક્ષ્મદેહમાં એકમેક થઈને વર્તીએ છીએ એટલે તેને કારણે ભજન-સ્મરણમાં વારંવાર વિક્ષેપ આવ્યા કરે છે. જો તેનાથી જુદા પડી શુદ્ધ આત્મારૂપે કે બ્રહ્મરૂપે વર્તીએ તો તે વિક્ષેપથી બચી શકાય.

આત્મારૂપે રહીને બે પ્રકારે ઈન્દ્રિયો-અંત:કરણના ભાવોથી બચી શકાય છે.

  1. આપણે આપણી વિવેકબુદ્ધિથી જેટલો યોગ્ય હોય તેટલો ઈન્દ્રિયો-અંત:કરણનો ઉપયોગ કરી ભગવાનની આજ્ઞા પાળીએ, ભક્તિ કરીએ. દેહનો નિભાવ કરીએ. આપણી ફરજ બજાવીએ, પણ તેને આધીન થઈ જઈએ નહીં.
  2. ઈન્દ્રિયો કે અંત:કરણ બિનજરૂરી ચાળા કરવા લાગે ત્યારે તેને આપણાથી જુદા, વિરોધી કે શત્રુ સમજી તેમાં ભળી ન જઈએ.

જેમ આપણી આજુબાજુમાં રહેલ બીજા કોઈ માણસો કાંઈ અયોગ્ય ક્રિયા કરતા હોય તો આપણે તેનાથી અલિપ્ત રહી આપણું કામ કર્યા કરીએ, તેમ ઈન્દ્રિયો-અંત:કરણને આપણાથી જુદાં સમજી તેના અટકચાળાથી અલિપ્ત રહેવું જોઈએ. આપણે તેમાં રાગ કે દ્વેષ કર્યા વિના આપણા કર્તવ્યમાં કે સેવા, સત્સંગ-ભજનમાં વ્યસ્ત રહેવું જોઈએ.

કારણદેહના ભાવો એટલે અયોગ્ય ઈચ્છાઓ, ભગવાનની આજ્ઞા-મરજી વિરુદ્ધની વાસનાઓ. આવી જે જે ઈચ્છાઓ ઉદ્ભવે ત્યારે આપણે એમ સમજવું જોઈએ કે, એ તો કારણશરીરના ભાવો છે, મારા નહીં. મેં ભૂતકાળમાં દેહરૂ૫ે રહી આજ્ઞાવિરુદ્ધ ભોગો ભોગવ્યા હશે તેથી આવા રાગો અત્યારે ઉદ્ભવે છે. પણ હવે તો હું મહારાજ તથા મારા ગુરુજીની કૃપાથી સ્પષ્ટ સમજું છું કે, હું શુદ્ધ ચેતન આત્મા છું, બ્રહ્મ છું. મારે આવી કોઈ વાસના ભોગવવી નથી. હું શુદ્ધ આત્મારૂપે રહી ભગવાનની ભક્તિ અને આજ્ઞાપાલન કરતો રહીશ, તો કારણશરીરમાં જે કાંઈ વાસના છે તે બધી બળી જશે; એટલે તેની પીડા પણ ટળી જશે. જે ગામ જવું નહિ તેનું નામ શું લેવું ? તેમ મારે વાસના વધારવી કે ભોગવવી જ નથી, માટે વાસનાના ભાવોમાં ભળવું જ નથી. વાસના મારી માનવી જ નથી. તેનાથી અલિપ્ત રહી હું મહારાજની આજ્ઞા અનુસાર જીવન જીવીશ અને ભક્તિ કર્યા કરીશ.

આમ માનવા-વર્તવા છતાં વાસનાનો વેગ આવે તો તેનાથી તદ્ન જુદા પડી જવું. જેમ આપણા પાડોશી લસણ-ડુંગળીનાં ભજિયાં વારંવાર ખાધા કરતા હોય, તો આપણે તેમાં ભળી પણ ન જઈએ અને તેની સાથે ઝઘડો પણ ન કરીએ. આપણે આપણા કર્તવ્યમાં મશગૂલ રહી તેમાં ધ્યાન જ ન આપીએ; તેમ આપણે આપણને શુદ્ધ આત્મારૂપે માની વાસનાની અસરોથી અલિપ્ત રહી ભજન કર્યા કરવું જોઈએ.

કદાચ અમુક વાસનામાં લેવાઈ જતા હોઈએ તોપણ હિંમત હાર્યા વિના આપણો અભ્યાસ ચાલુ ને ચાલુ રાખીશું તો પ્રભુકૃપાથી આખરે આપણે જીતી જઈશું.

આમ ત્રણેય દેહના ભાવોથી જુદા આપણે આપણને શુદ્ધ ચેતન આત્મારૂપે કે બ્રહ્મરૂપે માનવા જોઈએ, અર્થાત્ હું દિવ્ય તેજરૂપ આત્મા છું, હું સર્વત્ર વ્યાપક એવો એકરસ ચિદ્ઘન બ્રહ્મ છું. મારામાં સદા સાકાર પરબ્રહ્મ શ્રીહરિ સાક્ષાત્ બિરાજમાન છે. તે સાકાર મૂર્તિ મારા શરીરી છે અને હું આકારરહિત એવો તેમનું શરીર છું; આમ સમજવું જોઈએ. આવું કાંઈપણ ભલે ન દેખાય તોપણ હું આત્મા જ છું, બ્રહ્મ જ છું, એમ મજબૂતપણે માનવું તો જોઈએ જ.

જેમ કોઈ મહિલાના ગર્ભમાં સંતાન હોય તેને આપણે ભાળતા નથી, છતાં સાયન્સના રીપોર્ટના આધારે તેને પુત્ર કે પુત્રીરૂપે ૧૦૦% માની લઈએ છીએ. તેમ આપણાં શાસ્ત્રો, સંતો અને સ્વયં શ્રીહરિએ દર્શાવેલ આ દિવ્ય વિજ્ઞાનના સહારે આપણે આપણને આત્મારૂપે કે બ્રહ્મરૂપે ૧00% માની લેવા જોઈએ. એવી ધારણા કરતા રહેવું જોઈએ. એટલે જ મહારાજે આવું લખ્યું છે. विभाव्य तेन कर्तव्या भक्ति: कृष्णस्य सर्वदा ।।

विभाव्य - એવી વિભાવના-ધારણા કરીને હું ત્રણ દેહથી તદ્ન વિલક્ષણ એવો બ્રહ્મરૂપ આત્મા છું એમ ધારણા કરીને શ્રીહરિની સતત ભક્તિ કરતા રહેવું.

આપણે ત્રણ દેહના ભાવોથી જુદા વર્તીએ છીએ કે નહિ તેની ખાત્રી શું ? તો ત્રણ દેહના ભાવોના કારણે જેટલા હર્ષ-શોક રહિત રહી શકીએ તેટલા જુદા રહ્યા કહેવાય. જેમ કે, ભૂખ-તરસ, ટાઢ-તડકો, માન-અપમાનની પરિસ્થિતિમાં આપણે સહજ ભજનપરાયણ રહી શક્યા, વિક્ષેપ પામ્યા નહીં, તો તેટલા ત્રણ દેહથી જુદા પડ્યા. સારું ખાવા-પીવાનું મળ્યું તો હરખાઈને તેમાં આસક્ત થઈ ગયા. જો ન મળ્યું તો ખીજાઈને અકળાઈ ઊઠ્યા. આવું થાય તો દેહભાવમાં ભળી ગયા અને આત્મભાવ ભૂલી ગયા એવું કહેવાય.

આવી બધી જ પરિસ્થિતિમાં હર્ષ-શોક રહિત પ્રભુપરાયણ રહેવાય તેટલો આપણે બ્રહ્મરૂપે રહેવાનો અભ્યાસ વારંવાર લાંબા સમય સુધી ચાલુ રાખવો પડશે.

ગોપાળાનંદ સ્વામી, પર્વતભાઈ અને નેનપુરના દેવજી ભગત જેવા મુક્તોને પ્રેક્ટિકલ બ્રહ્મભાવ જ રહેતો હતો, એટલે તેઓ કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવવા છતાં સમત્વધારી પ્રભુપરાયણ રહેતા હતા.

આપણે પણ ‘બ્રહ્મભાવે સ્મરણ વર્ષ’ માં બ્રહ્મરૂપે રહી ભજન-સ્મરણનો અભ્યાસ ભૂલ્યા વિના કર્યા જ કરીશું તો શ્રીહરિની કૃપાથી એવી સ્થિતિ થઈ જશે.