
વહાલા ભક્તો ! આજ દિન સુધીમાં મેં ઘણી કથા કરી અને ઘણી સાંભળી, પરંતુ મને એ વાત કહેતાં આનંદ થાય છે કે, શ્રીહરિચરિત્રામૃતસાગરમાં શ્રીજીમહારાજે જે પોતાની સમજણ કહી છે, એ વાત મને બહુ ગમી ગઈ છે. શ્રીજીમહારાજ બોલ્યા કે,
कुटुंबको त्याग कीये जा दिनसे, सुप्न में न आये ता दिनसे।
संत हरिजन कहावत जेहा, सुप्न में अखंड देखत तेहा।।
“અમે જ્યારથી કુટુંબનો ત્યાગ કર્યો છે ત્યારથી અમારું કુટુંબ અમને સ્વપ્નામાં પણ નથી આવ્યું. અને આ તમે બધા સંતો-હરિભક્તો છો, તે બધાને સ્વપ્નમાં હું અખંડ દેખું છું.”
अक्षरधाम संत-हरिजन जेहुं, एक हि देखत ईहां के तेहुं।
तब आनंद उर रहत अपारा, सुख वर्तत कोउ वार न पारा ।।
“અક્ષરધામમાં જે સંત-હરિભક્ત છે અને તમે જે અહીંના સંત-હરિભક્ત છો, તેને હું એક જ જોઉં છું, અલગ નહીં. ત્યાં છે એ જ આ છે અને આ છે એ જ ત્યાં છે; એમ હું માનું છું. અને એમ જ્યારે હું માનું છું ત્યારે કોઈ અપાર સુખ વર્તે છે.”
અક્ષરધામમાં છે એ જ આ બધા છે. પણ હા, મનુષ્યદેહ છે એટલે સૌના સ્વભાવ જુદા-જુદા હોય, દેહના ગુણ હોય, કુટુંબના ગુણ હોય, ગામના ગુણ હોય, નાત-જાતના ગુણ હોય; એ તો અહીં જન્મ લીધો હોય એટલે હોય. તેથી શું એ મુક્ત નહીં ?
મહારાજ કહે છે, “ત્યાં છે એ જ આ છે; એવો ભાવ રહે છે. જો એ ભાવ ભૂલાઈ જાય તો દિલમાં દુ:ખ બહુ થાય છે કે, અરેરે ! એ ભાવ ભૂલી ગયો. અને પહેલાં જે આનંદ અને સુખ હોય છે એ બધું જતું રહે છે.” આપણે એકાદ દિવસ એવો ભાવ રાખ્યો હોય અને એ સુખ માણ્યું હોય તો ખબર પડે કે એ સુખ જાય ત્યારે કેવી વેદના થાય !
‘આ સંતો-ભક્તો અને આ સત્સંગ સિવાયનાં અનંતકોટી બ્રહ્માંડનાં ગામ, ગરાસ, ધન, માન, મોટપ જેટલું કાંઈ છે એ બધું જ મોક્ષના માર્ગમાં વિઘ્ન છે.’ આપણે જેમ સમજવું હોય તેમ ભલે સમજીએ, પરંતુ સ્વામિનારાયણ મહાપ્રભુ તો આવું સમજે છે અને આપણને પણ એવું સમજવાનું કહે છે.
‘समज हे एसी हमारी याही।’ મહારાજ કહે કે, ‘આ અમારી સમજણ છે. આ છે એ બધા ધામના જ છે. ‘अक्षरधाम संतहरिजन जेहुं, एक हि देखत ईहां के तेहुं।’ ‘ત્યાંના અને અહીંના એક જ જોઉં છું.’ મહારાજ એવું નથી કહેતાં કે ત્યાંના જેવા જ આ છે. મહારાજ તો એમ કહે છે કે, ‘એક જ છે.’ તો પછી ‘ત્યાંના જેવા જ આ છે’; એવું ડહાપણ આપણે શું કામ કરવું જોઈએ ?
