શ્રીહરિનું સતત સ્મરણ કરવું છે ?

શ્રીહરિનું સતત સ્મરણ કરવું છે ?

વહાલા ભક્તો ! આપણે અખંડ ભગવાનનું સ્મરણ કરવા ઈચ્છીએ છીએ, પણ થતું નથી. તેનું શું કારણ ? તો જેને જેને અખંડ સ્મરણ થતું હોય કે થયું હોય તેના જીવન પરથી સ્મરણનું કારણ આપણે જાણી શકીએ.

લોભીને ધનનું, કામીને સ્ત્રી–પુરુષનું અને મમતાળી માને તેના બાળકનું અનાયાસે સ્મરણ થાય છે. કેમ જે લોભીને ધનમાં બહુ માંલ મનાય છે. કામીને સ્ત્રી-પુરુષમાં સુખ સમજાય છે અને માંતાને તેનું બાળક અતિ વ્હાલું હોય છે. આમ સતત સ્મરણ થવાના મુખ્યત્રણ કારણો છે.

  1. સમજણપૂર્વકનો મહિમા
  2. સુખબુદ્ધિ
  3. હેત-મમતા.

જો આ ત્રણેય કે ત્રણમાંથી કોઈ એક આપણા પરમ પ્રાપ્ય પ્રભુજીમાં થઈ જાય તો તેનું સતત સ્મરણ થાય.

ગોપીઓને શ્રીકૃષ્ણ સદા સાંભરતા. કારણ કે, તે તેને પ્રાણથી પ્યારા બની ગયા હતા. મીરાબાઈને ગોપાલ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવાની ખુમારી આવી ગઈ. કારણ કે, ‘મેરે તો એક ગિરિધર ગોપાલ દસુરો ન કોઈ’ આવી અનન્ય નિષ્ઠા તેને જીવમાં જડાઈ ગઈ હતી.

આપણા દાદાગુરુ પ.પૂ.સદ્ .શ્રીરાધારમણદાસજી સ્વામી-ખાનદેશી વડતાલવાળા અને વલ્લભીપુરવાળા લક્ષ્મણદાદા ૨૦-૨૨ કલાક સુધી સતત શ્રીહરિનું સ્મરણ–ચિંતન કરતા. કારણ કે, તેમને એક ભગવદ્ ભજન જ ભક્તજીવનનું પરમ કર્તવ્ય મનાઈ ગયું હતું. એક ભગવાનને ભજવાની જ તીવ્ર લગની લાગી ગઈ હતી. પ્રભુ જ તેમને પરમ પ્રિય અને પરમ પ્રાપ્ય થઈ ગયા હતા.

આપણા આદિ ગુરુ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી કદી ભગવાનને ભૂલતા જ નહીં. કેમ જે, તેમને પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિમાં આત્મબુદ્ધિ થઈ ગઈ હતી. પ્રભુ જ તેમનું જીવન-આત્મા-સર્વસ્વ છે, એવું તેમને સ્વીકારાઈ ગયું હતું. એવો યથાર્થ મહિમાં દ્રઢપણે સમજાઈ ગયો હતો. સતત સ્મરણ માટેની આવી જે જે બાબતો છે, તેમાંથી આપણા અંગ પ્રમાણે જે સિદ્ધ કરવું ગમે તેનો અભ્યાસ કરવો આવશ્યક છે. અથવા શ્રીહરિના સ્મરણને જ જીવનનું પરમ કર્તવ્ય કે પરમ આવશ્યક સમજી તેની પાછળ પડી જવું જોઈએ.

પ્રેરક પ્રસંગ

થોડા વર્ષો પહેલા મહારાષ્ટ્રના ગામડામાં રહેતા એક ભાઈ અતિ બીમાર થઈ ગયા. તેમને મુંબઈ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં જે જે રિપોર્ટ કરવાના કહ્યા તેના બિલ ભરવાની કેપેસીટી તેમની પાસે નહતી. પછી રોડ પર નાસ્તો કરતા હતા, ત્યાં તેની ધર્મપત્ની લતા બહેને મેરેથોન દોડની જાહેરાત વાંચી. તેમાં વિનરને રૂ.૫૦૦૦ નું ઈનામ મળતું હતું. લતા બહેને તેમાં પરાણે ભાગ લીધો. ૬૨ વર્ષ ની ઉંમરે, સાડી પહેરેલી હાલતમાં ખુલ્લા પગે દોડીને તે બહેન કેટલાક કિલોમીટર સુધી દોડવાની રેસમાં નંબર-૧ આવ્યા. રૂ.૫૦૦૦ પોતાના પતિ માટે વાપર્યા છતાં ઘટ્યા તો બીજી અને ત્રીજી વખત પણ તે બહેન જ જીત્યા . કેમ જે, તેને તેની તાતી જરુર જણાઈ ગઈ હતી. વળી તેના પતિદેવમાં તેની લાગણી એવી પ્રબળ હતી કે, તે તેને અનિવાર્ય જ લાગતું હતું. જો આપણને પણ પ્રભુને અતિ ગમતું ભજન અનિવાર્ય લાગે અને પ્રભુ એવા પ્યારા લાગે તો સતત સ્મરણ થાય જ.

આપણને ખાવું-પીવું, સૂવું, ન્હાવું-ધોવું કે વ્યાવહારિક કામ જેટલાં અગત્યના કે અનિવાર્ય મનાય છે, તેટલું ભગવાનનું ભજન મહત્વનું મનાતું નથી. એટલે અખંડ ભજન–સ્મરણ થાતું નથી.

ઘણીવાર આપણું મન એમ છેતરે છે કે, મારે નોકરી, ધંધો કે ઘરકામની આ જવાબદારી છે, તે કર્યા વિના છૂટકો નથી, એની બહુ જરુર છે. જો એ મારા કામમાં પૂરું ધ્યાન ન આપું તો આટલું મોટું નુકશાન થાય. તો શું ભગવાન સંભારવા એ ભગતના જીવનનું કોઈ કામ જ નથી ? શું શ્રીહરિનું સ્મરણ- ભજન એ કાંઈ મહત્વનું નથી ? શું ભજન-સ્મરણ વિના ભગતનું જીવન ચાલ્યું જાય છે તેની કાંઈ ખોટ જવાની જ નથી ? શું આપણા વહાલા મહારાજને ભૂલીને બીજું જ કર્યા કરીએ, તે ભગવાનને ગમતું હશે ? માટે આપણી સમજણમાં બહુ કસર છે.સત્સંગ કરવામાં બહુ ફરક રહે છે.

આપણી આ બધી બાબતોનું સમાધાન મળી જાય એવી પ્રભુએ ગીતાજીમાં એક વાત કરી છે.

अनन्यास्चिन्तयन्तो मांय जना: परपयु्सत ।
तेषां नित्याभियुक्तानां यो गक्षेमं वहाम्यहं ।।

જે ભક્તજનો એક મારો જ અચળ આશરો રાખીને, માંરામાં જ પ્રીતિ કરીને, મારુ સર્વ અવસ્થામાં સતત ભજન કર્યા કરે છે; એવા નિત્ય માંરી સાથેજ જોડાઈ રહેનારા તે ભક્તોના યોગ અને ક્ષેમ નું હું પોતે વહન કરું છું. યોગ એટલે ભક્તના જીવનમાં જે જે જરુરી હોય તેવી લોકિક-અલૌકિક બધી પ્રાપ્તિ. ક્ષેમ એટલે જે પ્રાપ્ત થયું તેને સુરક્ષિત રાખવાની જાળવણી.

જો આપણે એક ભગવાનમાં જ ભરોસો અને પ્રીતિ રાખી સતત તેમની સાથે જોડાયેલા રહીએ તો મેળવવા જેવું બધું પ્રભુ પોતે જ મેંળવી દે છે અને તે જ સાચવી પણ લે છે.

એકવાર શ્રીહરિજી મહારાજ ગામ માંણાવદરની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં મયારામ ભટ્ટનું ખેતર આવ્યું. તેમાં બાજરો બહુ સારો પાક્યો હતો, પણ તેને લણી દાણા ચોખ્ખા કરી ઘેર પહોંચાડવાનું કામ બાકી હતું. કારણ કે, મયારામ ભટ્ટ સત્સંગ-સેવામાં અને તેના ભાઈ ગોવિંદરામ ભટ્ટ ભજનની લગનીમાં પરોવાયેલ હોવાથી તે કામ ટાઈમે થયું નહોતું. પછી પ્રભુએ સાથેના સંતો-ભક્તો દ્વારા ભજનપરાયણ રહેનાર ભક્તનું તે કામ તે સમયે જ કરી દીધું. જ્યારે આપણે તો પ્રાયોરીટીમાં સંસાર-વ્યવહારને જ પહેલો રાખીભજન-સેવા-સત્સંગને છેલ્લા વધારાના કામની જગ્યા એ રાખીએ છીએ. એટલે પ્રભુ પણ આપણા યોગ-ક્ષેમ ને પ્રાથમિકતા આપે નહીં એમાં એમનો શો વાંક ?

કદાચ આપણા પૂર્વ કર્મના ફળરુપે મહારાજ અત્યારે આ લોકે ની સફળતા સારી આપતા હશે. પણ જો ભજન-સત્સંગ પૂરેપૂરા નહીં કરી લઈએ તો મર્યા પછી અત્યંત ગરીબાઈ ભોગવવી પડશે. માંટે આ લોકમાં અને અક્ષરધામમાં બંને જગ્યા એ શ્રેષ્ઠ સુખી થાવું હોય તો શ્રીહરિનાં સ્મરણ-ભજનને અનિવાર્ય માની તેને પહેલા નંબરે રાખવા. તે માંટે મહારાજનો ખૂબ મહિમાં દૃઢ કરવો, શ્રીહરિમાં જ સુખબુદ્ધિ અને પ્રીતિ પક્વ કરવી. તેના માંટે કથા, કીર્તન, ધૂન વગેરેનો અતિ ઉત્સાહ અને ખપ રાખી લાભ લેતા રેહવું; તો સતત સ્મરણ થાય.

હે પ્રભુ ! આપને પ્રસન્ન કરવા સતત સ્મરણ કરવાની શ્રદ્ધા ને દિનપ્રતિદિન વધતી રહે, તેવી મારા ઉપર કૃપા કરજો...