મહારાજ કહે છે કે, ‘सत्संग से अधिक न जानत कोई, अक्षर प्रजंत कहावत सोई।।' અમે સત્સંગથી અધિક કોઈને જાણતા નથી. અક્ષર પર્યંત જે કાંઈ છે, એ બધાને અમે સત્સંગથી ન્યૂન સમજીએ છીએ.
सत्संग को महिमा हे जितनो, कही शकत नहि हम हि तितनो।
हमारे जेसी समज होय जोउ, कहत में आनंद होवे सोउ।।
“સત્સંગનો એટલો બધો મહિમા છે કે હું કહી શક્તો નથી. કોઈને અમારા જેવી સમજણ હોય તો એને વાત કરવામાં આનંદ આવે, બાકી મજા નથી આવતી.”
देशी मीले विन वात न होवे, मन में वात हि राखत ठोवे।
अधिकारी जानत जीतनो जाई, तितनी वात करत है ताई।।
“અમારી અને એની રુચિ મળે તો વાત કરવામાં અમને બહુ મજા આવે. રુચિ ન મળે તો વાતને અમે અમારા મનમાં દબાવી રાખીએ છીએ. બોલતા નથી. જેને જેટલો અધિકારી ભાળીએ એટલી તેને વાત કરીએ, બાકી બધી મનમાં ને મનમાં રાખીએ છીએ, કહી શકતા નથી.”
વહાલા ભક્તો ! શ્રીહરિચરિત્રામૃતસાગરમાં મહારાજની હૃદગત સમજણ થોડીક લીકેજ થઈ ગઈ કે, અમારે તો અહીંના અને ત્યાનાં એક જ છે. एक हि देखत ईहां के तेहुं। એક જેવા નહિ, બસ એક જ.
મહારાજ કહે છે, ‘અમે એમ સમજીએ છીએ ત્યારે અપાર આનંદ ને સુખ રહે છે.’ આપણે એક દિવસ એમ વર્તી તો જોઈએ ! મહારાજને જેવો આનંદ અને સુખ રહે છે એવું આપણને થાય છે કે નહિ ? તરત જ સુખ આવવા માંડે; આ વાતમાં સવાલ જ નથી, પણ આપણે એવું સમજવા તૈયાર જ નથી. આપણે તો ચાંદ્રાયણ કરવાં છે, જપ-તપ વગેરે બીજાં ઘણાં સાધનો કરવાં છે, પણ સમજવા જેવું આટલું સમજવું નથી. જ્યાં સુધી આવી વાત નહિ સમજાય ત્યાં સુધી આનંદ નહિ મળે. માટે જો સમજાય તો સારી વાત છે બાકી તો તમારી ઈચ્છા.
संत रु हरिजन मांही मुक्तभाव जेही उर रखत ।
आधुनि मुक्त हो जाही ऐसो प्रताप हे समजहु को ।।
सत्संग में अब आये है जेते संत हरिजन बाईओ तेते ।
सब है मुक्त अनादी एही सो भाव अब भूल गये तेही।।
જો સમજવું હોય, કલ્યાણ કરવું હોય, રાજીપો લેવો હોય તો અત્યારે મહારાજે ખૂબ સારો યોગ આપ્યો છે. માટે સમજવાનું વહેલી તકે સમજી લેવું.
પણ હા, આ કામ કરવા માટે રાજીપો બહુ જરૂરી છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે રાજીપો આપણી પાસેથી નથી લેવાનો, બીજા પાસેથી લેવાનો છે. માટે બીજાનું ધાર્યું કરીએ તો જ રાજીપો મળે. જો સંતો-ભક્તો રાજી થશે તો મહારાજ કહે છે તેવી સમજણ દૃઢ કરવામાં કાંઈ વાર નહિ લાગે. માટે આપણા ઉપર સૌ સંતો-ભક્તો રાજી થાય એમ જીવવું. કેમ જે, મુક્તભાવ માટે રાજીપો સૌથી અગત્યની વસ્તુ છે. આમ વહાલા ભક્તો ! મહારાજની સમજણ પ્રમાણે આપણી સમજણ કરીએ તો મુક્ત થવામાં કોઈ વાર નથી.
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૨/૧૨/૨૦૧૩, રવિવારના રોજ શ્રીસ્વા.મંદિર કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન.